કોઈપણ વ્યક્તિને કહું કે એક મુઠી ઉંચેરું દંપતિ, સમાજનું ઋણ ચુકવવા પોણા બે લાખ રૂપિયાની પગારની રકમ અને સિવણકામ કરીને મેળવવામાં આવતી રકમ ગરીબ વિધાર્થીઓને દાન કરે છે,એટલું જ નહીં લાખો રૂપિયાનો પગાર હોવા છતાં દંપતિએ કાર વસાવી નથી,સાયકલ પર ફરે છે જેથી વધારેમાં વધારે રકમની બચત કરી ગરીબ વિધાર્થીઓને સહાય કરી શકાય.કળિયુગમાં આ વાત કોઈને કહો તો માને નહીં.પણ સત્ય હકીકત છે કે રેલવેમાં સિનિયર પાયલોટ તરીકે નોકરી કરતા અને પ્રતિ માસ પોણા બે લાખનો પગાર મેળવવા અમૃતભાઈ પટેલ અને તેમના પત્નિ તરુલતાબેન તમામ આવક નું દાન કરે છે.
મુઠી ઉંચેરા અમૃતભાઈ કહે છે કે તેઓ મુળ અમદાવાદ જીલ્લાના નાના ઉભરા ગામના વતની છે.વર્ષો પહેલાં તેમના પિતા હીરાપુર ગામમાં જઈ વસ્યા હતા.જ્યાં તેમના પિતા કાલાકપાસના વેપારી શેઠ ઈશ્વરભાઈને ત્યાં મજુરી કામ કરતા હતા.તેમનો પગાર માત્ર 175 રૂપિયા હતા.જે પગારમાં પરિવારનું ભરણ પોષણ કરવાનું હતું.
થોડા સમય બાદ અમૃતભાઈના પિતા નાનજીભાઈ મનીપુર,કરસનપુરા અને હીરાપુર ગામમાં રહ્યા.તેમના પુત્ર અમૃતભાઈ ભણવામાં ખુબ જ હોંશિયાર હતા.તે સમયે અમૃતભાઈને ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગના અભ્યાસ માટે વલ્લભવિદ્યાનગરમાં એડમીશન મળતું હતું.પ્રશ્ન એ ઉભો થયો કે પિતાની પ્રતિમાસ આવક માત્ર રૂપિયા 175 હતી અને કોલેજ-હોસ્ટેલનો ખર્ચ પ્રતિ માસ રૂપિયા 600 થયો હતો.નાનજીભાઈ અને પરિવારજનો મુંઝાયા કે હવે શું કરવું.આ બાબતની જાણ ગામના કેટલાક લોકોને થઈ તેમણે તેજસ્વી વિધાર્થીને ભણાવવાનો ખર્ચ ઉપાડી લીધો અને ખર્ચની તમામ જવાબદારી લઈ લીધી.
અમૃતભાઈને વધુ અભ્યાસ માટે મોકલવા અને ભણવાનો તમામ ખર્ચ ઉપાડી લેવા માટે તૈયાર થયેલા દાતાઓએ આગળ પાછળનો કોઈ વિચાર ન કર્યો કે નાનજીભાઈ બીજા ગામના છે,તેમના દિકરાને ભણવા માટે રૂપિયા આપીશું તો તે રકમ પરત મળશે કે નહીં,નાનજીભાઈ અને દિકરો ગામ છોડીને જતા રહેશે તો અમારી રકમ ડુબી જશે.તેવો કંઈ વિચાર દાનેશ્વરીઓએ ન કર્યો,બીજા ગામના પરિવારના પુત્રને ભણાવવો એ જ તેમના ઉદ્દેશ હતો.
ઈલેકટ્રીકલ એન્જીનીયર બનેલા અમૃતભાઈને રેલવેમાં નોકરી મળી.તે પછી તેમણે પોસ્ટ ડીપ્લોમા ઈન ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કોર્ષ કર્યો.તે પછી એલડી એન્જી.કોલેજમાંથી બીઈ કર્યું.તેમણે સંકલ્પ કર્યો કે દાનેશ્વરીઓએ મને દાન કર્યું તેના પરિણામે જ ભણી શક્યો,મારે પણ જરૂરિયાતમંદ ગરીબ અને ઓછી આવક ધરાવતા તેજસ્વી વિધાર્થીઓને ભણાવવા જોઈએ.તુરંત જ સંકલ્પ સાકાર કરવા દાન આપવાનું શરૂ કર્યું.
અમૃતભાઈ પ્રાઉડ ફોર યુ ને કહે છે કે જેમણે મને ભણવા માટે કોઈપણ જાતનો વિચાર કર્યા વગર દાન કર્યું હતું.સમાજનું ઋણ ચુકવવાની પણ મારી ફરજ છે.જો હું દાન ન કરું તો કુદરતનો ગુનેગાર ગણાવું.તેમણે સગવડ ન હોય તેવા તેજસ્વી વિધાર્થીઓની સ્કુલ-કોલેજની ફી ભરવાની શરૂઆત કરી,કેટલાક વિધાર્થીઓને લેપટોપ આપ્યા.અચરજની વાત એ છે કે આજે ચાર યુવક યુવતીઓ વિદેશમાં અભ્યાસ કરે છે ,તેમની ફી અમૃતભાઈ ભરે છે.
અમૃતભાઈ એ દાન કરવાનું શરૂ કર્યું.જે પવિત્ર યજ્ઞમાં તેમના પત્નિ તરુલતાબેન પણ પ્રેરણાદાયી અને સહભાગી બન્યા.અચરજની વાત એ છે કે તરૂલતાબેન પણ સિવણ કામ કરીને વધારાની આવક મેળવે છે.જે રકમ પણ દાનમાં ઉમેરવામાં આવે છે.
અમૃતભાઈ કહે છે કે દાનની રકમ સ્વિકારવામાં અને માંગવામાં પણ કેટલાક લોકોને સંકોચ થયો હોય છે.એટલે વિધાર્થીની આગળની ફી ક્યારે ભરવાની છે તે તારીખ હું લઈ લઉં છે.જેના કારણે તેમના માતાપિતાને સંકોચ ન થાય તે માટે તારીખ પહેલાં જ સામે જઈને ચેક આપી આવું છું.
અમૃતભાઈ અને તરૂલતાબેન એ તમામ પ્રકારના મોજશોખનો ત્યાગ કરી દીધો છે.બંને સાદગીથી રહે છે.આશ્ચર્યજનક વાત એ છે કે તેમણે બચત કરવા માટે કાર પણ ખરીદી નથી,ઓફિસ પર તેઓ સાયકલ પર જાય છે.મોજશોખ કરે અને કાર લાવે તો પગારની રકમ વપરાઈ જાય અને બચત ન થાય.જો રકમ વપરાઈ જાય તો વિદ્યાર્થીઓને મદદ કરવામાં તકલીફ પડે.
અમૃતભાઈ પટેલ અને તરૂલતાબેનની મદદના કારણે અસંખ્ય યુવક-યુવતીઓ આજે તબીબ,એન્જીનીયર બની ચુક્યા છે.તે સમયે લોકોએ અમૃતભાઈને 29,600 રૂપિયાની મદદ કરી હતી.જે ઋણ ચુકવવા અમૃતભાઈના સેવા યજ્ઞના કારણે આજે પણ ચાર યુવક યુવતી વિદેશમાં ભમી રહ્યા છે.જેમની ફી મુઠી ઉંચેરા દંપતિ ભરે છે.
અમૃતભાઈ કહે છે કે દાન લેનારની હું રાહ જોઉં છું,મારી તમામ રકમ દાન કરવા માગું છું.મારી પુત્રી એમએસસી એગ્રીકલ્ચર કરીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે અને પુત્ર આયુર્વેદિક તબીબનો અભ્યાસ કરે છે.ભગવાને મને બહું આપ્યું છે,જે સમાજ માટે વાપરવું છે.સતર્કતા ગ્રુપ અને પ્રાઉડ ફોર યુ ટીમ પણ હવે અમૃતભાઈના સેવા યજ્ઞમાં જોડાઈ રહી છે.જેમને પુત્રપુત્રીના અભ્યાસ માટે મદદની જરૂર હોય તેઓ અમૃતભાઈને કોઈપણ જાતના સંકોચ વગર મળી શકે છે.