મહેબૂબનગરઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એપલના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીની હત્યાથી લોકો ગુસ્સામાં છે. સોશિયલ મીડિયા પર પોલીસને લોકો નિશાને લઈ રહ્યાં છે. આ દરમિયાન પોલીસની એક એવી તસવીર પણ વાઈરલ થઈ રહી છે. જે પાછળની સચ્ચાઈ જાણ્યાં પછી કોઈપણના ચહેરા પર સ્માઈલ આવી જશે.
આ તસવીર તેલંગાણા રાજ્ય પોલીસમાં કામ કરનાર હેડ કોન્સ્ટેબલ મુજીબ-ઉર-રહેમાનની છે. તેણે એક્ઝામ સેન્ટરની અંદર પરીક્ષા આપી રહેલી એક મહિલાના બાળકને પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધી સંભાળ્યો હતો. રહેમાનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર કરવામાં આવી રહી છે.
મહેબૂબનગરના એસપી રમા રાજેશ્વરીએ આ તસવીર શૅર કરતાં લખ્યું કે,’મુસાપેટ વિસ્તારમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ મુજીબ-ઉર-રહેમાન બોય્ઝ જુનિયર હાઈસ્કૂલમાં એસપીટીપીસી પરીક્ષા દરમિયાન ડ્યૂટી પર હતો. આ દરમિયાન એક બાળકને સાચવ્યો હતો. જેની મા અંદર પરીક્ષા આપતી હતી.’ આ તસવીરના લોકો ખૂબ વખાણ કરી રહ્યાં છે.