ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ભાંગરો વાટ્યો, ‘પીતા હો તો ભલે પીઓ, પણ…’

ભરુચ: પીએમ મોદીએ આજે સ્વચ્છતા જ સેવા કેમ્પેઈન લોન્ચ કરીને પોતે પણ ઝાડું ચલાવી હતી, ત્યારે તેમના જ પક્ષના એક સાંસદે મોટો ભાંગરો વાટ્યો છે. આ સાંસદ બીજા ક્યાંયના નહીં, પરંતુ ગુજરાતના જ છે. ભરુચના સાંસદ મનસુખ વસાવા પણ આજે સ્વચ્છતા જ સેવા કેમ્પેઈનમાં જોડાયા હતા, અને તેમણે પણ સાફ-સફાઈમાં ભાગ લીધો હતો.

મનસુખ વસાવા ઝાડું ચલાવતા હતા તે વખતે તેમના હાથમાં દેશી દારુની પોટલી આવી ગઈ હતી. દારુ પર પ્રતિબંધ ધરાવતા ગુજરાતમાં ખુદ સાંસદના હાથમાં દારુની પોટલી આવી જાય તે મોટી વાત હતી. જોકે, તેના પર મનસુખ વસાવાએ કેમેરા સામે જે નિવેદન આપ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.

વસાવાએ દારુની પોટલી હાથમાં આવ્યા બાદ કેમેરા સામે જ કહ્યું હતું કે, પીતા હો તો ભલે, પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ. સાંસદના મોઢે આ શબ્દો સાંભળીને હાજર લોકો પણ પોતાનું હસવું ખાળી શક્યા નહોતા. મહત્વનું છે કે, દારુબંધીનો ચુસ્ત અમલ કરાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે તેવા આક્ષેપ અવારનવાર થતા રહે છે, તેવામાં મનસુખ વસાવાએ આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

આ પૂર્વે તાજેતરમાં નર્મદા દિલ્લામાં યોજાયેલા પોષણ માસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મનસુખ વસાવાએ સરકારમાં ચાલતી ગેરરીતિઓ અંગે જાહેરમાં ફટકાબાજી કરી હતી. દારૂબંધી અને વ્યસન બાબતે પણ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, કેમિકલ વાળો દારૂ પીને કેટલીયે આદિવાસી બહેનો વિધવા થઇ છે. મેં જ્યારે જ્યારે આ અંગે રજુઆતો કરી છે ત્યારે ત્ચારે આ પોલીસ જ ગામડાઓમાં જઈને કહે છે કે મનસુખાભાઇએ ફરિયાદ કરી છે એટલે આવ્યા છે. આવા નાલાયક પોલીસ વાળાઓને આપણે સબક શીખવાડવો પડશે.

પોષણની વાતો કરીયે છીએ પણ તેમનું શોષણ થાય છે

રાજ્ય સરકારનાં આંગણવાડી વિભાગ અને યુનિસેફ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ આ તબક્કે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આંગણવાડીની કાર્યકરો જે કુપોષણ દૂર કરવા સતત મહેનત કરે છે. તે બહેનોને ઓછો પગાર મળે છે. તેઓનું આ પ્રકારે શોષણ થાય છે. આપણે પોષણની વાતો કરીએ છીએ. અહિં તેમનું શોષણ થાય છે.

મધ્યાહ્ન ભોજન અને સડેલું અનાજ 

કુપોષણ દુર કરવા માટે શાળામાં અપાતા મધ્યાહન ભોજન અંગે ટિપ્પણી કરતા મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે મધ્યાહન ભોજનવાળા પણ જાણે છે કે, તેમને સરકાર દ્વારા સડેલુ અનાજ આપવામાં આવે છે અને ઉપર બેઠેલા કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટ અને નાલાયક લોકો અનાજ મોકલતા નથી. અનાજ પણ સમયસર આવતુ નથી.

એક તરફ ભાજપ સરકાર પ્રવેશોત્સવ યોજી સરકારની સિધ્ધી લોકો સુધી પહોંચાડવા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના મનસુખ વસાવાએ સરકારી શિક્ષકોની પોલ ઉઘાડી પાડતા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એવો આક્ષેપ કર્યો હતો કે ,નર્મદા જીલ્લાના ૬૦-૭૦ સરકારી શાળાના શિક્ષકો દારુ પીએ છે. એટલું જ નહીં, જુગાર પણ રમે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here