અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર છે. જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.
ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક સહિત 9 લોકો સામે ફરજમાં રૂકાવટ અને ગેરવર્તણૂકનો ગુનો દાખલ કર્યો હતો.
કોની કોની સામે ગુનો દાખલ થયો
- હાર્દિક પટેલ
- મનોજ પાનારા
- અલ્પેશ કથીરિયા
- ધાર્મિક માલવીયા
- કેતન દેસાઈ
- રવિ કાવર
- કિશન ચોડવડિયા
- નિવ પટેલ
- જતીન સિરોયા
ક્રાઈમ બ્રાન્ચ બહાર પાટીદારોના સુત્રોચ્ચાર
અટકાયત બાદ ક્રાઇમ બ્રાંચ ખાતે પાટીદારો એકઠા થઈ ગયા હતા અને ક્રાઇમ બ્રાંચ બહાર હાર્દિકના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા.
નિકોલ જવા નીકળતા હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા ઝપાઝપી
આ દરમિયાન સમર્થકોએ સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.
હાર્દિકનો હુંકાર ગુજરાત સરકાર કેમ ડરી રહી છે, પોલીસ માપમાં રહે
અટકાયત પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. મારા ઘર બહાર પોલીસનો કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતું હું ચોક્કસ ઉપવાસ કરીશ. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.
પોલીસે મહેસાણા, સૌરાષ્ટ્ર, સુરતમાંથી 300 કાર્યકરોની અટકાયત કરી
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક્ક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.
જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં તાના શાહી
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે.
કુલ 130થી વધુની અટકાયત
આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું કે, પોલીસે 130 વધુ લોકોની અટકાયત કરી છે. જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી 58 લોકો, રાજકોટથી અમદાવાદ આવતા 26ની ચોટીલામાંથી અટકાયત કરાઈ છે. જ્યારે હાર્દિકના નિવાસ સ્થાને તેના સહીત 58 લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે અને મારા ઘરે 200 પોલીસ કર્મી ગોઠવવામાં આવ્યા છે