‘બુલેટ કેમ ખરીદ્યું’ કહી યુવાનની તલવારના 5 ઘા મારી હત્યા, પ્રણય ત્રિકોણના કારણે રવિની હત્યા થયાની આશંકા

વડોદરા: શહેરના મંગેલેશ્વર ઝાંપા વિસ્તારમાં રહેતા યુવાનને ચા પીવાના બહાને બોલાવીને ચારથી પાંચ જણાએ તલવારના ઘા ઝીંકી હત્યા કરી તેને ગટરમાં ફેંકી દીધો હતો. યુવાને છ માસ પહેલા નવુ બુલેટ ખરીદ્યુ હોવાથી તેની ઇર્ષામાં તેનાજ ફળીયમાં રહેતા ચારથી પાંચ જણાએ હત્યા કરી હોવાનુ પરિવારે આરોપ લગાવ્યો હતો. જ્યારે બીજી તરફ મોડી સાંજે પોલીસ તપાસમાં પ્રણય ત્રિકોણમાં હત્યા થઇ હોવાનુ ખુલ્યું હતુ. આ મામલે પોલીસે એકની ધરપકડ કરી હતી.

હત્યા કર્યા પછી યુવાનનો મૃતદેહ ગટરમાં ફેંકી દીધો

શહેરના મંજલેશ્વર ઝાંપા હરીજન વાસમાં રહેતા રવિ પ્રદિપભાઇ સોલંકી (27)ના પિતા પાલીકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. રવિએ છ મહિના પહેલા એક લાલ રંગનુ બુલેટ ખરીદ્યુ હતુ જે તેના મોતનુ કારણ બન્યું હતુ. રવિએ બુલેટ ખરીદતા તેનાજ મહોલ્લામાં રહેતા કૃણાલ સોલંકી, કૌશિક સોલંકી અન્ય પાંચથી સાત યુવકોને આ વાત કણાની જેમ આંખમાં ખટકતી હતી. જેથી તેઓ અવારનવાર રવિને તે બુલેટ કેમ ખરીદ્યુ કહીં મારવાની ધમકી આપતા હતા. અવાર નવાર રવિને આ પ્રકારની ધમકીઓ મળતા તેને પરિવારજનોને પણ આ અંગે વાત કરી હતી. જેથી રવિ અને તેના મહોલ્લામાં રહેતા કૃણાલ સહીત અન્ય યુવકો સાથે તેને ટુંક સમય પહેલા ઝઘડો પણ થયો હતો.

રવિવાર બપોરે 2 વાગ્યાના અરસામાં રવિ પોતાના ઘરે જમી પરવારીને ઊભો થયો હતો. ત્યાં કૃણાલે તેને ફોન કરી ચા પીવા માટે બોલાવ્યો હતો. રવિ ઘરની બહાર નિકળ્યો ત્યાં કૃણાલ, કૌશિક સહીત અન્ય પાંચ હત્યારાઓએ રવિ પર તલવાર અને ખંજર વડે હુમલો કરતા તેને બુમરાણ મચાવી હતી. જેથી તેની બહને ધર્મિષ્ઠા ઘરની બહાર આવતા હત્યારાઓ લોહીમાં લથપથ રવિને ખુલ્લી ગટરમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં એકત્રતા થતા યુવકને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો.

બુલેટ જ મારા પુત્રના મોતનું કારણ બન્યું : પિતાનો વલોપાત

મારો છોકરો સ્વામીનારાયણ સંપ્રદાયનુ ખૂબ કામ કરતો હતો. તેમજ વિસ્તાર અને સમાજના લોકોને કોઇ પણ તકલીફ હોય તો તે તેમની મદદે ઊભો રહેતો. જે વાત પણ હત્યારાઓને ખટકતી હતી.રવિને બુલેટનો ખૂબ શોખ હતો. જેથી છ મહિના પહેલા જ તેના માટે બુલેટ ખરીદ્યુ હતુ. અને એ જ બુલેટ મારા પુત્રના મોતનુ કારણ બન્યું. – પ્રદિપભાઇ સોલંકી, મૃત્ક રવિના પિતા

મારી નજર સામે જ ભાઇને મારી હત્યારા ફરાર થયા

બપોરે જમીને રવિ ઘરમાંથી બહાર નિકળ્યો તેમજ જોર જોરથી બુમો સંભળાઇ હતી. જેથી હું ઘરની બહાર નિકળી તો મારો ભાઇ લોહીમાં લથપથ હતો.ત્યારે કૂણાલને પકડવા દોડી હતી પરંતુ મારા ભાઇને ખુલ્લી ગટરમાં ફેંકી દઇ કૃણાલ સોલંકી, કૌષિક સોલંકી સહીત અન્ય પાંચ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. કૃણાલને પકડવા તેની પાછળ પણ દોડી પરંતુ તે ભાગી છુટયો. – ધર્મિષ્ઠાબેન, મૃત્ક રવિની બહેન

રવિ સમાજના દરેક કામમાં આગળ રહેતો હતો

મારો ભાઇ સમાજના દરેક કામમાં આગળ પડતો હતો. તાજેતરમાંજ તેમણે એક મકાન ખરીદ્યુ હતુ. અને ત્યારબાદ બુલેટ લીધુ હતુ. જોકે આ વાત તેના મહોલ્લામાં રહેતા કેટલાક યુવકોને પસંદ નતી. તેમને ઇર્ષા રહેતી કે અમારી પાસે નથી અને આની પાસે આ બધુ કેવી રીતે. આ ઇર્ષા રાખી મારા ભાઇને કૃણાલે ફોન કરી ચા પીવા માટે બોલાવ્યો અને હત્યા કરી નાખી. – યોગેશ, મૃત્કનો પિતરાઇ ભાઇ

પ્રણય ત્રિકોણના કારણે રવિની હત્યા થયાની આશંકા

યુવાનની હત્યામાં પરિવારે બુલેટ કારણ ભૂત હોવાની ફરીયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ કરતા રવિ અને કૃણાલ એકજ યુવતિને પ્રેમ કરતા હતા. ગત રાત્રીએ બન્ને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. જેથી કૃણાલ સોલંકી, કૌશિક સોલંકી અને અન્ય એક વ્યક્તિએ ભેગા મળી યુવાનની હત્યા કરી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે અંગે કૌશીક સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય હત્યારો કુણાલ સોલંકી અને તેના સાગરીતોની શોધખોળ કરાઈ છે. – પી.વી વાણીયા, એસીપી જી ડીવીઝન

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here