ભાજપના લંપટ ભાનુશાળીએ હાઇકોર્ટમાં અરજી કરીને યુવતી વિશે કહ્યું આવું…

હની ટ્રેપ જેવા મામલામાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાથી ફરિયાદ રદ્ કરવા માટે જયંતી ભાનુશાળીએ હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટમાં રજૂઆત કરી છે. બીજી તરફ સરકારે આ કેસની વધુ વિગત રજૂ કરવા પરવાનગી માગતા કોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ બુધવાર પર મુલતવી રાખી છે. ભાજપાના જયંતી ભાનુશાળી સામે સુરતમાં યુવતી દ્વારા કરાયેલી બળાત્કારની ફરિયાદને રદ્ કરવા માટે તેમણે કરેલી રિટમાં આજે આરોપી તરફે એડ્વોકેટ પ્રશાંત ખંધેરિયા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસ હની ટ્રેપનો છે.
જેમાં આરોપી પોતે જ ભોગ બનનાર છે. ત્યારે આ કેસની સુનાવણી સત્વરે કરી આરોપીને રાહત આપવા માટે દાદ માગવામાં આવી હતી. બીજી તરફ સરકાર દ્વારા પણ આ મામલે આગામી સુનાવણીમાં યોગ્ય રજૂઆત કરાશે.
જયંતી ભાનુશાળી દ્વારા ફેશન-ડિઝાઇનિંગના કોર્સમાં પ્રવેશ આપવાની લાલચ આપી યુવતી પર કારમાં જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ સુરત પોલીસ મથકે નોંધાઇ હતી. જે કેસમાં પોલીસે તપાસ આગળ ધપાવી છે ત્યારે આ ફરિયાદ જ રદ્ કરવા માટે ભાનુશાળી દ્વારા રિટ કરાઈ છે.