લખનઉ: રાજધાની લખનઉમાં વિવેક તિવારી હત્યાકાંડ બાદ સોશિયલ મીડિયા પર યુપી પોલીસ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો ઉત્તર પ્રદેશ પોલીસના આરોપી કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી દ્વારા સ્થાનિક મીડિયાને આપી રહેલા ખુલાસા સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. જેના વિરોધમાં લખનઉમાં ઘણી કાર પર સ્ટીકર્સ લાગેલા જોવા મળ્યાં જેમાં લખ્યું છે કે- ‘પોલીસ અંકલ…તમે રોકશો તો પપ્પા રોકાઈ જશે. પ્લીઝ, ગોળી ન ચલાવતા.’
આ ઘટનામાં હરદોઈની શાહાબાદ વિધાનસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રજની તિવારએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી લખનઉ ડીએમ અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
યુપી પોલીસની ગોળીનો શિકાર બનેલા યુવકનું નામ છે વિવેક તિવારી. વિવેકને સંતાનમાં બે દીકરી છે. અત્યાર સુધીની મળેલી માહિતી મુજબ એપલના એરિયા મેનેજર વિવેક આઈફોનના લોન્ચિંગ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં યુપી પોલીસના કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ તેના પર ગોળી ચલાવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિવેકનું સારવાર દરમિયાન મોત થયું. સમગ્ર ઘટના સામે આવતા લોકોમાં પોલીસ સામે વિરોધ ફાટી નીકળ્યો છે.