GujaratNewsPolitics

12 હાથનું ચીભડું ને 13 હાથનું બીઃ ખેડૂતોને 30 કરોડના વળતર માટે ગુજરાત સરકાર 75 કરોડનું પ્રિમિયમ ભરશે

 અમદાવાદ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુરુવારે ખેડૂતો માટે વીમા લાભની યોજના મોટા ઉપાડે જાહેર કરી છે. આ યોજના હેઠળ હવેથી ખાતેદાર ખેડૂત અથવા તેના પરિવારમાં સીધો લોહીનો સંબંધ ધરાવનારી કોઈ પણ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થશે અને પીએમ રિપોર્ટમાં તે બાબત પૂરવાર થશે તો તેના પરિવારને રૂ. 2 લાખનું વળતર ચૂકવાશે.

આનો સીધો અર્થ તો એ થયો કે જીવતા ખેડૂતને સરકાર તરફથી કોઈ રાહત કે સહાય નહીં મળે, પરંતુ સરકારી સહાય મેળવવી હશે તો ખેડૂતે અથવા તેના પરિવારમાંથી કોઈએ પણ સૌથી પહેલાં તો મરવું પડશે, અને તે પણ અકસ્માતે. જો કે, અહીં મુદ્દાની વાત આ અકસ્માત વળતર ચૂકવવાની યોજનામાં પણ થનારા વ્યાપક ભ્રષ્ટાચારની છે. કારણ માત્ર એટલું છે કે, ગુજરાત સરકાર ખેડૂતોને આ યોજનાનો લાભ એક વીમા યોજના હેઠળ આપશે અને તે માટેનું વાર્ષિક 75 કરોડ રૂપિયાનું પ્રિમિયમ રાજ્ય સરકાર ચૂકવશે.

વીમા કંપનીના ચોક્કસ મળતિયાઓને ફાયદો કરાવવાની તરકીબ?
ખુદ નીતિન પટેલે જ પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 1500 ખેડૂતોના અકસ્માતે મૃત્યુ થાય છે અને અત્યાર સુધી તેમના પરિવારને વળતર પેટે રૂ. 1,00,000 ચૂકવાતા હતા. પરંતુ હવેથી આ યોજનાનો વ્યાપ વિસ્તારાયો છે જેના અંતર્ગત હવેથી દરેક ખેડૂત કે તેના પરિવારજનના અકસ્માતે મૃત્યુ થવા પર રૂ. 2 લાખનું વળતર આ વીમા યોજના હેઠળ ચૂકવાશે.

હવે ગુજરાતમાં વર્ષે સરેરાશ 1500 ખેડૂતોના અકસ્માતે મૃત્યુ થતા હોય તો તેનો મતલબ એ થયો કે નવા સુધારેલા આંક પ્રમાણે તેમને ચૂકવવાપાત્ર થતા વળતરનો આંક રૂ. 30 કરોડ થાય છે. હવે આ રૂ. 30 કરોડનું વળતર ખેડૂત પરિવારોને ચૂકવવા ગુજરાત સરકાર વર્ષે રૂ. 75 કરોડનું પ્રિમિયમ ભરશે.

આનાબદલે ખુદ રાજ્ય સરકાર આ પ્રિમિયમની રકમમાંથી રૂ. 30 કરોડ ખેડૂતોના પરિવારોને ચૂકવે તો પણ તેની પાસે રૂ. 45 કરોડ જેટલી માતબર રકમ બચશે, જે ખેડૂતોના કલ્યાણ માટે તે વાપરી શકે એમ છે. પરંતુ એવી ચર્ચા થઈ રહી છે કે ચોક્કસ વીમા કંપની અને તેમાં બિરાજમાન પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવા રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોના નામે પણ ભ્રષ્ટાચાર કરી રહી છે.

પરિવારજનોને પણ લાભ આપ્યો હોવાની સરકારની દલીલ

અત્યારસુધી માત્ર 7-12ના ઉતારામાં નામ ધરાવતા ખાતેદાર ખેડૂતનું જ અકસ્માતે મૃત્યુ થવા પર રૂ. 1 લાખનું વળતર ચૂકવાતું હતું. પરંતુ હવેથી આવા કોઈ પણ ખેડૂત ઉપરાંત તેના પરિવારની કોઈ પણ વ્યક્તિ એટલે કે પત્ની, પુત્ર, અપરણિત પુત્રી, પુત્રવધુ વગેરેના અકસ્માતે મૃત્યુ થવા પર પણ આ યોજનાનો લાભ મળશે અને આ દરેક કિસ્સામાં રૂ. 2 લાખ પ્રતિ વ્યક્તિનું વળતર ચૂકવાશે.

જો કે, સરકાર આટલું ઊંચુ પ્રિમિયમ ભરવા માટે વધુ ખેડૂત પરિવારજનોના અકસ્માતે મૃત્યુ થવાની માત્રા આશા પર બેઠું છે. બાકી, વર્ષે રૂ. 30 કરોડનું વળતર ચૂકવવા માટે રૂ. 75 કરોડનું પ્રિમિયમ ભરવું પડે તેની પાછળ માત્રને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજો કોઈ દેખીતો તર્ક ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker