વડોદરા: પીએસઆઇ સંજયસિંહ જાડેજાના સ્યૂસાઇડ કેસની 7 દિવસમાં ન્યાયિક તપાસ નહીં થાય તો 5 હજાર લોકો રસ્તા પર આવશે અને સરકાર સામે મોરચો માંડશે તેવી ચીમકી સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ જે.પી. જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉચ્ચારી છે. અા સંદર્ભે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત હોઈ મંતવ્ય જાણી શકાયું નથી.
PSI જાડેજાના સ્યૂસાઇડના પગલે રવિવારે તેના મિત્રનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો. મિત્રે આપઘાત પાછળ ઉપરી અધિકારી વોરાના માનસિક ટોર્ચરને જવાબદાર ઠેરવ્યું હતું. ત્યાર બાદ સોમવારે વધુ એક 46 સેકન્ડનો વીડિયો સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ જે.પી.જાડેજાનો વાયરલ થયો છે.
પ્રમુખ જાડેજાએ વીડીયોમાં કહ્યું છે કે, અમારા સમાજના સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વડોદરાએ આપઘાત કર્યો છે. એ બાબતે મારે સરકારને, ગૃહખાતાને તથા વડોદરા પોલીસ કમિશ્નરને પૂછવાનું થાય છે કે આવા સક્ષમ અધિકારીને આપઘાત કરવાની જરૂર ક્યારે પડી, મને 7 દિવસની અંદર આનો જવાબ મળવો જોઇએ.આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કરણી સેના આપ સર્વેને ચીમકી આપીએ છીએ કે 7 દિવસમાં તટસ્થ તપાસ નહિ થાય તો અમે ભલે આટલા હાજર રહ્યા પણ 5 હજારથી વધુ લોકો રસ્તા પર આવશે અને સરકાર સામે મોરચો માંડશે.
PSI જાડેજાને સવા ચાર મહિનામાં 9 તપાસ સોંપાઇ હતી
ડીસીપી ક્રાઇમ જપદીપસિંહ જાડેજાએ કહ્યું કે, પીએસઆઇ જાડેજાની પીએસઆઇ બન્યા પછી વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની અલકાપુરી ચોકી પર પોસ્ટીંગ અપાયું હતું. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં તેમણે 4 મહિના અને 10 દિવસ અહિ કામગીરી કરી છે. જેમાં 9 કેસની તપાસ સોંપાઇ હતી. જે પૈકી 2 પેન્ડીંગ રહેતા પરત કરી છે. ગત 8 સપ્ટેમ્બરે તેમને એન્ટી ચેઇન સ્નેચિંગ સ્કવોર્ડના લીડરની કામગીરી આપી હતી. ગૃહવિભાગના બનાવટી અધિકારીની તપાસ તેમને સોંપવાની હતી પણ તે અપાઇ ન હતી તેમ પણ ડીસીપીએ કહ્યું હતું.
સંજય આવું ના કરે, અમને શંકા છે
પીએસઆઇ જાડેજાના ભાઇ ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું કે અમે કોઇ હાજર ન હતા એટલે અમને કોઇ જાણકારી નથી. અમને પાકો વિશ્વાસ છે કે, તે આવું કશું કરી શકે નહિ, કોઇ તો કારણ હોય. તેના વગર આ વસ્તુ ના બને. તે તકલીફમાં હોય તો અમને વાત ન કરે. મિત્રોને કોઇ વાતચીત કરી હશે. ઓમદેવસિંહે વીડિયો મૂક્યો હતો પણ તેની સાથે અમારી વાતચીત થઇ નથી.
સહ કર્મચારીઓએ કહ્યું, રાત્રે 10:30 સુધી ખુશમિજાજમાં હતા
પીએસઆઇ જાડેજા સાથે સ્કવોર્ડના 4 સભ્યો સંજય સાહેબરાવ, હરિદત્તસિંહ, મહિલા કોન્સ્ટેબલ પૂજાબા અને પ્રીતીબહેનને પૂછતા તેમણે કહ્યું કે શનિવારે અમે સાથે ચેઇન સ્નેચિંગને લગતી કામગીરી કરી હતી. કોન્સ્ટેબલ સંજયે કહ્યું કે તે તો રાત્રે 10:30 વાગ્યા સુધી તેમની સાથે હતો. તેઓ ખુશમિજાજ લાગતા હતાં.
PSIનાં કપડાં, સર્વિસ રિવોલ્વર, કારતૂસ કબજે
જયેશ પટેલને જેલમાં મળવા ગયેલા ગૃહવિભાગના બનાવટી અધિકારીની તપાસ, એન્ટી ચેઇન સ્નેચિંગ સ્કવોર્ડની કામગીરી કે વાયરલ થયેલા વીડિયો મુજબ અગાઉના પીઆઇ વોરાના ટોર્ચર સહિતના કયા કારણો છે તે અંગે તપાસ ચાલી રહી છે .
બીજી તરફ પીએસઆઇના દેહને વતન રાજકોટના સાતુદળમાં સોમવારે અંતિમ સંસ્કાર અપાયા હતાં. એસીપી જે.એન. દેસાઇએ જણાવ્યું કે, સર્વિસ રિવોલ્વર, કારતૂસ, કપડાં અને મોબાઇલ કબજે કર્યા છે.આ ઉપરાંત સ્યૂસાઇડ નોટને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે મોકલાશે. આપઘાત પાછળનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યું નથી.
સુસાઈડ પહેલા પીએસઆઈએ ડાયરીમાં સુસાઈડ નોટી લખી હતી. પીએસઆઈએ ડાયરીમાં નોંધ્યું છે કે, “મારાથી પીએસઆઈની નોકરી થાય તેમ નથી, મને માફ કરજો.”
આપઘાત કરી લેનાર પીએસઆઈનીચાર દિવસ પહેલા જ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. આ અંગેનો આદેશ વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે કર્યો હતો. પીએસઆઈને તાત્કાલિક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.