ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નિવૃત્તિનો માર્ગ અપનાવ્યો હતો અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે ટ્રસ્ટીમંડળની અને વડીલોની સમજાવટ પછી તેમણે સમાજનું હિત ધ્યાનમાં રાખીને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. આમ, ખોડલધામના ખટરાગમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
રાજકોટમાં નરેશ પટેલના રાજીનામાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પાટીદાર વિદ્યાર્થીઓએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓના આવા આયોજન બાદ નરેશ પટેલે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાંતિ તેમજ સંયમ જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતે જે નિર્ણય કરશે તે વિદ્યાર્થીઓના હિતમાં હશે. મંગળવારે નરેશ પટેલ વડોદરા હતા જ્યારે આજે રાજકોટ પહોંચશે. રાજકોટ પહોંચ્યા બાદ તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.
ચર્ચા છે કે નરેશ પટેલે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હતો અને તેઓ ટ્રસ્ટના આંતરીક રાજકારણથી વ્યથિત હતા તે પણ એક પ્રશ્ન છે. ખોડલધામ ટ્રસ્ટના વડા નરેશ પટેલના રાજીનામાના ચર્ચાસ્પદ પ્રકરણમાં હાર્દિક પટેલે ટ્રવીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશ પટેલ સાથે દગો કરવામાં આવ્યો છે.
હાર્દિકે ટ્વીટ કર્યુ છે કે ખોડલધામ- કાગવડ એ પાટીદાર સમાજની ભક્તિમાં એકતાનુ સ્થાન છે. અમુક ટ્રસ્ટીઓના ભગવાકરણના કારણે નરેશભાઇ પટેલે રાજીનામુ આપ્યુ છે. નરેશભાઇ મૌન છે પણ હકીકત આ છે. ખાનગી સૂત્રો અને સમાજના મુખ્ય આગેવાનો આ સત્યના સૂર સાથે સહમત પણ હશે. નરેશભાઇ સાથે દગો કરવામાં આવ્યો છે.
શ્રી ખોડલધામ-કાગવડ એ પાટીદાર સમાજ ની ભક્તિ માં એકતા નું સ્થાન છે.અમુક ટ્રસ્ટીઓ ના ભગવાકરણ ના કારણે શ્રી નરેશભાઈ પટેલે રાજીનામુ આપ્યું છે.નરેશભાઈ મૌન છે પણ હકીકત આ છે.ખાનગી સૂત્રો અને સમાજ ના મુખ્ય આગેવાનો આ સત્ય ના શૂર સાથે સહમત પણ હશે.નરેશભાઈ સાથે દગો કરવામાં આવ્યો છે.
— Hardik Patel (@HardikPatel_) April 3, 2018
નરેશ પટેલના વ્યક્તિત્વ પર વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું મોટુ સંગઠન છે અને સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ પણ જોવા મળે છે.
નરેશ પટેલ સાથે કોણે દગો કર્યો ? હાર્દિક પટેલે ઉઠાવ્યો સવાલ