ઉત્તરપ્રદેશમાં ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામમાં રામજી શબ્દ જોડવાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે બે બે સ્થળો પર તેમની મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટના અલાહાબાદની છે જ્યાં શાંતિપુરમ વિસ્તારમાં આંબેડકરની મૂર્તિ તોડી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ છે.
મૂર્તિ તોડ્યા બાદ દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતા ફૂલપુર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ નાગેન્દ્રસિંહ પટેલ ધરણા પર બેઠા હતા. શનિવારે સવારથી પોલીસ પ્રશાસન વિરુદ્ધ નારેબાજી ચાલી રહી છે અને દોષિતોની ધરપકડ કરવાની માંગ કરી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારી આકાશ કુલહરીએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દોષિતોની બહુ જલદી ધરપકડ કરવામાં આવશે. બીજી ઘટના સિદ્ધાર્થનગર જિલ્લાની છે જ્યાં ગૌહનિયામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિને તોડી પાડી હતી. મૂર્તિ તોડ્યા બાદ ગ્રામીણોમાં ખૂબ રોષ છે.
પ્રતિમા તોડ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચેતવણી આપી હતી કે મહાપુરુષોની મૂર્તિ તોડનારા લોકોને છોડવામાં આવશે નહી. નોંધનીય છે કે ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાની ઘટનાઓ સામે આવી હતી. તમિલનાડુ, કેરલ અને પશ્વિમ બંગાળમાં અનેક સ્થળોએ મહાપુરુષોની મૂર્તિઓ તોડી પાડી હતી.
અરુણાચલ પ્રદેશમાં ફરી ઘુસ્યું ચીન, સેનાએ લગાવ્યા કેમ્પ