GujaratNewsPolitics

25 ઓગસ્ટ પછી ક્યાંક હાર્દિક પટેલ ગાયબ તો નહીં થઈ જાય? જાણો ભાજપનો માસ્ટરપ્લાન

 અમદાવાદઃ આજથી 3 વર્ષ પહેલા 25 ઓગસ્ટ 2015ના રોજ 2.5 લાખ પાટીદારો અનામતની માગણી સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ભેગા થયા હતા. આ આંદોલનની આગેવાની ત્યારે 22 વર્ષના હાર્દિક પટેલે લીધી હતી અને પાટીદાર અનામત આંદોલનનો તે મુખ્ય ચહેરો બની ગયો હતો. પણ આજે તેના અનેક જૂના સાથી સાથ છોડી ગયા છે. ત્યારે હાર્દિક ફરી એકવાર આગામી 25 ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલ ખાતે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે તેના સેનાપતિઓ વગર આ વખતે હાર્દિક કેટલુ પ્રભાવી પ્રદર્શન કરી શકશે? કેમ કે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જ તેના અડધો ડઝનથી વધુ મુખ્ય સહાયકો કે પછી લેફ્ટનન્ટ છેડો ફાડીને અલગ થઈ ગયા છે. તેટલું જ નહીં તેમાં મુખ્ય રેશમા પટેલ, વરુણ પટેલ અને ચિરગ પટેલ તો હાર્દિક જેનો વિરોધ કરી રહ્યો છે તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

લાગે છે કે હાર્દિકને પણ પોતાના ઉપર 2015 જેટલો આત્મવિશ્વાસ નથી રહ્યો. કેમ કે આજથી 3 વર્ષ પહેલા લાખ માણસને સમાવવાની ક્ષમતા ધરાવતું GMDC ગ્રાઉન્ડ પસંદ કરનાર હાર્દિકે આ વખતે પોતાની ભૂખ હડતાલ માટે નિકોલમાં આવેલ માત્ર 25000ની ક્ષમતા ધરાવતા ગ્રાઉન્ડને પસંદ કર્યું છે. જે દેખાડે છે કે માત્ર 3 જ વર્ષમાં હાર્દિકની કારકીર્દીનો ગ્રાફ જેટલી સ્પીડે ઉપર ચડ્યો હતો તેટલી જ સ્પીડે નીચે પણ આવી ગયો છે. તો હાર્દિક પણ પોતે ક્યાંક સ્વીકારી ચૂક્યો છે કે હવે તેના વળતા પાણી છે.

આ ઉપવાસ આંદોલનની જાહેરાત પહેલા જ હાર્દિકના પોતાના શબ્દોમાં કહીએ તો 25 ઓગસ્ટનો કાર્યક્રમ તેના પોલિટિકલ કેરિયર માટે ‘કરો યા મરો’ જેવો ઘાટ લઈને આવ્યો છે. રવિવારે, હાર્દિક પટેલે પાટીદાર અનામત સમિતિની તાલુકા સ્તરની કોર કમિટીની બેઠક બોલાવી હતી. આ બેઠક સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલ એક પોશ વિસ્તારમાં એક બંગલોમાં રાખવામાં આવી હતી.

અલબત્ત, સૂત્રોએ કહ્યું કે, આ બેઠકમાં સપોર્ટર્સ આવ્યા તો હતા પણ તેમાના ઘણાએ કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી લેવાથી પોતાને દૂર રાખ્યા હતા. આ જ કારણ છે કે હાર્દિકના અવાજ સોફ્ટ થઈ ગયો છે. તેણે હવે કાર્યક્રમની સફળતા માટે રાજકીય પાસુ રમતા દરેક પક્ષમાંથી ચૂંટાઈ આવેલ તમામ પાટીદાર ધારાસભ્યોને અનામત માટે પાર્ટી લાઈનથી આગળ વધી એકી અવાજે પાટીદારોની માગણી ઉઠાવવા આહ્વાહન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે પાસની 15 સભ્યોની કોર કમિટી પણ હવે માત્ર 6 સભ્યો પર સિમિત થઈ ગઈ છે અને તેમાના મોટાભાગના લોકોનો પાટીદાર સમાજ પર ખૂબ ઓછો પ્રભાવ છે. આ બધા વચ્ચે હાર્દિકે કહ્યું કે, ‘હું ભૂખ હડતાલ શરું કરું તેના પહેલા દિવસથી જ અમે હડતાલના પ્રત્યેક દિવસે ઓછમાં ઓછા 10000 માણસો જોડાય તે માટે પ્રયાસ કરી શું અને ભૂખ હડતાલના પહેલા દિવસે લગભગ 50000 જેટલા પાટીદારો અમારી સાથે જોડાશે.’ પાટીદારોમાં પોતાના ઘટતા વર્ચસ્વની ભરપાઈ કરવા માટે પાસ કન્વિનર હાર્દિકે પહેલાથી અનામતના મુદ્દા સાથે ખેડૂતોના મુદ્દે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પાસની મહિલા પાંખના કન્વિનર ગીતા પટેલે સ્વીકાર્યું કે તેમણે GMDCની સરખામણીએ ખૂબ જ ઓછી ક્ષમતાવાળું ગ્રાઉન્ડ આગામી 25 ઓગસ્ટની કાર્યક્રમ માટે પસંદ કર્યું છે. પણ સાથે એમ પણ કહી રહ્યા છે કે દરેક પાટીદાર અમારી સાથે છે. ગત વર્ષે હાર્દિકની સેક્સ સીડી લીક થયા બાદ તેનાથી છેડો ફાડી નાખરનાર અને હાર્દિકની સૌથી નજીકના સાથી દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ‘નિકોલ ખાતેનો કાર્યક્રમ હાર્દિક લિટમસ ટેસ્ટ તરીકે કરી રહ્યો છે. તે ભવિષ્યમાં પાટીદારોનો કેટલો સાથ મળી રહેશે આ જોવા માટે કાર્યક્રમ કરી રહ્યો છે.’ હાર્દિક માટે જરુરી માનવ મેદની ભેગી કરવામાં હજુ પણ સક્ષમ એવા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ‘જો હાર્દિક સામે બેસીને ચર્ચા કરવા માગે તો હું તો હજુ પણ અમારી વચ્ચે પડેલા મતભેદ દૂર કરવા તૈયાર છું.’

હાર્દિકના કાર્યક્રમને મળતા નબળા પ્રતિસાદ અંગે બચાવ કરતા અમદાવાદ પાસના કન્વિનર જયેશ પટેલે કહ્યું કે, ‘2015માં તો લાખોની સંખ્યા એટલે ભેગી થઈ હતી કે ત્યારે ફક્ત સિંગલ પોઇન્ડ એજન્ડા અનામતનો હતો. જ્યારે નિકોલ ખાતેનો કાર્યક્રમ તો આમરણાંત ઉપવાસ છે લોકોને તેમાં જોડાવું કે નહીં તે તેમના પર છોડવામાં આવ્યું છે.’ ઉલ્લેખનીય છે કે રવિવારે હાર્દિકે કહ્યું કે, ‘તેણે પોતાના આમરણાંત ઉપવાસમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉ.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઉપવાસ આદોલનમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. ઉપરાંત મરાઠા અને જાટ આંદલનના આગેવાનો પણ 28મી ઓગસ્ટના રોજ નિકોલ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા આવશે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker