અમદાવાદ: હાર્દિક પટેલને મળવા માટે મધ્યસ્થી તરીકે ખોડલધામના નરેશ પટેલ હાર્દિકની ઉપવાસી છાવણી ગ્રીનવુડ રિસોર્ટમાં ગયા હતા જ્યાં નરેશ પટેલે હાર્દિકને કાનમાં કઈ કહ્યું અને તેઓ હજુ ગ્રીનવુડથી ગેટની બહાર નીકળે તે પહેલાં જ હાર્દિકના પેટમાં દુખાવો થવા લાગ્યો અને અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હાર્દિકને સોલા સિવિલ ખસેડાયો
હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનેલા નરેશ પટેલ આજે બપોરે હાર્દિકની ઉપવાસી છાવણીમાં ગયા હતા જ્યાં તેમણે વીસેક મિનિટ સુધી હાર્દિક પટેલ અને પાસના કન્વીનર સાથે ચર્ચા કરી હતી જેમાં હાર્દિક પટેલ સાથે દસેક મિનિટ વાત કરીને તેઓ હાર્દિકના ઘરમાં જઈ પાસના કન્વીનરો સાથે વાતચીત કરી હતી.
ત્યારબાદ નરેશ પટેલ હજુ તો ગ્રીનવુડ રિસોર્ટમાં ગેટની બહાર નીકળે તે પહેલાં જ હાર્દિકને એકાએક ગભરામણ થવા લાગી અને બેભાન જેવો થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આમ નરેશ પટેલે હાર્દિક પટેલના કાનમાં એવું તે શું કહ્યું કે જેના કારણે હાર્દિકને એકાએક પેટમાં દુખાવો થયો અને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા પડે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
હાલ તેની સોલા સિવિલના 6ઠ્ઠા માળે આવેલા MICU (મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ- તાત્કાલિક સઘન સારવાર એકમ)માં સારવાર શરૂ કરવામાં આવી રહી છે. હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
હાર્દિકે ગુરુવાર રાતથી જળનો ત્યાગ કર્યો હતો
સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી જળનો ત્યાગ કર્યા બાદ તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવી રહ્યો હતો. હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી.
હાલ તેને આઈસીયુ ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો, હોસ્પિટલના 6 માળે હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતાં. હાર્દિકને હોસ્પિટલ ખસેડાતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ હાઈ એલર્ટ કરી દેવાઈ છે.
પાટીદારો વિસ્તારોમાં પોલીસ એલર્ટ
હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હાર્દિકના કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્ટિપલ ખાસે તેના માટે વિશેષ રૂમ સહિતની તૈયારીઓ આગોતરી કરી દેવામાં આવી હતી. ડોક્ટરનો ફોજને તૈયાર રાખવા ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવ્યું છે