પંજાબઃ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેનું યુદ્ધ પૂર્ણ, કોંગ્રેસ હાઇકમાન્ડે કર્યો આ મોટો નિર્ણય

પંજાબમાં કોંગ્રેસના બે કદાવર નતાઓ નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર વચ્ચે અત્યારે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આખા ભારતમાં કોંગ્રેસ અત્યારે બેકફૂટ પર આવી ગઈ છે. જો કે, પંજાબમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે અને બીજીતરફ આગામી સમયમાં પંજાબમાં ચૂંટણી વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આવા સમયે પાર્ટીમાં વિખવાદ ઉભો થવો તે પાર્ટીના અસ્તિત્વ માટે પ્રશ્નાર્થ બની શકે તેમ હતો. જો કે, કોંગ્રેસના હાઈકમાને એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને આ વિવાદને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.

નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ઉભા થયેલા વિવાદને ખતમ કરવા માટે જે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીએ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. મહત્વનું છે કે આ કમિટીમાં મલ્લિકાર્જુન ખડગે, હરીશ રાવત અને જયપ્રકાશ અગ્રવાલ સામેલ હતા. ગુરૂવારે આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટી હાઈકમાન્ડને સોંપી દીધો છે. ઘણા મીડિયા રિપોર્ટમાં તે કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં વિશ્વાસ દેખાડ્યો છે. ત્યારબાદ તે નક્કી થઈ ગયું છે કે અમરિંદર સિંહ પંજાબ કોંગ્રેસનો ચહેરો હાલ બન્યા રહેશે.

તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટીએ પોતાના રિપોર્ટમાં તે પણ કહ્યું કે, તપાસ દરમિયાન કેપ્ટન વિરૂદ્ધ કોઈ જૂથવાદની વાત સામે આવી નથી અને નવજોત સિંહ સિદ્ધૂને લઈને ધારાસભ્યોનું કોઈ ગ્રુપ પણ એક થયું નથી. આ કમિટીએ પંજાબ કોંગ્રેસમાં ખાલી પદોને ભરવાની ભલામણ કરી છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવામાં પાર્ટી કોઈ જોખમ લેવા ઈચ્છતી નથી અને પાર્ટીનો પ્રયાસ છે કે કોઈ નેતાને પણ નારાજ કરવામાં આવે નહીં.

નવજોત સિંહ સિદ્ધૂને લઈને ત્રણ સભ્યોની કમિટીએ કહ્યુ કે, તેમને નજરઅંદાજ કરી શકાય નહીં. સંભાવના છે કે રાજ્ય કોંગ્રેસમાં સિદ્ધૂને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા તેમને ડેપ્યુટી સીએમની ઓફર કરવામાં આવી શકે છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધૂને ચૂંટણી પ્રચાર કમિટીના અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે.

વર્તમાનમાં પંજાબ કોંગ્રેસની સ્થિતિને લઈને ઘણા રાજકીય વિશ્લેષકોનું તે પણ માનવુ છે કે આ સમયે કેપ્ટન સિવાય અન્ય કોઈપણ નેતા એટલા કદ્દાવર નથી, જે પોતાના દમ પર પાર્ટીને ચૂંટણીમાં જીત અપાવી શકે. તેવામાં પાર્ટી હાઈકમાન્ડ કેપ્ટન વગર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું જોખમ લઈ શકે નહીં.

જો કે, નવજોત સિંહ સિદ્ધુ પણ કોંગ્રેસ પાર્ટીના એક મોટા નેતા છે અને પંજાબમાં તેમનું પ્રભુત્વ પણ સારું છે. ત્યારે આવા સમયે પાર્ટી પાસે એક મોટી ચેલેન્જ એ હતી કે નિર્ણય એવો લેવો કે બંન્નેમાંથી એક પણ વ્યક્તિ નારાજ ના થાય. કારણ કે, કોંગ્રેસનો હાઈકમાન જાણે છે કે અત્યારે ભારતના રાજકારણમાં તેમની સ્થિતિ શું છે અને જો આવા સમયે ભૂલથી કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય તો માંડ માંડ જે બચ્યું છે પણ ખોઈ બેસવાનો વારો આવે.

Scroll to Top