જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર 5 મીનીટમાં 2 બ્લાસ્ટઃ હુમલામાં ડ્રોનનો ઉપયોગ થયો હોવાની શંકા

જમ્મુ એરપોર્ટ પરિસરમાં રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બે બ્લાસ્ટ થયા. ત્યારબાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. શંકાસ્પદ રીતે થયેલા આ બ્લાસ્ટ બાદ એન્ટી બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તથા ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. આ બ્લાસ્ટ ટેક્નિકલ એરિયાની પાસે થયા છે. એવી આશંકા છે કે,આ બ્લાસ્ટને અંજામ આપવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અહીં 5 મિનિટની અંદર 2 બ્લાસ્ટ થયા. પહેલો બ્લાસ્ટ પરિસરની બિલ્ડિંગના ટેરેસ પર અને બીજો નીચે થયો. ઘટનામાં એરફોર્સના 2 જવાનો ઘાયલ થયા છે. વિસ્ફોટ માટે 2 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. હુમલાખોરો વિશે જાણકારી મળી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ધમાકાવાળા વિસ્તારમાં ઉભેલા એરક્રાફ્ટ તેમના નિશાના પર હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેના સ્ટેશન પર થયેલી ઘટનાના સંબંધમાં વાઇસ એર ચીફ એર માર્શલ એચ.એસ. અરોરા સાથે વાત કરી. સંરક્ષણ મંત્રી કાર્યાલય પ્રમાણે એર માર્શલ વિક્રમ સિંહ સ્થિતિ વિશે જાણકારી માટે જમ્મુ પહોંચ્યા છે.

બ્લાસ્ટમાં હવે આતંકી હુમલાનો એંગલ પણ સામે આવી રહ્યો છે. તપાસ માટે NIA અને NSG ની ટીમ એરફોર્સ સ્ટેશન પહોંચી ચૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારસુધી થયેલી તપાસમાં ડ્રોનથી IED ફેંકવાનો શક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે, પાડોશી મુલ્ક પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા IED ફેંકવામાં આવ્યા કારણ કે એરફોર્સ સ્ટેશન અને બોર્ડર વચ્ચે માત્ર 14 કિલોમીટરનું જ અંતર છે અને ડ્રોન દ્વારા 12 કિલોમીટર સુધી હથિયારો ફેંકી શકાય છે. ડ્રોન હુમલાની શંકાને લઈને અમ્બાલા, પઠાણકોટ અને અવંતિપુરા એરબેઝને પણ હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે.

જો કે, અત્યારે હુમલામાં ડ્રોનનો ઉપયોગ થયો છે કે નહી તેને લઈને હજીસુધી કોઈ અધિકારીક પુષ્ટી થઈ શકી નથી અને અત્યારે અધિકારીક રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, કારણ કે હજી તપાસ ચાલી રહી છે. એપણ તપાસ કરવામાં આવી રહી છે કે, એરફોર્સ સસ્ટેશન પર જ કંઈક એવું તો નથી થયું ને કે બ્લાસ્ટ થયો હોય. આ તમામ મામલે અત્યારે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે.

Scroll to Top