વાવાઝોડામાં બેઘર બની ગયેલા લોકોની વ્હારે આવ્યા “ખજૂરભાઈ”: કરી રહ્યા છે માનવતાનું અદભૂત કાર્ય

ગુજરાતમાં થોડા સમય પહેલા આવેલા તાઉકતે વાવાઝોડાએ અનેક લોકોની જિંદગી વેરવિખેર કરી નાંખી છે. સૌરાષ્ટ્રના અનેક એવા અંતરિયાળ ગામડાઓ છે કે, જ્યાં હજી સુધી લોકોને ખાવાના પણ ફાંફા છે, ઘર તૂટી ગયા છે, વિજળી છે નહી, કોઈપણ પ્રકારની સહાય મળતી નથી. આ તમામ કપરી પરિસ્થિતિઓ સામે હજી અનેક લોકો ઝઝુમી રહ્યા છે. આ લોકોને કોઈના તરફથી મદદ પણ મળતી નથી.

પરંતુ ગુજરાતના એવા બે વિરલા છે કે, જે ગામડે-ગામડે જઈને લોકોની મદદ કરે છે. આ બંન્ને વિરલાઓ એટલે યુ-ટ્યુબ પર જે જીગલી અને ખજૂરના વિડીયો આવે છે એ પૈકીના ખજુર ભાઈ અને લાલા ભાઈ. હકીકતમાં આ બંન્ને સગા ભાઈઓ છે. ખજૂરભાઈનું સાચુ નામ નીતિનભાઈ જાની છે.

આ બંન્ને ભાઈઓ પોતાના ખર્ચે લોકોને મકાન બનાવી આપે છે, અનાજ આપે છે, વાવાઝોડામાં જે લોકોના ઘરના નળીયા તૂટી ગયા છે તેમને નળીયા આપે છે અને લોકોના જીવનમાં એક ખુશી ઉમેરવાનો પ્રયત્ન કરે છે.

નીતિન જાનીએ જણાવ્યું કે, તેમના કોન્ટેકમાં 15 થી 17 બિલ્ડર હતા તેમણે દરેકને ફોન કરીને ગાઇડન્સ માંગ્યુ હતુ પરંતુ કોઇએ કહ્યું કે, હું આવા નાના કામ નથી કરતો તો બીજા લોકોએ પણ મદદ કરવાની આડકતરી રીતે ના પાડી દીધી. ત્યારે નીતિને તે દરેક વ્યક્તિને જવાબ આપ્યો કે તમે બધા મારો નંબર ડિલીટ કરી દેજો અને મને ક્યારેય મોઢુ ન બતાવતા.

નીતિનભાઈ જાની કહે છે કે, સૌરાષ્ટ્રના એવા અનેક અંતરીયાળ ગામડાઓ છે કે જ્યાં લોકોને ખરેખર મદદની જરૂર છે. અને અમે આ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે લોકો અત્યારસુધીમાં 26 ગામડા ફર્યા અને ત્યાં જોયું તો, લોકોના ઘર તૂટી ગયા છે, કોઈના ઘરના નળીયા ઉડી ગયા છે અને લોકો કપરી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.

ત્યારે આ બંન્ને ભાઈઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયેલા લોકોની અત્યારે મદદ કરી રહ્યા છે. આ બંન્ને લોકો ગામડે ગામડે ફરે છે અને જે લોકોને જે જરૂરીયાત હોય તે પૂરી પાડે છે. ખરેખર આ પ્રકારે માનવ સેવા કરતા લોકોને બીરદાવવા જ જોઈએ. અને સરકારે પણ આમની પાસેથી કંઈક શીખવું જોઈએ.

Scroll to Top