મેઘાલયમાં એક રૉક શૉ દરમ્યાન રાહુલ ગાંધી દ્વારા 70 હજાર રૂપિયાની કિંમતનું જેકેટ પહેરવામાં આવ્યું હોવાના ભાજપના આરોપ પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ કહ્યું છે કે, સૂટ-બૂટવાળી સરકાર આવા આરોપ લગાવી રહી છે. તેમણે ક્હ્યું છે કે ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર આ જેકેટ સાતસો રૂપિયામાં પણ મળી શકે છે.
ભારતની બે સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓને લઈને વિવાદ હોય અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી થાય નહીં તો જ નવાઈ ગણાય. ભાજપ દ્વારા રાહુલ ગાંધીના જેકેટની કિંમતને લઈને કટાક્ષ કરાયા બાદ કોંગ્રેસ તરફથી જવાબ આવવાનો જ હતો. કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ આવું જેકેટ સાતસો રૂપિયામાં મળી શકે તેવો દાવો કરીને વડાપ્રધાન મોદી ચાહે તો તેમને ભેંટમાં મોકલવાની તૈયારી દર્શાવીને ભાજપ પર વળતો કટાક્ષ કર્યો છે.
કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ વડાપ્રધાન મોદીની 56 ઈંચની છાતીવાળી ટીપ્પણી પર પણ કટાક્ષ કર્યો છે. રેણુકા ચૌધરીએ કહ્યું છે કે તેઓ વડાપ્રધાન મોદીને આવું એક જેકેટ ગિફ્ટ કરી શકે છે. પણ તેમની 56 ઈંચની છાતી સિવાય અન્ય માપની તેને ખબર નથી. રેણુકા ચૌધરીએ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવેલા તેમના નામવાળા સૂટની કિંમતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
2015માં વડાપ્રધાન મોદી દ્વારા તેમના નામ લખેલો સૂટ પહેરવા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષી નેતાઓ દ્વારા આકરા કટાક્ષ સંસદ અને સંસદની બહાર કરવામાં આવ્યા હતા. ભારતમાં ગરીબોની વસ્તી ઘણી વધારે છે. ગરીબો માટે સંવેદનશીલ દેખાવવા માટે ટોચના નેતાઓ દ્વારા કોશિશો થતી હોય છે અને વૈભવી જીવનશૈલી અને પહેરવેશ મામલે વિરોધપક્ષો એકબીજા પર નિશાન સાધતા હોય છે. મોટાભાગે આવા મામલામાં ગરીબો પ્રત્યેની સંવેદના ઓછી અને વોટનું રાજકારણ વધારે હાવી રહેતું હોય છે.