ભાજપના અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાજ્યસભા સાંસદ તરીકે પોતાનું પહેલું ભાષણ આપ્યું. જે દરમિયાન તેમણે અનેક મુદ્દા પર ટિપ્પણી કરી. જો કે આ ભાષણ પછી સોશ્યલ મીડિયા અને સંસદમાં આ મામલે ખુબ ચર્ચા થઇ. ઉલ્લેખનીય છે કે પોતાના પહેલા ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર એક પછી એક પ્રહાર કરવામાં બિલકુલ કચાશ ના છોડી. અને તેમણે પકોડાથી લઇને ગબ્બર સિંહ ટેક્સ પર કોંગ્રેસને આપ્યો પલટવાર. રાજ્યસભા સાંસદ અમિત શાહે પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે કરોડો યુવાઓ જે નાના નાના સ્વરોજગારની દિશામાં આગળ વધી રહ્યા છે. પકોડા બનાવી રહ્યા છે. તેમની તુલના ભિખારી સાથે કરવામાં આવી રહી છે. તેમણે સવાલ પુછ્યો કે આ કેવી પ્રકારની માનસિકતા છે? પકોડા બનાવવા કોઇ શરમની વાત નથી. કોઇ બેરોજગાર પકોડા બનાવી રહ્યો છે તો તેની બીજી પેઢી આગળ વધશે. જેમ એક ચાવાળો પીએમ બનીને સદનમાં બેઠો છે. અમિત શાહે કહ્યું કે બેરોજગારી કરતા તો સારું છે કે કોઇ યુવા પકોડા બનાવીને પોતાની આજીવિકા કમાય.
વધુમાં અમિત શાહે કહ્યું કે હું ગરીબ ઘરમાં જન્મ્યો છું. મેં પણ ગરીબી દેખી છે. તેમણે કહ્યું કે વામપંથી દળોને સર્મથન આપતી કોંગ્રેસ સરકારે પણ એટલું ન્યૂનતમ વેતન નહીં વધાર્યું હોય જેટલું આ સરકારે વધાર્યું છે. તમામ ગરીબના ઘરે વિજળી, સ્વાસ્થય સેવા, શૌચાલય અને રોજગાર આપવા તે માટે તો આપણા મહાનુભાવોએ આઝાદીની લડાઇ લડી હતી. અને મને ગર્વ છે આ વાત પર કે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે.
અમિત શાહે કહ્યું કે દુનિયામાં જો કોઇ સૌથી મોટો આર્થિક સુધારો થયો હોય તો તે ભારતમાં GST સ્વરૂપે થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય જીએસટીનો વિરોધ નથી કર્યો. પણ તેની રીતનો વિરોધ કર્યો છે. જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહેવામાં આવે છે. ગબ્બર સિંહ કે ડાકૂ હતો. તો શું કાનૂનથી બનેલો ટેક્સ ડાકુ છે? અને તેનાથી મળતા પૈસા વન રેન્ક, વન પેન્શન જેવી યોજનાઓમાં ઉપયોગ થાય છે, કોઇ ગરીબના ઘરમાં તેનાથી ચૂલો ચાલે છે. આમ પોતાના આ ભાષણમાં અમિત શાહે એક પછી એક તમામ કોંગ્રેસના મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.