સાબરકાંઠાઃ તાજેતરમાં હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનાને કારણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આમ અલ્પેશ ઠાકોર બાદ આજે પાસ કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યો હતો. ત્યાર બાદ તેણે રાજ્યની ભાજપ સરકારને નિશાન બનાવી કહ્યું હતું કે,બાળકીની સુરક્ષા ન કરી શકે એવા લોકોને સત્તા પર બેસવાનો અધિકાર નથી.
ગુજરાત ભાજપની સરકારની સુરક્ષા પર સવાલ ઉઠે છે
આ અંગે હાર્દિક પટેલે ફેસબુક પર આ ઘટનાની નિંદા કરતા લખ્યું કે, ઘોર કળિયુગ, દુઃખ સાથે કહેવું પડે છે કે સાબરકાંઠા જિલ્લામાં એક 14 મહીનાની બાળકી સાથે બળાત્કાર થયો છે. આ સાંભળીને માણસ હલી જશે.
આજે બાળકી હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાત ભાજપની સરકારની સુરક્ષા પર સવાલ ઉઠે છે. જે લોકો યુવતીઓની સુરક્ષા ન કરી શકે, મહિલાઓની સુરક્ષા ન કરી શકે અને એક બાળકીની સુરક્ષા ન કરી શકે એવા લોકોને સત્તા પર બેસવાનો અધિકાર નથી. આજે હું બાળકીના પરિવારને મળ્યો અને મેં તમામ પ્રકારના સહયોગનું વચન આપ્યું છે, હજુ સુધી ગુજરાતની ભાજપ સરકારે બાળકીના પરિવારને એકપણ રૂપિયો આપ્યો નથી.