દેશભરમાં GST લાગુ થતાં અન્ય અનેક ટેક્સ તો નાબૂદ થયા. પરંતુ એ રકમનું શું થયું જે સરકાર દ્વારા તમારી પાસેથી વિવિધ સેસ અંતર્ગત વસુલવામાં આવી ? તમે જાણીને ચોંકી જશો કે તમારી પાસેથી વસુલવામાં આવેલી સેસની રકમમાંથી 45 ટકા જેટલી રકમ તો ખર્ચ જ કરવામાં નથી આવી !
આ વખતના બજેટમાં આમ આદમીને એ વાતે રાહત રહેશે કે ચાલુ વર્ષે સરકાર તરફથી સેસ એટલે કે વધારાનો કોઇ ટેક્સ લગાવવામાં નહીં આવે. પાછલા વર્ષોમાં GST લાગુ થયા પહેલા ભારતમાં 20 સેસ લાગુ હતા. જેમ કે સ્વચ્છ ભારત સેસ, કૃષિ કલ્યાણ સેસ, ક્લીન એનર્જી સેસ, એજ્યુકેશન સેસ, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિવિધ યોજના હેઠળ એકત્રિત કરાયેલી સેસની કુલ રકમમાંથી મોટા ભાગનો હિસ્સો વપરાયા વગરનો જ પડ્યો રહ્યો છે.
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે કેગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 2016-17 સુધી 6 સેસ વડે સરકારે 4 લાખ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે પૈકી 1.81 લાખ કરોડ રૂપિયા એટલે કે 45 ટકા રકમ ખર્ચાઇ જ નથી. આ રકમને સરકારના ખાતામાંથી જરૂરી યોજના માટે ટ્રાન્સફર જ નથી કરવામાં આવી. 1996 થી 2017 દરમ્યાન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેસના નામે 7885.54 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા. પરંતુ મોટા ભાગની રકમ વપરાયા વગરની પડી રહી. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના નામે 2016-17માં 83 હજાર 497 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા. પરંતુ આ રકમ યોજનાના ફંડમાં ટ્રાન્સફર જ નથી થઇ. છેલ્લા 3 વર્ષોમાં આ પ્રકારના સેસ અને સરચાર્જનું કલેકશન ત્રણ ગણું વધ્યું છે. 2014-15માં સેસ અને સરચાર્જથી એકત્રિત થયેલી રકમ 75 હજાર 533 કરોડ રૂપિયા હતી. જ્યારે કે 2016-17માં આ આંકડો ભારે તેજીથી વધીને 2 કરોડ 35 લાખ 308 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો.
આમ કેન્દ્ર સરકાર દ્વારા તમારી પાસેથી સેસ અને સરચાર્જના નામે મોટા ઉપાડે ટેક્સ તો વસુલવામાં આવ્યો, પરંતુ જે હેતુ માટે આ ટેક્સ લેવામાં આવ્યો છે તે રકમ હજુ સુધી નથી વપરાઇ.