અમદાવાદમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ મામલે હવે ત્રણેય યુવાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય નેતાઓ સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તને કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્રણેય નેતાઓએ કરી હતી નજતા રેડ
અમદાવાદ ખાતે ચાર યુવકોને લઠ્ઠાની અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદમાં ત્રણેય યુવા નેતાઓએ પીડિત યુવકોની હોસ્પિટલ ખાતે મુલાકાત કરીને તેમને ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં તેમણે પત્રકાર પરિષદ કરીને ગૃહમંત્રી પ્રદીપસિંહને અમદાવાદ અને ગુજરાતને દારૂમુક્ત કરવાનો પડકાર ફેંક્યો હતો. ત્રણેય નેતાઓએ એવું પણ કહ્યું હતું કે બે દિવસ પછી તેઓ દારૂના અડ્ડાઓ અને દારૂ વેચતા લોકોને ત્યાં જનતા રેડ કરશે. બાદમાં સાંજે તેમણે ગાંધીનગર ખાતે સેક્ટર-21માં એક મહિલાના ઘરે જનતા રેડ કરીને દેશી દારૂ પકડી પાડ્યો હતો.
પ્રસિદ્ધ માટેનું નાટકઃ ગાંધીનગર એસપી
અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશ મેવાણીની રેડ બાદ ગાંધીનગરના એસ.પી. વિરેન્દ્ર સિંઘે મીડિયા સાથે વાતચીત કરતા આ ત્રિપુટીની જનતા રેડને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું નાટક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાના ઘરમાંથી જે દારૂ મળ્યો હતો તે બહારથી લાવીને તેના ઘરમાં મૂકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પોલીસના દરોડા
બીજી તરફ લઠ્ઠાકાંડનો કેસ સામે આવ્યા બાદ રાજ્યભરની પોલીસ અને ખાસ કરીને અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસથી દારૂના અડ્ડાઓ પર પોલીસ દરોડા પાડી રહી છે.
શનિવારે પોલીસે પૂર્વ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવીને દરોડા કર્યા હતા. જે અંતર્ગત સેક્ટર-1 એમાં 38, સેક્ટર-2 એમાં 86 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે રૂ. 6.40 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.