અમદાવાદ: આખરે 14મા દિવસે હાર્દિકના અનશને ઊભા કરેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો પહેલો અંક સમાપ્ત થયો હતો. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સાથેની મુલાકાત પછી તરત સ્વૈચ્છાએ હોસ્પિટલમાં સારવાર લેવા સંમત થયેલા હાર્દિકે મોડી રાત્રે હોસ્પિટલનો ય સ્થાન બદલો કર્યો અને સોલા સિવિલમાં પોતાના જાનની સલામતી ન હોવાનું કારણ આગળ ધર્યું. સામા પક્ષે સરકારે પણ પૂરતી કડકાઈ દાખવી. હાર્દિક હોસ્પિટલમાં જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા હતા.
અનશનના ત્રિકોણના ત્રણ ખૂણા છે
હાર્દિક પોતે, તેના ખભા પર બંદૂક ફોડી રહેલી કોંગ્રેસ અને સરકાર યાને ભાજપ. પંદર દિવસની અત્યંત તીવ્ર, ઘનિષ્ઠ અને મજબૂત રાજનીતિ પછી આ સમગ્ર ઘટનાક્રમમાં કોણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનું અવલોકન પણ રસપ્રદ છે.
હાર્દિકઃ ખાયા, પિયા કુછ નહિ.. ગિલાસ તોડા ભી નહિ તોડા
અનશનના પ્રથમ દિવસે જ એ ફરક દેખાઈ ગયો હતો કે તારીખ ભલે 25 ઓગસ્ટ હોય, પણ વર્ષ બદલાઈ ગયું છે. એ 2015નું વર્ષ હતું અને આ 2018 છે. વિતેલા ત્રણ વર્ષ દરમિયાન સાબરમતીમાંથી ઘણાં નીર વહી ગયા છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર ઉમટેલી લાખોની મેદનીને આક્રોશપૂર્વક સંબોધતો હાર્દિક ગ્રીનવૂડ રિસોર્ટના આંગણામાં ઉપવાસનો આરંભ કરી રહ્યો હતો ત્યારે લૂંટાઈ ગયેલા રાજપાટના બદહાલ રાજા જેવો લાગતો હતો.
ઝવેરચંદ મેઘાણીની એક કથામાં સંવાદ છે. સફળતાના મદમાં પોતાના સાથીદારોને તરછોડી રહેલા નેતાને એક સાથી કહે છે, ‘પીંછડા વગરનો મોર રૂડો લાગશે?’
અભિમાની નેતા જવાબ આપે છે, ‘મોર હશે તો નવા પીંછડા ય આવશે…’
મેઘાણીનો આ સંવાદ હાર્દિકને બરાબર લાગુ પડે છે. 2015માં હાર્દિકની જે સાથે હતા, ખભેખભા મિલાવીને ઊભા હતા એ કોઈ હવે તેની સાથે રહ્યા નથી. વરુણ, રેશમા, બાંભણિયા, સાબવા, રાહુલ, કેતન, ચિરાગ… બિછડે સભી બારી બારી! ભાજપના લોભ-લાલચ કે કહેવાતી ધમકી કારણભૂત હોય કે કંઈપણ, હકીકત એ છે કે હાર્દિક તેમને સાચવી શક્યો નથી. જેનાં થકી એ નેતા હતો એ જૂનાં સાથીદારો જતાં રહ્યા અને નવા એ લાવી શક્યો નહિ. તુંડમિજાજી, આપખુદી અને મિથ્યાભિમાન રાજા રાવણના ય ટક્યા નથી એ સ-વેળા ન સમજવાનું હાર્દિકને બહુ બૂરી રીતે ભારે પડ્યું છે.
વિધાનસભાની ચૂંટણી વખતે ગામેગામ હાર્દિકની સભાઓમાં ઉમટતી જનમેદની પણ એ જ્યારે આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો હતો ત્યારે ગાયબ હતી. લાખોની સંખ્યામાં ઉમટી પડતાં વરાછા, કતારગામ, કામરેજના પાટીદારો ક્યાંય દેખાતા ન હતા. ચાલો હાર્દિકનો દાવો માની લઈએ કે ઉપવાસના સ્થળે પોલીસની દખલના કારણે લોકોને આવતાં અટકાવાતા હતા. પરંતુ સોલા સિવિલમાં શુક્રવારે સાંજે શું ચિત્ર હતું? હાર્દિક પોતે તો છઠ્ઠા માળે હતો, એટલે તેણે બહારનું દૃશ્ય નહિ જોયું હોય, પરંતુ અમે એ દૃશ્ય જોયું છે.
મીડિયાના ધાડા અને પોલીસકર્મીની ફોજને બાદ કરો તો પૂરા 50 સમર્થકો પણ ત્યાં હાજર ન હતા. પોતાનો નેતા ચૌદ દિવસના અનશન પછી ગંભીર સ્થિતિમાં હોય, દાવો થયા પ્રમાણે ચક્કર આવવાથી એ પડી ગયો હોય, અર્ધબેભાન હાલતમાં હોય અને મુદ્દલ 50 સમર્થકો પણ હાજર ન હોય એ સ્થિતિનું હાર્દિક હવે કદાચ આંકલન કરે તો ય ઘણું મોડું થઈ ચૂક્યું છે.
હજુ ય સૌરાષ્ટ્રના મોરબી, ટંકારા, જામજોધપુર, ધોરાજીના અમુક ગામોમાં હાર્દિકના સમર્થનમાં રામધૂન થાય છે. વરાછાના અમુક રસ્તાઓ પર ટાયરો સળગાવાય છે પણ ધૂનમાં હવે એકરાગ રહ્યો નથી, જે 2015માં હતો. પુનઃ બેઠા થઈને લોકસભાની ચૂંટણી પહેલાં નવું હવામાન જગાવવા માટે અનશન પર ઉતરેલા હાર્દિકે ચૌદ સુધી ખાધું નહિ, પીધું નહિ… અને તોય કંઈ મેળવ્યું સુદ્ધાં નહિ.
તારણઃ હાર્દિકે હવે વિરમગામની એ શાળામાં જઈને જૂના સાથીદારોની બાજુમાં બેસીને નવેસરથી એકડો ઘૂંટવો પડશે