મુંબઈમાં પેટ્રોલ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાં! સમગ્ર દેશમાં રેકોર્ડતોડ સ્તરે ભાવ

નવી દિલ્હી: સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 90 રૂપિયાને પાર જતી રહી. આ જાણકારી ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ દ્વારા બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજ સવારે 6 કલાકે સંશોધન થાય છે. 16 જૂન 2017 પહેલા મહિનામાં બે વખત કિંમતોમાં સંશોધન થયું હતું.

આઈઓસી મુજબ, આજે મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.08 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ. તો દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 82.72 રૂપિયા, કોલકાતામાં 84.54 રૂપિયા અને ચેન્નઈમાં 85.99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જો ડીઝલની વાત કરીએ તો આ જે એક લિટર ડિઝલની કિંમત દિલ્હીમાં 74.02 રૂપિયા, મુંબઈમાં 78.58 રૂપિયા, કોલકાતામાં 78.26 રૂપિયા અને ચેન્નઈમાં 78.26 રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદમાં આજે પેટ્રોલ 11 પૈસાના વધારા સાથે 81.68 રૂપિયા પ્રતિ લિટર અને 6 પૈસાના વધારા સાથે ડીઝલ 79.23 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. તો સુરતમાં પેટ્રોલનો ભાવ 81.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 79.62 રૂપિયા પ્રતિ લિટર, રાજકોટમાં પેટ્રોલનો ભાવ 81.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 79.52 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે.

હાલના સમયમાં WTI ક્રૂડની કિંમત 71.61 ડોલર પ્રતિ બેરલ અને બેન્ટ ક્રૂડની કિંમત 79.88 ડોલર પ્રતિ બેરલ છે. ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ભારતના આયાત બિલમાં પેટ્રોલ અને ડીઝલનો ઘણો મોટા ભાગ હોય છે.

ઓઈલ કંપનીઓ મુજબ, રિફાઈનરીઓને 42.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 45.43 રૂપિયા પ્રતિ લિટરના ભાવે પડે છે. તેમાં કેન્દ્ર અને રાજ્યનો ટેક્ષ તેમજ ડીલરના કમિશન ઉમેરવામાં આવતા આ બંને ઈંધણનો ભાવ વધી જાય છે. પેટ્રોલ પર ડીલરનું કમિશન હાલમાં 3.66 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 2.52 રૂપિયા પ્રતિ લિટર છે.

વિપક્ષ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડાને લઈને સતત સરકાર પર હુમલા કરી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી કરવા માટે યોગ્ય પગલાં નથી લઈ રહી. ઉલ્લેખનીય છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત વધવાથી અને રૂપિયામાં નબળાઈને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top