આગામી થોડા દિવસમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદઃ હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 12.31 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં લોકો બે દિવસથી બફારો અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 13.74 મિ.મી. વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલીમાં 5.35 ઈંચ વરસાદ થયો છે.

હવામાન વિભાગે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પંચમહાલ, તાપી, ડાંગ, ખેડા, નર્મદા, ભરુચ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ભાવનગર, છોટા ઉદેપુર, પોરબંદર, પાટણ, અમદાવાદ, અરાવલી, ગાંધીનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

Scroll to Top