અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે રોજનું 30નું વેઇટિંગ હોવાથી દર્દીને સારવાર માટે વલખા મારવા પડે છે. વેન્ટિલેટર ન મળતાં દર્દીને અમ્બુ બેગ પર રહેવું પડે છે. રવિવારે એક વર્ષના બાળકનું વેન્ટિલેટરને અભાવે મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં 96 અને વિવિધ વોર્ડમાં મળીને 158 વેન્ટિલેટર છે. છતાં હોસ્પિટલમાં હાલમાં વેન્ટિલેટર માટે રોજનું 30નું વેઇટિંગ છે, જેથી વેન્ટિલેટર ખાલી ન થાય ત્યાં સુધી અમ્બુ બેગ પર રહેવું પડે છે.
વેન્ટિલેટર માટે 30નું વેઈટિંગ છે
સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, ટ્રોમામાં ઇમરજન્સીમાં આવતા દર્દીની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રોમા સેન્ટરનાં ન્યૂરો, ઓર્થો અને પીડિયાટ્રિક આઇસીયુ, અને ઓપરેશન થિયેટરમાં 96 વેન્ટિલેટર છે. અલગ અલગ વોર્ડમાં 62 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે રોજ 20-30નું વેઇટિંગ છે. વેન્ટિલેટર પર દર્દી હોય તેને ખસેડીને નવાં દર્દીને મુકી શકાય નહિ. પ્રાઇવેટ હોસ્પિટલો અને રાજય બહારની હોસ્પિટલનાં ડોકટરો જરૂર હોય કે ન હોય દર્દીને વેન્ટિલેટર માટે સિવિલમાં ધકેલી દે છે.
વેન્ટિલેટરની સાથે ટ્રેઇન્ડ સ્ટાફ જરૂરી હોવાથી વેન્ટિલેટરની સંખ્યા વધારી શકાય તેમ નથી. જો કે, સિવિલ કેમ્પસમાં તૈયાર થઇ રહેલી 1200 બેડની હોસ્પિટલથી વેન્ટિલેટરની સમસ્યા ઉકલશે.
બાળકના સગાએ રજા લઈ લીધી હતી
કઠવાડાથી એક વર્ષના બાળકને 108 દ્વારા સિવિલમાં લવાયું હતું. પરંતુ, હોસ્પિટલમાં બાળકની તબિયત બગડી હતી, અને વેન્ટિલેટર પર રાખવું જરૂર હતું પણ વેન્ટિલેટર ઉપલબ્ધ ન થતાં બાળ દર્દીના સગાએ પ્રાઇવેટમાં સારવાર લેવા રજા લઇ લીધી હતી. પરંતુ, બાળકને લઇને પ્રાઇવેટ હોસ્પિટલ જાય તે પહેલા જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે