સાડા 3 વર્ષની બાળકીની અંતિમવિદાયમાં રડી પડ્યું સુરત: બસ ‘સરકાર’, હવે નહીં

ગોડાદરામાં 20 વર્ષના પાડોસીએ સાડા ત્રણ વર્ષની બાળકી પર આચરેલી હેવાનિયત અ્ને હત્યા પછી લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મંગળવારે સવારે સ્મીમેર ખાતે સેકડો લોકો પહોંચી ગયા હતા. જ્યાં સુધી બળાત્કારી પકડાય નહીં ત્યા ંસુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસની લાખ સમજાવટ છતાં તેઓ તૈયાર ન હતાં. બાદમાં લાંબી રકઝક પછી માંડ સમજ્યાં પરંતુ લોકોનો આક્રોશ જોતા શબવાહિનીને બીજા રસ્તેથી લઇ જવી પડી હતી.રસ્તામાં ટોળાએ લારીઓ ઊંધી વાળી અ્ને બસને અટકાવી. શબયાત્રા નીકળી ત્યારે પાંચસો જેટલી પોલીસ ખડકી દેવાઇ હતી. સાવચેતીના પગલાંરૂપે દુકાનો બંધ કરી દેવાઇ હતી. હજારો લોકો સ્મશાનભૂમી પર શ્રદ્ધાંજલિ આપવાં સ્વંયભૂ પહોંચી ગયા હતા.તેમની માંગ હતી કે હેવાનને ફાંસી આપો. બસ ‘સરકાર’, હવે નહીં.

શહેર : બસ પર પથ્થરમારો અને લારીઓ ઊંધી પાડી દીધી

માસુમ બાળકીની લાશ પીએમ કરાવી પરિવારજનો મંગળવારે બપોરે ઘરે પરત ફર્યા તે સમયે કેટલાક અસામાજિક તત્વોએ બાઈક પર ધસી આવીને ગોડાદારા ખાતે ફુટની લારીવાળા પર ગુસ્સો ઠાલવ્યો હતો.

હજારો લોકો આંખમાં આંસુ અને હૈયામાં આક્રોશ ભરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયાં

પીએમ: ક્યારે કોણ પોતાનો ગુસ્સો ઠાલવી દે તે કહી શકાય તેમ ન હતું

હું હેલ્થ રિપોર્ટર છું. મંગળવારે સવારે રિપોર્ટિંગ દરમિયાન સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ તરફ જતા રોડ પર પોલીસ અધિકારીઓની ગાડીઓનો કાફલો ખડાકાયેલો હતો. જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ સુત્રોચ્ચાર સંભળાતા હતા- પીડીતાને ન્યાય આપો..ન્યાય આપો..ન્યાય આપો.. આરોપીને ફાંસી આપો.. ફાંસી આપો..ફાંસી આપો. પોસ્ટમોર્ટમ રૂમની બહાર પહોંચ્યો ત્યારે બહાર મહિલાઓ અને દલિત સમાજના અસંખ્ય લોકો જમીન પર બેસીને સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. લોકો એક જ વાત કરી રહ્યા હતા. જ્યાં સુધી આરોપીની ધરપકડ નહી થાય ત્યા સુધી બાળકીને મૃતદેહ નહી સ્વીકારીએ. ખાસ કરીને મહિલાઓ ગુસ્સામાં લાલઘૂમ દેખાઈ રહી હતી.

રોષ વ્યક્ત કરી રહી હતી. તો લોકોનો રોષ ઠંડો પાડવા માટે પોલીસ પણ ભારે પ્રયાસો કરી રહી હતી. થોડો સમય બાદ રાજકીય આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા. જોકે નેતાઓને જોઈ લોકોનો ગુસ્સો પહેલા તો વધી ગયો હતો. માસૂમ બાળકી સાથે થયેલા અત્યાચારમાં રાજકારણ ન કરવાનું કહી લોકોએ ગર્ભિત ચીમકી પણ આપી દીધી હતી. ક્યારે કોણ ક્યા પોતાનો ગુસ્સો ઠાલવી દે તે કહી શકાય તેમ ન હતું. મૃતદેહ સ્વીકારવાની વાત થતી તો કેટલાક લોકો રોષે ભરાઈ જતા હતા.આવેશમાં આવી જતા હતા. તો બીજી તરફ પોલીસ એક પછી એક આગેવાનોને મળી સમજાવી મૃતદેહને સ્વીકારીને તેની અંતિમવિધી કરવા માટે આજીજી કરી રહી હતી.

આખરે આગેવાનોની સમજાવટ બાદ પરિવાર તૈયાર થયો હતો. મૃતદેહ લઈ નીકળતી વખતે પણ લોકો શબવાહિની સામે બેસી ગયા હતા. જેમ તેમ કરી શબવાહિની પાછલા રસ્તે બહાર કાઢવાનો પ્રયાસ કરાયો. પરંતુ લોકોને જાણ થઈ જતા લોકોએ દોડીને અટકાવી દીધી હતી .ત્યાર બાદ બેનરો અને સુત્રોચ્ચાર સાથે શબવાહિનીની આગળ આગળ ચાલ્યા હતા. રેલી સ્વરૂપે સ્મીમેરની બહાર નીકળ્યા બાદ ત્યાં પણ લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. જેમ તેમ કરી શબવાહિની ત્યાંથી રવાના થઈ ઘરે પહોંચી હતી.

રમકડાં નથી દીકરીઓ, ધૈર્ય તૂટશે તો બધું ખત્મ થઇ જશે

લાનત છે એવી સરકાર અને વ્યવસ્થા પર જે ફૂલ જેવી દીકરીઓને સલામતી પૂરી નહીં પાડે શકે. સાડા ત્રણ વર્ષની માસુમની સાથે જે થયું તેનાથી સમગ્ર શહેર સ્તબ્ધ છે. મન સાથ નથી આપતું, આત્મા એક પ્રશ્ન પુછે છેકે, આપણે કેવા માણસો છીએ? એક પછી એક રમતી, ખિલખિલાટ કરતી દીકરીઓને હેવાનો પીંખી રહ્યા છે અને આપણે હાથ પર હાથ ધરીને બેસી રહ્યાં છીએ. આજે સુરતમાં દરેક તે મા-બાપ ભયભીત છે જેમના બાળકો છે. સમજાતુ નથી કે શું કરે શું બાળકોને તાળામાં બંધ કરી દે. શું-શું નથી થઇ રહ્યું આ શહેરમાં. એક હેવાન 27 મિનિટ સુધી 11 વર્ષની માસુમને પટ્ટા અને વેલણથી એટલી ક્રુર હદે ફટકારે છેકે વેલણ તુટી જાય છે. કેવી રીતે તેણે સહન કર્યું હશે, કેટલી પીડા થઇ હશે તેને. જી હા, અમારા ધૈર્યની પણ એક સીમા છે પરંતુ તે બાળકીની ન હતી. જ્યારે શબ મળ્યું ત્યારે શરીરમાં એવી કોઇ જગ્યા ન હતી જ્યાં ઇજાના નિશાન ન હોય. આંસુ ગાલ પર સુકાઇ ગયા. વેદનાની પણ એક સીમા છે.

પીડા અને દર્દના કારણે હોસ્પિટલમાં દાખલ એક બાળકી કણસતા સ્વરે કહે છે, ‘મા કીડી કરડે છે’. કીડી કેમ? ω કારણકે તે તે દર્દનો અર્થ પણ જાણતી નથી. આત્મા કાંપી ઉઠે તેવી ઘટનાઓ સરકારને કેમ દેખાતી નથી?ω ક્યાં છે તે નેતા અને જનપ્રતિનિધિ જે મોટી-મોટી ગુલબાંગો પોકારતા હતા. કેટલાંક ને સુરતને સ્માર્ટ સિટી બનાવી દેવાની ધુન સવાર હતી, તો કોઇના માથે સિંગાપુર બનાવવાનું ભૂત ચડ્યું હતું. ગજબનું રાજકારણ છે. નેતાઓના વિચાર જુઓ, 20 કરોડના ખર્ચથી આઇકોનિક રોડ બનાવીશું, 45-45 હજારના ખર્ચે શાનદાર કચરાપેટીઓ રાખીશું, કરોડોના ખર્ચે લાઇટથી બ્રિજ અને ચોરાચૌટા રોશનીથી શણગારીશું, વિચારવા જેવી વાત છે, આ કેવા પ્રકારની વિચારધારા છે?

હવે કડવી હકીકત જાણો. આ બધાંમાંથી કમિશન મળે છે અને દીકરીઓ કમિશન આપતી નથી. જી, હા, આ કમિશન નથી આપતી. ત્યારે જ તો, આ મરે તો મરે અમને શું ? જેવી સંસ્કૃતિ બનાવી દીધી છે. આવી ઘટનાઓને અટકાવવાની ચિંતા તો દૂર, નેતાઓ પાસે અહીંયા સાંત્વન આપવા માટે બે શબ્દો અને સમય પણ નથી. શું પક્ષ અને શું વિપક્ષ. રાજકીય પક્ષોને સુરતની યાદ ફંડ મેળવવાના સમયે જ આવે છે. દુધ આપતી ગાય છે, જેટલું ઇચ્છો તેટલું દુધ મેળવી લો, વિચારો કોઇ શહેરે પોતાને સલામત બનાવવા એટલું કામ કર્યું જેટલું સુરતે કર્યું છે.

8 વર્ષ પહેલાં જ્યારે ગણ્યાં ગાંઠ્યા શહેરોમાં કેમેરાની વ્યવસ્થા ત્યારે અહીંયાના વ્યાપારીઓએ કરોડો રૂપિયાનો ફંડફાળો ભેગો કરીને કેમેરાનું વિશાળ નેટવર્ક ઉભું કર્યું. વર્ષોથી સ્ટાફની અછત અને સંસાધનોના અભાવનો સામનો કરી રહેલી પોલીસે આનાથી હજારો ક્રાઇમ ડિટેક્ટ કર્યાં. કેટલાંયે અપરાધ થતાં અટકાવ્યાં. પરંતુ સવાલ સરકારથી છે, તે શું કરી રહી છે? બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરાય રહ્યું છે અને સુરક્ષા માટે કોડીયે નથી.ω લગભગ 80 લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં 13 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ છે અને 60 લાખની વસ્તીવાળા આર્થિક પાટનગર સુરતમાં માત્ર 3700 પોલીસ કર્મચારી? હવે સવાલ પોતાની સામે છે.

આપણે જેમને ચૂંટ્યા, ક્યારે તેમને પ્રશ્ન કર્યો કે તેઓ આમ કેમ કરી રહ્યાં છે?ω જ્યાં સુધી તેમની કુંભકર્ણની ઊંધ નહીં ઉડશે ત્યાં સુધી આપણું શહેર દીકરીઓ માટે કેવી રીતે સલામત રહેશે. અને છેવટે સુરતનું માળખુ અને સામાજિક તાણાવાણા માટે આવા હેવાનો પડકારરૂપ છે. પરંતુ અસંભવ નથી, આવા તત્વોથી લડવા માટે આપણે જાગરૂકતાનું યુદ્ધ લડવું પડશે. ઘર-પરિવાર, સમાજ, સંસ્થા, પોલીસ, એનજીઓ અને તમામ સંગઠનોએ પોતાની જવાબદારી અદા કરવી પડશે. દરેક માતા-પિતા અને બાળક-બાળકીને જાગૃત કરવા પડશે કે આવા હેવાનોથી કેવી રીતે બચવું જોઇએ અને તેમને કેવી રીતે ઓળખી શકાય.

અંતિમ યાત્રા: આજે જે જોયું તેનાથી પહેલીવાર ભાંગી પડ્યો

‘હું છેલ્લા 17 વર્ષથી સતત રિપોર્ટિંગ કરી રહ્યો છું. શહેરમાં 29 બોમ્બ મળવાથી લઈને વરાછામાં બિલ્ડિંગ પડી જવાથી 40 જણાનું મોત અને રેલવે ટ્રેક પર એક સાથે 16 જણા કપાઈ જવાથી કમકમાટી નિપજાવનાર બનાવનું રિપોર્ટિંગ પણ કર્યું છે. પરંતુ હાલમાં ગોડાદરામાં સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે નરાધમે જે કર્યું તે જોતાં અંદરથી તૂટી ગયો છું. માતા અને પિતાનું રુદન હચમચાવી ગયું. અંતિમવિધિ માટે હોસ્પિટલથી ઘરે લાવવામાં આવી. ઘરમાં રીતરસમ પૂરી કરીને ફૂલ જેવી બાળકીને પરી જેવી તૈયાર કરીને રૂમના બહાર લાવવામાં આવી હતી. તેના શરીર પર તેની પસંદગીનું સફેદ રંગનું સરસ ફ્રોક મુકવામાં આવ્યું હતું. હું પણ મારા આંસુ રોકી શક્યો ન હતો.

અંતિમવિધીમાં જોડાયો. અંતિમયાત્રા વખતે રસ્તા પર ઉભા લોકો પણ આરોપી ઝડપથી ઝડપાય અને તેને ફાંસી થાય એવી જ વાત કરતા હતા. લિંબાયત ગોવિંદનગર પાસેના સ્મશાનભૂમિમાં મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે અચાનક કેટલાક પોલીસવાળા ઝડપથી રીક્ષામાં બેસીને ભાગ્યા. કંઇક અજુગતું બન્યું હોવાનું લાગતા બાઇક પર પોલીસવાળાઓની રીક્ષાનો પીછો કર્યો હતો. નહેરવાળા રસ્તા પર આગળ વધ્યા ત્યાં હનુમાનજીના મંદિર પાસે ટોળું ઉભેલું દેખાયું હતું. ત્યાં એક યુવક અર્ધનગ્ન હાલતમાં હતો. તેને માર માર્યો હતો. માર ખાનાર યુવક એક 12 વર્ષની વિદ્યાર્થીનીને કેટલાક મહિનાઓથી હેરાન કરતો હતો.તેણીએ ત્રાસી સ્કુલ બદલી નાંખી હતી.

આજે રસ્તામાં વિદ્યાર્થીની છેડતી કરતા લોકો ભેગાથયા. વિદ્યાર્થીનીએ પણ માર માર્યો અને લોકોએ પણ માર માર્યો. મંગળવારે કરેલા રિપોર્ટિંગે મને છેલ્લા એક વર્ષમાં સુરતમાં બાળકીઓ પર જે અત્યાચારો થયા તે તમામ મારા મનમાં ઘૂમરાવા માંડ્યા. નાની બાળકીઓની સુરક્ષા માટે મને પણ ચિંતા થવા લાગી. હવે તો એવું લાગી રહ્યું છે કે બાળકીઓને એક ક્ષણ માટે પણ પોતાની આંખોથી દૂર થવા દેવી જોઈએ નહીં.

ફૂલ જેવી બાળકીને પણ ઊંચકવું મુશ્કેલ હતું

અનિલ યાદવના રૂમમાંથી બાળકી મળી આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે લાશને સ્થાનિક આગેવાન ભીમરાવ સેંદાનેએ ઉંચકીને શબવાહિનીમાં મુકી હતી. ભીમરાવ સેંદાને ભારતીય બૌદ્ધ મહાસભાના સુરત શહેર પ્રમુખ છે. તેઓએ કહ્યું કે બાળકી ફૂલ જેવી છે. એમ તેનું વજન 12થી 15 કિલો હશે પરંતુ તેની લાશ મને બહું ભારે લાગતી હતી. બાળકીને ઉંચકી ત્યારે મનમાં એવું થતું હતું કે આરોપી અનિલ સામે આવે તો હું જાતે જ તેને ફાંસી આપી દઉું. હું વિચારતો કે આવી ફુલ જેવી બાળકી સાથે કોઈ પણ હેવાન આવું કેવી રીતે કરી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top