અમરેલીઃ વિશ્વભરમાં એશિયાટીક લાયનના ઘર તરીકે સુપ્રધ્ધિ ગીરમાં સિંહો પર મૃત્યુનો ઘંટારવ. આજે 13મા દિવસે 2 સાવજો ફરી મોતને ભેટ્યા છે. ગીરના રાજા અને યમરાજાની મુલાકાતનો આંકડો આજે 13 દિવસમાં 13 સાવજો પર પહોંચ્યો છે. સિંહોના ત્રાસથી કંટાળેલા ગીર વિસ્તારના ગામલોકોએ સાવજોને મારણમાં ઝેર આપી દીધું હોવાની આશંકા પ્રબળ બનતી જાય છે. વનતંત્રનું સુચક મૌન અને અધિકારીઓની મીડિયાથી દૂર ભાગવાની નિતીએ સ્પષ્ટ દર્શાવી રહી છે કે સિંહોના કુદરતી મોત થયા જ નથી.
દલખાણીયા રેન્જમાં 4 વર્ષની સિંહણ અને 6 માસના સિંહબાળનું બીમારીથી મોત
હાલમાં ગીર પુર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન 3થી 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવી હતા. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.
મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મડી હતી. જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવી હતી.
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ થયા હતા. એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં મળ્યું હતું. જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.
સિંહના મોતને સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો
ગીરપૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા 11 દિવસ દરમિયાન 11 સાવજોનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે ઘણી શંકા ઉપજાવે છે. ચાર સાવજો અને ત્રણ સિંહબાળનાં મોત બિમારીના કારણે થતા સાવજોમાં કોઇ ભેદી વાઈરસ ફેલાયાની શંકાએ પણ તપાસ જરૂરી બની છે.
આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો. જયાં એક સિંહણને પામવા સિંહે તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતા. દરમિયાન આટલા સમયગાળામા અલગ અલગ સ્થળે ત્રણ બચ્ચા બિમાર હાલતમા મળતા સારવાર માટે બે બચ્ચાને જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડાયા હતા. જયારે એકને જૂનાગઢ ઝુમા ખસેડાયુ હતુ. જયાં ત્રણેયનુ મોત થયુ હતુ.
છેલ્લા ચાર દિવસના ગાળામા ચાર અલગ અલગ સ્થળેથી ત્રણ સિંહણ અને એક સિંહના મૃતદેહ મળી આવ્યા હતા. જે તમામ સાવજોના મોત ફેફસા અને લીવરમા ઇન્ફેકશનના કારણે થયાનુ જણાયું હતુ. જયારે ગઇકાલે એક મૃતદેહ કોહવાયેલી હાલતમા મળ્યો હતો. તે એટલી હદે કોહવાયેલો હતો કે મૃતદેહ સિંહનો છે કે સિંહણનો તે પણ નક્કી થઇ શકયુ નથી.
આ 11 સાવજો પૈકી ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમા થયા છે. બાકીના તમામ આઠ મોતને કોઇને કોઇ બિમારી કારણભુત જણાય છે. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું આ વિસ્તારના સાવજોમા કોઇ ભેદી વાયરસ તો ફરી નથી વળ્યો ને? દલખાણીયા રેંજમા જો આ સીલસીલો ચાલુ રહેશે તો આ રેંજમાથી સાવજો નામશેષ થઇ જશે.