અમદાવાદઃ લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના નેતા શરદ યાદવે આજે એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું હતું. હાર્દિકે બે દિવસથી ઉપવાસ દરમિયાન પાણી પીવાનું પણ છોડી દીધું હતું. હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ શરદ યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પાસ તરફથી મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે ડોક્ટરની સલાહને ધ્યાનમાં રાખીને હાર્દિકે પાણી પીધુ છે, હજુ તેના અનશન ચાલુ જ છે.
શરદ યાદવે જણાવ્યું કે, “માનવીય આધાર પર અમે હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા. હાર્દિક સાથે મુલાકાત દરમિયાન મેં તેને સમજાવ્યું હતું કે લડાઈ લડવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. હાર્દિકને કહ્યું કે ખૂબ ખાઈપીને લડાઈ લડવાની છે. અત્યારે પાણી પીધુ છે બાદમાં તે ડોક્ટરની સલાહ પ્રમાણે ખાવાનું પણ શરૂ કરશે.”
તમામ લોકોની ઈચ્છા પૂરી કરવા હાર્દિકે પાણી પીધું: પાસ
હાર્દિકે પાણી પીવા અંગે પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, “ગાંધીના માર્ગે આંદોલન કરવા છતાં પણ સરકાર વાર્તાલાપ માટે તૈયાર નથી. ગુજરાતની જનતાની ઈચ્છા છે કે હાર્દિક પટેલ જીવતા રહે. હવે અમને લાગી રહ્યું છે કે જીવશું તો લડીશું અને લડીશું તો જીતીશું. તમામ લોકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે હાર્દિકે પાણી પીધું છે. હજી સુધી હાર્દિકે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. હાર્દિકના અનશન હજી ચાલુ જ છે.”
ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે તેવી હાર્દિકની ઈચ્છા
“હાર્દિક પટેલ ઈચ્છે છે કે ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી રહે. માટે તમામ લોકો શાંતિ જાળવી રાખે. શરદ યાદવ હાર્દિક પટેલને મળીને ગયા છે, તેમને હાર્દિકને પાણી પીવડાવ્યું છે. 11:30 વાગ્યા સુધી હાર્દિક પટેલ આઇસીયુમાં હતા. ડોક્ટરની સ્પષ્ટ સૂચના હતી કે પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઇ શકે છે. ડોક્ટરની સલાહ અને શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું છે. સૌરભ પટેલે ગોળ ગોળ વાત કરીને અમને મળવાની વાત કરી હતી પરંતુ વિધિવત રીતે અમારી ટીમને કોઈ આમંત્રણ આપ્યું નથી. અમે સરકારને 11 વાગ્યા સુધી મળવા બોલાવવા કહ્યું હતું. સરકારે અમને બોલાવ્યા નથી.
શરદ યાદવે હાર્દિકને સમર્થન આપ્યું
આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું. અશક્ત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછશે.
નરેશ પટેલ હાલ સરકાર સાથે કોઈ બેઠક નહીં કરે
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે, એવી માહિતી મળી છે કે નરેશ પટેલ આજે રાજકોટમાં જ રહેશે. તેઓ સરકાર સાથે કોઈ જ બેઠકમાં ભાગ નહીં લે. એવી માહિતી મળી છે કે હાર્દિક પટેલ સ્વસ્થ થયા બાદ જ સરકાર સાથે કોઈ ચર્ચા થશે. આ દરમિયાન પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો વચ્ચે બેઠકનો દોર ચાલુ રહેશે.
શુક્રવારે નરેશ પટેલે શું કહ્યું હતુ?
શુક્રવારે નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે હાર્દિક પટેલને ઉપવાસ તોડી નાખવા માટે સમજાવ્યો હતો. તેમજ ત્રણ માગણીને લઈને હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જે બાદમાં પત્રકાર પરિષદ કરીને નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો સાથે મળીને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવાની વિનંતી કરી છે. નરેશ પટેલે કહ્યું હતું કે તેઓ આગામી એક બે દિવસમાં ખોડલધામ અને ઉમાધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરશે અને બાદમાં આ સંયુક્ત રીતે સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે.
શુક્રવારે નરેશ પટેલે કરી હતી હાર્દિક પટેલ સાથે મુલાકાત
શુક્રવારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. મુલાકાત દરમિયાન પાસના મનોજ પનારા પણ હાજર રહ્યા હતા. મુલાકાત અંગે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું કે, “તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે.
હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે.”
‘હાર્દિકે પારણા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી’
“હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો.