Article

ભુપતસીંહ ચૌહાણ (વીર ગુર્જર ક્ષત્રિય – રાજપુત) ની કહાની વાંચો અહીં, કોણ હતો ભુપત અને કેવા હતા પરાક્રમો

વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટિયો કહેવામાં આવે છે.

શા માટે લીધું ભૂપતસિંહે બહારવટુ…?, કોણ હતો ભૂપત બહારવટિયો…?, કેવા હતા એના પરાક્રમો…?, શા માટે એને વીસમી સદીનો છેલ્લો બહાદુર કેહવામાં આવ્યો…?, કેવી રીતે ભૂપતથી પ્રજા તથા રાજા-મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ…?

ભૂપત બહારવટિયો

‘પાંત્રીસ કે એનાથી મોટી ઉંમરનો એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે ભૂપત બહારવટિયાનું નામ નહીં સાંભળ્યું હોય. એક ગુજરાતી કઈ હદે જઈ શકે એનું જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ભૂપત હતો.

સામાન્ય રીતે ગુજરાતીઓને દાળ-ભાતપ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. એવું ધારી લેવામાં આવે છે કે ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી.

અરે, લડવાનું તો ઠીક, લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે; પણ ભૂપત આ બધાથી વિપરીત હતો.
તે લડી શકતો, સામી છાતીએ લડતો અને દિલ ફાડીને લડતો. ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે જેમાં ભૂપતની મર્દાનગી પર માન થઈ આવે.’

ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક વિષ્ણુ પંડ્યા ભૂપત બહારવટિયા પર અસ્ખલિતપણે બોલી રહ્યા છે.

તેમના ચહેરા પર ચમક પ્રસરી ગઈ છે. આંખોમાં ઝનૂન ઝળૂંબવા માંડ્યું છે અને ઇતિહાસનાં પાનાં પણ ઊથલાવા લાગ્યાં છે, ‘એક સમય એવો હતો કે ભૂપતથી પ્રજા તો ઠીક, રાજા-મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ હતી.

ભૂપતને પકડવાની મનસા લઈને આવેલા અંગ્રેજોએ ખાલી હાથે દેશ છોડવો પડ્યો એ પછી ભૂપતે ભારત સરકારને પણ પરસેવો પડાવી દીધો અને એ પછી પણ તે ક્યારેય જીવતો હાથમાં આવ્યો નહીં.

મને લાગે છે કે વીસમી સદીનો છેલ્લો બહાદુર જો કોઈ હોય તો તે ભૂપત બહારવટિયો હતો.’

વાત સહેજ પણ ખોટી નથી. ભૂપત બહારવટિયો છપ્પનની છાતી સાથે રજવાડાંઓ માટે લડ્યો અને જરૂર પડ્યે રજવાડાંઓ સામે પણ લડ્યો, પોતાની વષોર્ જૂની અદાવત માટે લડ્યો અને પોતાના ભાઈબંધોના વેરની વસૂલાત માટે પણ લડ્યો.

તે શૌર્યવાન હતો તો સાથે તેનામાં કપટીપણું પણ ભારોભાર હતું. ભૂપત સમજદાર હતો અને એટલે જ તેનામાં સહનશીલતા હતી.

તેણે ક્યારેય વટને ધ્યાનમાં રાખીને ડાકુ બનવાનો વિચાર નહોતો કર્યો, પણ તેની જિંદગીએ દિશા જ એવી પકડી હતી કે તેણે નાછૂટકે ડાકુગીરીના રસ્તે વળવું પડ્યું.

જો કેટલીક ઘટનાઓ ન બની હોત તો ભૂપતસિંહ બહારવટિયાને બદલે કદાચ આઝાદ ભારતે ભાગ લીધેલી પહેલી ઑલિમ્પિક્સના ખેલાડી તરીકે આજે જાણીતો હોત, પણ એવા કોઈ સંજોગો હતા નહીં અને એટલે જ ભૂપતસિંહના કપાળે બહારવટિયાનો ટૅગ લાગ્યો.

વિષ્ણુ પંડ્યા કહે છે, ‘મોટા ભાગના ડાકુઓની વાતો કપોળકલ્પિત લાગે એવી છે. ચંબલના ઇતિહાસનો મેં અભ્યાસ નથી કર્યો, પણ ગુજરાતમાં જે કોઈ ડાકુઓની વાતો થઈ છે એ ડાકુઓમાંથી એક પણ ડાકુના પુરાવાઓ પચાસ-સાઠ વર્ષ પહેલાંના ઇતિહાસમાં નથી, સિવાય ભૂપત.

ભૂપતનો ભોગ બનનારા અનેક લોકો આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હયાત છે. એવી જ રીતે ભૂપતની મદદથી સુખી થનારાઓ પણ આજે ગુજરાતમાં હયાત છે અને એ પછી પણ હું માનું છું કે આવતાં પાંચ-પંદર વર્ષ પછી આ માણસની શૌર્યકથા એક દંતકથા બની જશે.

કોઈ એવું માનવા તૈયાર નહીં થાય કે ભૂપતસિંહ બહારવટિયો નામનો એક સાચો ડાકુ ગુજરાતમાં હતો અને તેના નામ માત્રથી અંગ્રેજ કે રાજાઓની સેનાને પરસેવો છૂટી જતો અને ગીરના સિંહ તેને નીકળવા માટે રસ્તો કરી આપતા.’

કોણ હતો આ ભૂપતસિંહ?

આ વાત આઝાદી પહેલાંના સમયગાળાની છે. એ સમયગાળાની, જે સમયગાળામાં રજવાડાંઓનું રાજ હતું અને અંગ્રેજ શાસકો લગાન વસૂલીને રજવાડાંઓને રક્ષણ આપવાથી માંડીને અનેક પ્રકારની એમની કામગીરી કરી લેતા હતા.

રાજાઓ નામના રાજવી હતા અને અંગ્રેજોનો જોરજુલમ ચાલતો હતો. એ સમયની ગુજરાતની અને સૌરાષ્ટ્રની ભૂગોળ પણ જુદી હતી. આ જુદી ભૂગોળ વચ્ચેના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાળા ગામમાં ભૂપતસિંહનો જન્મ થયો.

એ સમયગાળો હતો ૧૯૨૦નો. ભૂપતસિંહની અટક બૂબ હતી, પણ આ બૂબ અટકનો જો આંબો ચકાસો તો એ આખો પરિવાર દેશના શક્તિશાળી એવા ક્ષત્રિય ચૌહાણ ખાનદાન સાથે વિલીન થઈ જાય.

હકીકત એવી હતી કે ભૂપતસિંહના વડદાદા વીરભદ્રસિંહ ચૌહાણ ઉત્તર ગુજરાતના બૂબ નામના ગામના સૂબેદાર હતા. આ ગામના શાસન હેઠળ સોળ ગામ આવતાં હતા.

વીરભદ્રસિંહના એ સુશાસનના કારણે ગુજરાતભરના રાજવીઓ તેમને વીરભદ્રસિંહ ચૌહાણને બદલે વીરભદ્રસિંહ બૂબવાળાના નામે ઓળખવા લાગ્યા, જે કાળક્રમે વીરભદ્રસિંહે પોતાની અટક બનાવી લીધી.

અલબત, આવી વિચિત્ર અટક ભૂપતસિંહને નહોતી ગમતી એટલે તે વટભેર પોતાને ભૂપતસિંહ ચૌહાણના નામે જ ઓળખાવતો.

ડાકુ બની ગયા પછી ભૂપતસિંહ ચૌહાણે મોકલેલી જાસાચિઠ્ઠી આજે પણ વડોદરામાં રહેતા હરદેવ ભટ્ટ પાસે પડી છે, જેમાં ભૂપતસિંહ ચૌહાણે ગાયકવાડ પરિવારને ધમકી આપતાં લખ્યું હતું કે જો મહેલમાં કામ કરતા બેતાલીસ નોકરોને તેમના નિવૃત્તિસમયે પાંચ-પાંચ વીઘાં જમીન આપવાનો ઠરાવ પસાર કરવામાં નહીં આવે તો તે રાજવી પરિવારના તમામ સભ્યોને જીવતા મારી નાખશે.

ભૂપતની આ ધમકી પછી શું થયું એની ચર્ચા કરવાને બદલે ભૂપતસિંહના જીવનને અત્યારે જોઈ લઈએ.
ભૂપતસિંહનો જન્મ બરવાળામાં થયો, પણ તેનું મોટા ભાગનું બચપણ બરવાળા જે ગામના તાબામાં આવતું હતું એ વાઘણિયા ગામના દરબારના ઘરે વીત્યું.

એક તબક્કો એવો આવી ગયો કે ભૂપત આ રાજવી પરિવારનો ખાસ અને અંગત માણસ બની ગયો. વાઘણિયા દરબાર મહદંશે ભૂપતને પૂછીને કે ભૂપતની સલાહ લઈને મહત્વના કામમાં આગળ વધતા.

વાઘણિયા દરબારને ત્યાં જ લગભગ મોટા થયેલા ભૂપતને દેશી રમતોનો બહુ શોખ એટલે દરબારે પણ ભૂપતની આ સ્ર્પોટ્સ-સ્કિલને ડેવલપ થવા દીધી હતી. એ દિવસોમાં અલગ-અલગ રાજ્યો વચ્ચે ઑલિમ્પિક્સ જેવી સ્પર્ધા થતી.

આ સ્પર્ધામાં વાઘણિયાનું પ્રતિનિધિત્વ ભૂપતને આપવામાં આવતું. ચાલીસના દશકામાં આવી જ એક ઑલિમ્પિક્સનું આયોજન વડોદરાના ગાયકવાડે કર્યું હતું. ચૌદ દિવસના રમતોત્સવમાં રેસ, લૉન્ગ જમ્પ, ગાડાં-રેસ, ઘોડેસવારી, ગોળાફેંક જેવી ચોવીસ રમતોની સ્પર્ધા હતી.

આ ચોવીસ રમતોમાંથી છ રમતમાં ભૂપત પહેલો અને સાત રમતમાં બીજા નંબરે રહ્યો હતો. સૌથી મજાની વાત એ છે કે દેશનાં બાવીસ રાજ્યો વચ્ચે થયેલી આ સ્પર્ધામાં એકમાત્ર ભૂપત એવો હતો જેણે ચોવીસેચોવીસ રમતમાં ભાગ લીધો હતો.

તમામ રમતોમાં માહેર હોવાના કારણે જ એ રમતોત્સવમાં તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. એ રમતોત્સવમાં સન્માન થયાના બાવીસમા દિવસે ભૂપતસિંહે વાઘણિયા છોડીને લોહીની દુનિયા પકડી લીધી હતી.

ડાકુ બનવા માટે ભૂપતને એક નહીં, બબ્બે ઘટનાઓએ ઉશ્કેર્યો હતો. આ બેમાંથી એક ઘટના અંગત હતી તો બીજી ઘટના પોતાના ખાસ ભાઈબંધ એવા રાણાની હતી.

બન્યું એવું કે ભૂપતના પરિવાર સાથે જૂની અદાવત ધરાવતા એક પરિવારના સદસ્યોએ રાણાની બહેન પર બળાત્કાર કર્યો. રાણા બદલો લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે પેલા લોકોના બાવીસ જણના ટોળાએ રાણા પર હુમલો કર્યો.

રાણાને એ સમયે ભૂપતે બચાવી લીધો, પણ બીજા દિવસે ખોટી ફરિયાદના આધારે રાણા અને ભૂપતને પોલીસે પકડી લીધા. બસ, અહીંથી અદાવત અને ઝનૂનની નવી દિશાઓ મંડાવી શરૂ થઈ.

ભૂપતે પહેલી હત્યા કરી ત્યારે તેની ટોળકીમાં રોકડા ત્રણ માણસો હતા, પણ પછી જ્યારે ભૂપતની ડાકુગીરી ચરમસીમા પર હતી ત્યારે તેની ટોળકીમાં બેતાલીસ સાથીઓ હતા.

ભૂપત દેશનો પહેલો અને છેલ્લો એવો ડાકુ હતો જેણે એકવીસ-એકવીસ સાથીઓની એમ બે ટોળકી રાખી હતી. આ બન્ને ટોળકી પોતે જ સંભાળતો, તેના જ આદેશ પર ચાલતી અને એમ છતાં આ બન્ને ટોળી જંગલમાં અલગ-અલગ જગ્યાએ પડાવ નાખીને રહેતી.

હેવાનિયતની ચરમસીમા…

કહેવત છે કે જેટલાં મોઢાં એટલી વાતો. આ કહેવત ભૂપતસિંહના ડાકુજીવનને લાગુ પડે છે. ડાકુ બન્યા પછી ભૂપતસિંહે કેટલાં ગુના કર્યા, કેટલી હત્યા કરી અને કેટલી લૂંટ ચલાવી એના અનેક આંકડાઓ ઇતિહાસવિદ આપી રહ્યા છે.

જોકે પુરાવાઓ કહે છે કે ભૂપતસિંહે ડાકુજીવનનાં સોળ વર્ષ દરમ્યાન અંગ્રેજ સૈનિક સહિત દોઢસોથી વધુ હત્યાઓ કરી હતી. બેફામ હત્યા કરનારા ભૂપતસિંહે પોતાના ડાકુજીવનનાં બાર વર્ષ દરમ્યાન એટલે કે ૧૯૪૦થી ૧૯૫૧ના વર્ષ દરમ્યાન એક હજારથી વધુ લૂંટ કરી હતી.

અંગ્રેજ સેના સાથે કે રાજાના સૈનિકો સાથે ઝઘડો થઈ જાય એ પછી ભૂપતસિંહ રીતસરનો ભુરાયો થતો અને એક રાતમાં ચાર-ચાર જગ્યાએ લૂંટ ચલાવતો. ડાકુજીવન દરમ્યાન ભૂપતે અંદાજે એક કરોડથી વધુની રોકડ કે ઝવેરાતની લૂંટ ચલાવી હતી.

એવું નહોતું કે ભૂપતે માત્ર કાઠિયાવાડ કે ગુજરાતને જ રંજાડ્યું હોય. ભૂપતસિંહે 1730પોતાના ડાકુકાળમાં ગુજરાત સિવાય મુંબઈ, કલકત્તા, મદ્રાસ (આજનું ચેન્નઈ), દિલ્હી અને હૈદરાબાદ જેવાં શહેરોમાં પણ પોતાના સાથીઓ સાથે મળીને બુદ્ધિપૂર્વકની લૂંટ ચલાવી હતી.

આ આતંકને કોઈ હિસાબે અટકાવી નહીં શકેલી પોલીસ-પાર્ટીએ ભૂપત વિશે માહિતી આપનારાને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું. ભૂપત પોતાના ખબરીઓને મારી નાખવાને બદલે તેમના નાક-કાન કાપી નાખવાની સજા ફટકારતો હતો.

ભૂપતની આવી ક્રૂર સજા ભોગવી ચૂકેલા લોકોનો આંકડો ચાલીસથી વધુનો છે, જેમાંથી ચાર વ્યક્તિઓ આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં હયાત છે.

આ ચારમાંના એક એવા રણમલ સિંધવ Sunday સરતાજને કહે છે, ‘ભૂપત માનતો કે મારી નાખવાથી બીક ચાલી જાય એટલે એ ખબરીઓને મારવાને બદલે આવી સજા આપતો, જેથી નાકકટ્ટા ને કાનકટ્ટાને જોઈને બીજા કોઈ આવી હિંમત ન કરે.

ભૂપત નાક-કાન કાપ્યા પછી એ માણસના ઘરનાને એવી ધમકી પણ આપતો કે જો આ આત્મહત્યા કરશે તો હું આખા ખાનદાનને મારી નાખીશ. આ બીકથી ઘરના પણ કાન-નાક કપાયેલાને મરવા દેતા નહીં.’

૧૯૫૧માં ભૂપતના હાથે નાક-કાન કપાવાની સજા ભોગવી ત્યારે રણમલભાઈની ઉંમર વીસ વર્ષની હતી. અત્યારે રણમલભાઈની ઉંમર ૮૩ વર્ષની છે. પોતાની જિંદગીનાં છેલ્લાં ૬૩ વર્ષમાં રણમલભાઈએ ક્યારેય કોઈને ફોટો પાડવા નથી દીધો.

કપાયેલા નાક-કાન સાથેના ચહેરે ફરવાની તેમને આજે પણ જબરદસ્ત શરમ છે. વાત કરતી વખતે તે પોતાના ચહેરા પર રૂમાલનો ટુકડો ઢાંકી રાખે છે. કપડાના એ ટુકડાના કારણે તેમના મોઢામાંથી નીકળેલા શબ્દો સ્પષ્ટ નથી સંભળાતા, પણ આસપાસ બેઠેલા કોઈ એ ટુકડો હટાવવા માટે રણમલભાઈને સમજાવવા રાજી નથી.

કાન માંડીને વાત સાંભળો તો સંભળાય છે, ‘હેવાનિયતની હદ હતી ભૂપત. લોહી જોઈને ભુરાયો થતો તે. વચ્ચે પડે તેને જીવતા મારી નાખે અને બૈરાં કરગરે તો પુરુષને વધુ મારે.

આજેય એ બધું યાદ આવે છે તો રૂંવાડાં ઊભાં થઈ જાય છે. કોઈને મોઢું દેખાડવા લાયક રહેવા ના દીધો તેણે તો…’

રણમલભાઈની આંખોમાં શરમ ડોકાય છે અને સાથોસાથ એ શરમની આડશમાં રહેલો ભૂપતસિંહનો ખોફ પણ.

ભૂપતસિંહના નામનો પ્રતાપ..

ભૂપતસિંહ ખોફનાક હતો, હેવાન હતો, અતિશય વિકૃત હતો અને દિમાગની કમાન છટકે ત્યારે વિકરાળ પણ હતો. આ જ ભૂપત જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે સૌમ્ય અને સજ્જન બની જતો. ભૂપતસિંહ નારી-સન્માનમાં કોઈ ચૂક આવવા દેતો નહીં.

૧૯૪૭ની આઝાદી પછીના સમયગાળામાં જ્યારે દેશભરમાં કોમવાદી આતંક શરૂ થયા ત્યારે અનેક મહિલાઓ ગુંડા અને મવાલીઓને ભૂપતને પોતાની બહેન ગણાવીને આબરૂ બચાવતી હતી.

બહેન-દીકરીઓના શિયળ લૂંટતા અને લાશ પરથી ઘરેણાં ચોરતા આ મવાલીઓ અને લુખ્ખાઓ પણ ભૂપતના આતંકથી ખળભળી ઊઠતા અને એટલે જ ડાકુ ભૂપતસિંહનું નામ જ્યાં આવતું ત્યાંથી એ સૌ પણ સલામત અંતર રાખીને હટી જતા.

ભૂપતસિંહને ગર્વ હતો કે તેના પર ક્યારેય કોઈ મહિલાએ ઇજ્જત લૂંટવાનો આરોપ લગાવ્યો નહોતો. પાકિસ્તાન ગયા પછી પણ ભૂપતસિંહનો આ ગર્વ અકબંધ રહ્યો હતો.

૧૯૭૧માં પાકિસ્તાનમાં હિન્દી યુવતીનો રેપ કરવાની કોશિશ કરતા ચાર શખસને ભૂપતસિંહે બેફામ માર્યા હતા, જેના માટે તેની ધરપકડ પણ થઈ હતી.

કોર્ટમાં ભૂપતસિંહે એક જ ઝાટકે ગુનો કબૂલ કરી લીધો હતો અને તે ચારેય જીવતા બચી ગયા એનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

પેલી હિન્દુ યુવતીના સ્ટેટમેન્ટ પછી ભૂપતસિંહ સામેના મારામારીના આરોપો પાછા લઈ લેવામાં આવ્યા, પણ કોર્ટ સાથે બદતમીઝી કરવા બદલ તેને છ મહિનાની જેલની સજા પડી હતી, જે તેણે હોંશભેર ભોગવી હતી.

૧૯૫૫માં ભૂપતસિંહે જૂનાગઢમાં કહ્યું હતું કે ‘મોટી ઉંમરની મહિલા મા સમાન અને નાની ઉંમરની યુવતી દીકરી કે બહેન સમાન હોય છે.

જો કોઈ મારી મા, બહેન કે દીકરીની સામે જુએ તો હું તેને જીવતો ન મૂકું તો હું મારા ગુજરાતની બીજી મા-દીકરીઓ સાથે ગેરવર્તન કરનારા માટે પણ એવું જ કરું.’

ભૂપતસિંહ ચૌહાણના આવા સ્વભાવના કારણે જ ગુજરાતમાં જ્યારે પણ પોલીસ-પાર્ટી તેને ઘેરી લેતી ત્યારે તેને કોઈ ને કોઈનો સાથ મળી જતો. અનેક વખત એવું બન્યું છે કે ગામની મહિલાઓએ એક થઈને ભૂપતને પોલીસ-પાર્ટીના ઘેરામાંથી બહાર કાઢ્યો હોય અને ક્ષેમકુશળ રીતે નસાડી મૂક્યો હોય.

એક વખત તો ભૂપતસિંહને ભગાડવા બદલ ગીરના જંગલના એક નેસની અઢીસોથી વધુ મહિલાઓની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી. જોકે એ સમયે કાઠિયાવાડનાં અખબારોમાં એનો વિવાદ થતાં એ તમામ મહિલાઓને પોલીસે છોડી મૂકવી પડી હતી.

ભૂપતસિંહ અનેક વખત પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. દેશ આઝાદ થયા પછી ૧૯૪૮માં ભૂપતસિંહનાં કારનામાં ચરમસીમાએ પહોંચી ગયા હતા અને પોલીસ ભૂપતને રોકવામાં સરિયામ નિષ્ફળ જતી હતી.

કંટાળીને એ વખતના સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન રસિકલાલે આદેશ આપી દીધો હતો કે જ્યાં સુધી ભૂપત નહીં પકડાય ત્યાં સુધી પોલીસને ૨૫ ટકા ઓછો પગાર મળશે! બે મહિના ઓછો પગાર મળ્યાં પછી ભૂપતે જ રસિકલાલને ધમકી આપી હતી, જેના પરિણામે પોલીસને ફરીથી પૂરો પગાર મળવો શરૂ થયો હતો. આ ભૂપતની ધાક હતી, આ ભૂપતની નામના હતી.

જાણે પશુ-પક્ષીની ભાષા પોતાની લાઇફનો સૌથી મહત્વનો એવો યુવાકાળ જંગલમાં વિતાવનારા ભૂપતસિંહને પશુ-પક્ષીઓની ભાષા પણ આવડતી હતી. શક્ય છે કે આ ભાષા તે પોતાના જંગલવાસ દરમ્યાન આત્મબળે શીખ્યો હોય, પણ એટલું ચોક્કસ હતું કે ભૂપતને આ ભાષાનો ફાયદો ગજબનાક થયો હતો.

ખુદ રાજકોટ પોલીસે જે તે સમયે ગૃહપ્રધાનને લેખિતમાં કહ્યું હતું કે ‘ભૂપતની આ કળાના કારણે પોલીસ જંગલમાં દાખલ થાય છે કે તરત જ તેને ખબર પડી જાય છે અને તે સાવચેત થઈ જાય છે. આથી ભૂપતને જંગલમાં પકડવા કરતાં બહાર પકડવો સહેલો છે.’

એક વખત પોલીસ ભૂપતનો પીછો પકડીને જંગલમાં પાછળ ઘૂસી આવી ત્યારે ડાકુ ભૂપતસિંહ દોઢ દિવસ સુધી સિંહની બોડમાં સિંહના પરિવાર સાથે છુપાઈ રહ્યો હતો.

એ દિવસની વાત ભૂપતે ત્યાર પછી પોતાના સાથીઓને કહી હતી અને સાથીઓએ ગીરના જંગલમાં આવેલા કનકાઈ માતાજીના મંદિર પાસે આવેલા નેસડામાં રહેતા આહિર અને ભરવાડોને કરી હતી.

વાત પહોંચતી-પહોંચતી છેક પોલીસખાતા સુધી પહોંચી ત્યારે પોલીસ-અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. જૂનાગઢના વન વિભાગમાં ડ્યુટી બજાવી ચૂકેલા નિવૃત્ત ફૉરેસ્ટ ઑફિસર અને જાણીતા ઇતિહાસકાર એમ. વી. વાઘેલા કહે છે, ‘સિંહની બોડમાં સિંહ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી. આના પરથી પુરવાર થાય છે કે ભૂપતસિંહ ખાલી દેખાવનો માણસ હતો, બાકી જિગરનો તો એ સિંહ હતો અને આ વાતની કદાચ સિંહને પણ ખબર હતી.’

દિશા પાકિસ્તાનની

૧૯૫૨માં ડાકુ ભૂપતસિંહ તેના જમણા હાથસમા ત્રણ સાથીઓ સાથે દેશ છોડીને કચ્છના રણનો ઉપયોગ કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો. પાકિસ્તાન જવા માટે તેની પાસે કોઈ ખાસ કારણ નહોતું અને ભૂપતને મૃત્યુનો ભય પણ નહોતો કે તે પોલીસથી ડરીને દેશ છોડીને ભાગે, પણ કેટલીક ઘટનાઓ એવી ઘટી જેને કારણે ભૂપતને પાકિસ્તાન ચાલ્યા જવામાં શાણપણ લાગ્યું.

પાકિસ્તાન ગયા પછી તેની ઇચ્છા થોડા સમય પછી પાછા હિન્દુસ્તાન આવવાની હતી, પણ એ શક્ય ન બન્યું અને ભૂપતસિંહ પાકિસ્તાનમાં જ રોકાઈ ગયો. પાકિસ્તાનમાં તેના પર ગેરકાયદે પ્રવેશ બદલ કેસ થયો અને એક વર્ષની સજા પણ પડી. આ સજા ભોગવીને ભૂપતસિંહ પાકિસ્તાન સ્થાયી થઈ ગયો.

પાકિસ્તાનમાં તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અમીન યુસુફ નામ ધારણ કર્યું અને નિકાહ પણ કર્યા. ભૂપતસિંહને ચાર દીકરા અને બે દીકરોઓ છે. નિકાહ પછી ભૂપતસિંહે પોતાના જૂના સાથીઓને મળવાનું કે પોતાના ખૂનખાર ભૂતકાળને વાગોળવાનું છોડી દીધું હતું.

જોકે તેને વારંવાર હિન્દુસ્તાન આવવાની ઇચ્છા થતી હતી, પણ ભૂપતની એ ઇચ્છા ક્યારેય પૂરી ન થઈ. ૨૦૦૬માં પોતાની આ અંતિમ ઇચ્છા સાથે જ ભૂપતસિંહ પાકિસ્તાનની ધરતી પર દફન થઈ ગયો.

ઉલ્લેખ ક્યાં-ક્યાં છે?

ડાકુ ભૂપતસિંહ વિશે ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાંથી છૂટાછવાયા કિસ્સાઓ મળી જાય છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યકાર દોલત ભટ્ટના સાહિત્યમાં પણ ભૂપતસિંહની વીરતાના કિસ્સાઓ વાંચવા મળે છે તો જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીના કાર્યક્રમમાં પણ ક્યારેક ભૂપતસિંહના શૌર્યની વાતો સાંભળવા મળે છે.

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રહેતા ટેક્સટાઇલ આર્ટિસ્ટ જિતુભાઈ ધાંધલે ભૂપતસિંહ પર ‘એક હતો ભૂપત’ હસ્તપ્રત તૈયાર કરી છે, જેમાં ભૂપતસિંહની અનેક એવી વાતો છે જે હજારો ઇતિહાસપ્રેમી સુધી પહોંચવી જોઈએ, પણ પહોંચી નથી.

જિતુભાઈ ધાંધલ કહે છે, ‘મેં શોખથી આ રિસર્ચ કર્યું છે, જેના માટે હું અનેક લોકોને મળ્યો અને મેં તેની સારી-નરસી વાતોથી લઈને તેના અલભ્ય કહેવાય એવા ફોટોગ્રાફ એકત્રિત કર્યા.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker