દિલ્હીમાં રાષ્ટ્ર મંચના કાર્યક્રમમાં ભાજપમાં બળવાખોર તેવર ધરાવતા પાર્ટીના વરિષ્ઠ નેતા યશવંત સિંહા અને પટનાસાહિબથી પાર્ટીના સાંસદ શત્રુઘ્ન સિંહા એકમંચ પર દેખાયા હતા. યશવંત સિંહાએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવતા ડોકલામમાં ચીનની હરકતો પર કોઈ 56 ઈંચની છાતી દેખાતી નહીં હોવાનું જણાવ્યું છે. તો શત્રુઘ્નસિંહાએ ક્હ્યુ છે કે સાચું કહેવું બળવો છે તો તેઓ બળવાખોર છે.
દિલ્હીમાં રાષ્ટ્ર મંચના એક કાર્યક્રમમાં ભાજપમાં વિદ્રોહી વલણ ધરાવતા યશવંત સિંહા અને શત્રુઘ્નસિંહા એક મંચ પર દેખાયા હતા. બંને સિંહા એક મંચ પર હોય અને નિશાન વડાપ્રધાન મોદી ન હોય તેવું છેલ્લા કેટલાક સમયથી તેમણે દાખવેલા તેવરો પરથી સ્પષ્ટ હતું. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન યશવંતસિંહાએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે ચીન ડોકલામમાં શું કરી રહ્યું છે અને સરકાર ટુકુર-ટુકુર તાકી રહી છે. હવે કોઈ 56 ઈંચની છાતી દેખાઈ રહી નથી. પાકિસ્તાન પણ આતંકવાદી મોકલી રહ્યું છે. જૂનું દોસ્ત રશિયા પણ દૂર જઈ રહ્યું છે. તો પટનાસાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ક્હ્યુ છે કે જો સાચું કહેવું બળવો હોય, તો સમજો અમે બળવાખોર છીએ.
મોદી સરકાર બન્યા બાદ ભાજપના માર્ગદર્શક મંડળમાં મૂકી દેવાયેલા યશવંત સિંહાએ કહ્યુ છે કે સંસદના આ સેશનમાં કામકાજના માત્ર ચાર દિવસો છે. જ્યારે પહેલા આમ થતું ન હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા થતી હતી. ત્રણ દિવસ રેલવે બજેટ પર ચર્ચા થતી હતી. ત્રણ દિવસ કેન્દ્રીય બજેટ પર પણ ચર્ચા થતી હતી. પરંતુ હવે માત્ર ચાર દિવસ છે. યશવંત સિંહાએ એક કહેવત ટાંકતા કહ્યુ છે કે આવી સ્થિતિમાં એક કહેવત બંધબેસતી છે. નંગા નહાએગા ક્યા ઔર નિચોડેગા ક્યાં.
ભાજપના વરિષ્ઠ નેતા ગણાતા યશવંત સિંહાએ તપાસ એજન્સીઓનો દુરપયોગ થઈ રહ્યો હોવાનું જણાવીને દેશના ખેડૂતોની સ્થિતિ કફોડી હોવાનું પણ જણાવ્યું છે. દિલ્હીમાં બેસીને આની કલ્પના કરવી મુશ્કેલ હોવાનું જણાવીને તેમણે કહ્યુ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને ભિખારીની જેમ સડક પર ઉભા કરી દીધા છે. સૌથી મોટો મુદ્દો ખેડૂતો છે. નોટબંધીથી કોઈ આર્થિક સુધારો થયો નહીં હોવાનું જણાવીને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પણ રહી ચુકેલા યશવંત સિંહાએ જીએસટીને લાગુ કરવાની પદ્ધતિ ખરાબ હોવાનુ જણાવીને બેરોજગારી વધ્યાનો દાવો પણ કર્યો છે.
યશવંત સિંહાએ ભયનો માહોલ હોવાનું જણાવીને ખુદ ભાજપના લોકો જ દહેશતમાં હોવાનું જણાવ્યું છે. તેમણે પહેલી ફેબ્રુઆરીએ દિલ્હીમાં માત્ર નામનું બજેટ રજૂ થવાનું હોવાનું જણાવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે તેઓ સંઘર્ષ કરશે અને રાષ્ટ્ર મંચ એક આંદોલન છે અને આંદોલન જ રહેશે. તે રાજકીય પાર્ટી નહીં બને.
બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં પણ મોદી સરકાર સામેની નારાજગીમાં પાછળ રહ્યા નહીં. શત્રુઘ્નસિંહાને પુછવામાં આવ્યુ કે આ તમામ વાતો તેઓ પાર્ટી મંચ અને સંસદીય મીટિંગમાં કહી શકે તેમ હતા. તો તેના જવાબમાં પટનાસાહિબથી ભાજપના સાંસદે જવાબ આપ્યો હતો કે જો મોકો મળત તો અહીં આવવાની તેમને જરૂર પડત નહીં. ત્યાં આવી વાત થાત તો આવો દિવસ આવત નહીં. બજેટ સત્રમાં ચર્ચા માટે છ દિવસ ક્યારેય હોઈ શકે નહીં. પરંતુ હવે થઈ રહ્યું છે અને તેઓ એક મંચ પર આવ્યા છે.
શત્રુઘ્નસિંહા મોદી સરકારની કાર્યશૈલી સામે ઘણાં વખતથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સને ટાંકીને તેમના દ્વારા લોકશાહી ખતરામાં હોવાની ટીપ્પણી પણ યાદ કરાવી છે. તેની સાથે તેમણે રાષ્ટ્ર મંચની વાતો સાથે ઘણાં લોકો સંમત હોવાનુ જણાવીને સત્ય બોલવું બળવો હોય તો તેઓ બળવાખોર હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ ટૂંકા બજેટ સત્ર અને નેશનલ એક્ઝિક્યૂટિવમાં સમય નહીં મળતો હોવાનું પણ જણાવ્યું છે.