અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના યુવા નેતા પરેશ ધીરજલાલ ધાનાણી 42 વર્ષના થઈ ગયા છે. પરેશ ધાનાણીનો જન્મ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો. તેઓ પહેલીવાર 26ની વયે 2002માં ધારાસભ્ય બન્યા હતા.
2000થયા બી.કોમ, 1.15 કરોડની છે સંપત્તિ
પરેશ ધાનાણીએ 2017 વિધાનસભા ચૂંટણી સમયે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં પોતાના વ્યવસાય તરીકે ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. તેમણે 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી. જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે.
ફેમિલી
પરેશ ધાનાણીના પિતાનું નામ ધીરજલાલ ધાનાણી છે, જ્યારે પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. તેઓ સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓના પિતા છે. ખેડૂત પુત્ર એવા ધાનાણીને ખેતી કરતાં પણ આવડે છે. માત્ર એટલું જ નહીં, ભેંસો પણ દોહી લે છે અને ભજીયા પણ તળી જાણે છે.
26ની વયે રૂપાલાને હરાવી બન્યા જાયન્ટ કિલર
તેમની રાજકીય સફર અંગે વાત કરીએ તો તેઓ કોલેજકાળથી જ રાજકારણમાં આવવાના સપનાંઓ જોતા હતા. ચૂટણી દરમિયાન તેઓ કોંગ્રેસી કાર્યકર તરીકે ઉમેદવારોની સ્લિપ વિતરણ કરવા જતા અને 26 વર્ષની ઉંમરે 2002માં તેમણે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં તેમણે હાલ ભાજપના કેન્દ્રીયમંત્રી પરુષોત્તમ રૂપાલાને હરાવી જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા હતા. આ ઉપરાંત તેઓ યુથ કોંગ્રેસમાં સફળ જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મંત્રી અને બિહારના પ્રભારી તરીકે જવાબદારી પણ સંભાળી ચૂકયા છે.
2012માં જીતીને સંઘાણી સામે લીધો હારનો બદલો
2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે ત્યાર બાદ 2012ની ચૂંટણીમાં ફરી એકવાર પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો.
લોકોની મદદ કરવામાં નથી કરતા પાછીપાની
પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા નેતાની છાપ ધરાવે છે. સામાન્ય દીવસોમાં પોતે એકલા એક્ટિવા લઈને અમરેલીમાં ફરતા હોય છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા નજરે પડે છે. અમરેલીમાં આવેલા પૂર વખતે 18 દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પેકેજના મળતાં તેઓ ઉપવાસ પર ઉતર્યા હતાં. પોતે એકલા હાથે પુર પીડિતોને સહાય પહોંચાડવા લાગી ગયા હતા. આ સિવાય સુરતમાં 2006માં આવેલા પૂર સમયે પણ પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા માટે સુરત પહોંચી ગયા હતા.
કણમાંથી મણ કરતા ખેડૂત પુત્રની રાહુલ ગાંધી કરી ચૂક્યા છે પ્રશંસા
ધાનાણી પોતાના ભાષણોમાં વારંવાર ખેડૂત પુત્ર તરીકેનો ઉલ્લેખ કરે છે અને કણમાંથી મણ કરીએ છીએ એમ કહેતા જોવા મળે છે. પરેશ ધાનાણી વિષે શક્તિ સિંહ ગોહિલે પણ કહ્યું હતું કે, પરેશ ધાનાણી દરેક મુદ્દાનું જ્ઞાન ધરાવે છે, યુવાન છે, જમીન સાથે જોડાયેલ છે એટલે નાના માણસોની તકલીફોથી વાકેફ છે. રાહુલ ગાંધી પણ જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે કે ”પરેશ અચ્છા લડકા હૈ, વિશ્વાસુ હૈ, લોગો કી સેવા કરના ઉસકે દિલ મેં હૈ’
અમરેલી એરપોર્ટ શરૂ કરાવ્યું, 2017માં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી અપાવી 30 બેઠકો
અમરેલીમાં એરપોર્ટ શરૂ કરાવવામાં પણ તેમનો સિંહફાળો રહેલો છે. અમરેલી એરપોર્ટ પરની પ્રથમ ઉડાનમાં પોતે મુસાફરી નહીં કરીને એક સામાન્ય ખેડૂતને મુસાફરી કરાવી ખેડૂત નેતા હોવાનો દાખલો બેસાડ્યો હતો. અમરેલીમાં તળાવનો વિકાસ, માર્કેટ યાર્ડ વગેરે ઉભું કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સૌરાષ્ટ્રની 30 માંથી 23 બેઠકો કોંગ્રેસને અપાવવામાં તેમનો સિંહફાળો રહેલો છે