સુરત શહેરમાં અસામાજિક તત્વોને કાયદાનો અને પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ લુખ્ખા તત્વો એટલા છાકટા બની ગયા છે કે, ગમે ત્યારે અને ગમે ત્યાં જઈને પોતાનો આતંક મચાવે છે. આ પ્રકારના બેફામ તત્વોને રોકવા અત્યંત જરૂરી છે.
આવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં પલસાણા-કડોદરા આવેલી જે.ડી રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વો દ્વારા લાકડી, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને 50 થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઈન સહિત ત્રણ મોબાઈલની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. આ અસામાજિક તત્વોએ 6 થી વધારે રાઉન્ડ ફાયરિંગ કરી અને હોટલમાં તોડફોડ કરી હતી.
સમગ્ર ઘટનાની વિગતો મળતા જ કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા થયેલા વિવાદની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ લુખ્ખા તત્વો 5 થી 6 ગાડીઓ ભરીને 20 થી 25 જેટલા ગુંડાઓ આવી ચઢ્યા હતા અને ઘાતક હુમલો કર્યો હતો.
પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.