GujaratNews

સરકાર અલ્પેશ કથિરિયાને છોડી દે તો ઉપવાસ પૂર્ણ : હાર્દિક પટેલ

અમદાવાદ: શનિવારથી પાટીદાર નેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. હાર્દિકનો આરોપ છે કે તેના હજારો સમર્થકોને ઉપવાસ સ્થળ સુધી પહોંચતા રોકવા માટે ગુજરાત સરકારે તમામ પ્રયાસ કર્યા છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં હાર્દિકે લખ્યું કે, “ગુજરાતમાં બ્રિટિશ સરકાર જેવું શાસન છે. હજારો પોલીસકર્મીઓ મારા ઘરની બહાર ખડકી દેવાયા છે, મારા ઘરે આવતા દરેક વ્યક્તિની તપાસ થઈ રહી છે. દૂધ સપ્લાય પણ અટકાવી દેવાયું છે. બંધારણની મજાક ઉડાવાઈ છે અને બંધારણીય હકોનું હનન થયું છે.”

પાટીદાર અનામત આંદોલનના સમિતિ (PAAS)ના સંયોજક હાર્દિકે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે  ઉપવાસના પ્રથમ દિવસે ખૂબ ઓછા સમર્થકો ઉપવાસના સ્થળે પહોંચ્યા છે તેનું કારણ સરકાર અને પોલીસ છે.

 હાર્દિકે જણાવ્યું કે, “જો સરકાર ત્રણમાંથી એક પણ માંગણી સ્વીકારી લેશે તો ઉપવાસ પૂરા કરીશ.” હાર્દિકની મુખ્ય ત્રણ માંગણીઓ છે, પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને સાથીદાર અલ્પેશ કથિરિયાને છોડી મૂકવા. હાલમાં જ અલ્પેશ કથિરિયાની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાઈ છે.

હાર્દિકના સમર્થનમાં દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા. હાર્દિક અને જિજ્ઞેશે સંયુક્ત નિવેદન આપ્યું કે, “સ્ટેચ્યૂ બનાવવાના બદલે સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરના નામે હોસ્પિટલનું નિર્માણ કરવું જોઈએ.” હાર્દિકે કહ્યું કે, “નરેંદ્રભાઈ માટે બસ ભરીને સમર્થકો લાવવામાં આવે છે જ્યારે મારા સમર્થકોને આવતાં અટકાવી દેવાયા છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker