અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે નહી? પ્રદિપ સિંહ જાડેજાએ આપી માહિતી

અમદાવાદ મહાનગરપાલિકા ખાતે અમદાવાદ શહેરની આગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં હાજર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે સંવાદ સાધતા સ્પષ્ટ કર્યું હતું કે, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગેનો નિર્ણય પરિસ્થિતિના આધારે જ લેવામાં આવશે.

રાજ્યમાં કોરોનાનો કહેર ઘટવા લાગ્યો છે. તમામ રોજગાર ધંધાની ગાડી ફરી પાટા પર ચડી ગઈ છે. ભારતમાં જગ્ન્નાથપુરી પછી  બીજી જાણીતી અમદાવાદની રથયાત્રા ચાલુ વર્ષે જાશે કે નહીં તેની ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે.  જગન્નાથ મંદિરના મંહત દિલીપ દાસજી પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને  બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે.

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યુ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો  પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે.

ત્યારે આજે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે. તે અંગે લાગી રહ્યું છે હજી સરકારે રથયાત્રા યોજાશે કે નહી તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો નથી. કદાચ આગામી સમયમાં પરિસ્થિતિના આધારે જ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Scroll to Top