દેશમાં વેચાતા પેટ્રોલ-ડીઝલનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ નક્કી કરે છે. ક્રૂડ ઓઇલનો જે ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં હોય છે, તેના આધારે પેટ્રોલનો પણ ભાવ નક્કી થાય છે. પરંતુ હવે ભારતમાં ખાદ્ય તેલોના ભાવ પણ વિદેશી બજાર દ્વારા નક્કી કરાઇ રહ્યા છે. ભારતમાં વધી રહેલ ખાદ્ય તેલની માંગનો લાભ પણ વિદેશી બજારો ઉઠાવી રહ્યા છે. ખાદ્ય તેલ મોંઘુ થવાના આવા અનેક કારણો અંગેની વાત અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહી છે. સાથે જ સલાહ આપતા કહ્યું કે જો આમ થાય તો ખાદ્યતેલ સસ્તું થતા એક દિવસ પણ નહીં લાગે.
રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરનું કહેવું છે કે, એક સૌથી મોટું કામ જે આપણે અત્યાર સુધી નથી કરી શક્યા તે એ છે કે 50 વર્ષથી આપણે પામોલિનની આયાત કરી રહ્યા છીએ. લગભગ 70 ટકા આયાત તો આપણે એકલા મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી કરી રહ્યા છીએ. પરંતુ આ આયાતને ઘટાડવાનો કોઇ ઉપાય શોધવામાં આવ્યો નથી. વધુમાં 7 વર્ષથી આપણી માંગ વધી ગઇ છે. જેમ કે 7 વર્ષ પહેલા આપણે પ્રતિ વ્યક્તિ 600 ગ્રામ તેલ દર મહિને વાપરતા હતા, જે આજે આપણે 900 ગ્રામ પ્રતિ વ્યક્તિ વાપરીએ છીએ.
માત્ર 30 ટકા તેલનું ઉત્પાદન આપણે આપણા દેશમાં કરીએ છીએ. તેવામાં 900 પ્રતિ વ્યક્તિ દર મહિને તમે અંદાજ લગાવી શકો છો કે આપણે કેટલું તેલ આયાત કરવું પડે છે. આ જ એક સૌથી મોટું કારણ છે કે તેલનું ઇન્ટરનેશનલ માર્કેટ આપણા બજારમાં ખાદ્ય તેલોના ભાવ શું હશે તેમાં દખલ કરી રહ્યા છે.
રાષ્ટ્રિય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે, ભારતીય ખાદ્ય તેલોના બજારને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સરકારે કોઇ કારણોસર મલેશિયાથી તેલની આયાત બંધ કરી દીધી. આ એક સીધો અને મોટો ઝટકો ખાદ્ય તેલોના બજારને લાગ્યો હતો. હાલના બજારને જોતા તેનો ઉપાય શોધવો ખૂબ જરૂરી થઇ ગયો છે. આ સાથે જ જો સરકાર ખાદ્ય તેલો પર લાગેલા કૃષિ સેસ અને 35 ટકા ભારે આયાત કરને હટાવી લે, સાથે જ બજારમાં ખાદ્ય તેલોના ભાવ માત્ર સામાન્ય થવા પર જીએસટી ખતમ કરી દે, તો પછી તેલના ભાવ ઘટવામાં એક દિવસની પણ વાર નહીં લાગે અને સામાન્ય જનતાને પણ રાહત મળશે.