ગુજરાત એટીએસને એક મોટી સફતા મળી છે. શહેરમાં લુંટ, ચોરી, પોલીસ પર હુંમલો, ખંડણી સહીતના 25 થી પણ વધુ ગુનાઓ કરનાર જુહાપુરાનો કુખ્યાત આરોપી અઝહર ઉર્ફે કીટલીની ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી એક તમંચો, એક પીસ્ટોલ અને કારતુસ પણ મળી આવ્યા હતા. જો કે આ આરોપી કેટલાક સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો.
ગુજરાત એટીએસની ટીમ જુહાપુરાના કુખ્યાત આરોપી અઝહર ઉર્ફે કીટલીને પકડવા માટેની વોચ ગોઠવીને બેઠી હતી ત્યારે બાતમી મળી હતી કે, અઝહર ભરૂચમાં એક બંગલો રાખીને રહે છે. જેના આધારે એટીએસની ટીમે તે જગ્યાએ જઈને દરોડો પાડી અઝહર ઉર્ફે કીટલીની ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી એક તમંચો અને પીસ્ટોલ તથા કારતુસ મળી આવ્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અત્યાર સુધીમાં 25થી વધુ ગુનાઓને અંજામ આપી ચુક્યો છે અને જેમાં અનેક ગુનાઓમાં તેની ધરપકડ કરવામાં આવી છે, તો કેટલાક ગુનાઓમાં તે ફરાર હતો. આરોપી પોલીસ ઉપર હુમલો કરવાના ટેવ વાળો છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, થોડા સમય પહેલા આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી સાતેજમાં 1.5 કરોડની લૂંટ કરી હતી અને સાથે સાથ વેજલપુરમાં એક ફરિયાદીએ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી તો તેને પણ ફરિયાદ પાછી લેવાની ધમકી આપી 50 લાખની માંગણી કરી હતી. આ સિવાય પણ અનેક ગુનાઓમાં તે ફરાર હોવાનું સામે આવી રહ્યું છે. બીજી બાજુ આરોપી પાસેથી હથિયાર મળી આવ્યા છે, જેથી તે કોઈ ગુનાને અંજામ આપવાનો હોય તેવી વાત સામે આવી રહી છે, જેથી પોલીસે તેની હાલ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથધરી છે.