અમદાવાદઃ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો છે.
આમ પગારમાં 65 ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો છે. આજે વિધાનસભા ગૃહમાં પગાર-ભથ્થાં વધારો કરતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, પગાર વધારા મામલે કોંગ્રેસ અને બીજેપી સાથે રહ્યું છે. આ વિધેયક સામે કોંગ્રેસે હરફ ઉચ્ચાર્યા વિના જ ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ 22 ડિસેમ્બર 2017થી કરવામાં આવશે. જેને પગલે તમામને તફાવતની રકમ પણ મળશે.
નેતા વિપક્ષનો ટપાલ ખર્ચ 1 હજારથી વધારી 10 હજાર
ઘારાસભ્યોનું દૈનિક ભથ્થું 200 રૂપિયાથી વધારી 1000 કરવામાં આવ્યું છે. જ્યારે નેતા વિપક્ષનો માસિક ટપાલ ખર્ચ રૂપિયા 1000થી 10 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 બાદ પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે.
રાતોરાત કર્યો વધારો
ધારાસભ્યોના પગાર વધારાનો આ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા અને અંતિમ દિવસે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરાયેલા આજના દિવસની કામગીરીની યાદીમાં ધારાસભ્યોના પગાર વધારા અંગેનો ઉલ્લેખ ન હતો,પરંતુ અચાનક જ વિધાનસભામાં પગાર વધારાનું વિધેયક સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે.
કયા રાજ્યમાં કેટલો પગાર
ઉત્તરાખંડ – 2 લાખ 91 હજાર
ઝારખંડ – 2 લાખ 25 હજાર
મહારાષ્ટ્ર – 2 લાખ 13 હજાર
હરિયાણા – 1 લાખ 65 હજાર
દિલ્હી – 1 લાખ 34 હજાર
રાજસ્થાન- 1 લાખ 30 હજાર
16 કરોડ 52 લાખ 75 હજારનો વધારાનો વાર્ષિક ખર્ચ