આગ્રાઃ આગ્રાના સ્થાનિક પત્રકારોનો ફોન વહેલી સવારે રણક્યો અને સામેથી ઉત્તર પ્રદેશ પોલીસે ફોન પર કહ્યું કે, ફિલ્મી નહીં પણ વાસ્તવિક એન્કાઉન્ટર જોવું હોય તો હરદુઆ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મચુઆ ગામે પહોંચી જાવ. આ વાત સાંભળની મીડિયાકર્મીને વહેલી સવારે ધ્રાસકો પડ્યો હતો. ગણતરીની મિનિટમાં આ વાત વાયુવેગે ફેલાઇ જતા તમામ મીડિયાકર્મીઓએ ભેગા થઇને ઘટના સ્થળે જવાનું નક્કી કર્યું હતું. જે હેડક્વાર્ટરથી 25 કિમી દૂર હતુ. ઘટનાસ્થળે પણ મીડિયાકર્મીઓને કોઇ પ્રકારના બુલેટપ્રુફ જેકેટ કે હેલમેટ આપવામાં આવ્યા ન હતી.
પોલીસે જણાવ્યું હતું કે, મીડિયા સુધી ફસ્ટ રીપોર્ટ ઝડપથી અને સચોટ પહોંચે તે હેતુથી બોલાવવામાં આવ્યા હતા. મીડિયા સામે આ દેશનું પ્રથમ એન્કાઉન્ટર ઓપરેશન હતું. હકીકતે 6 હત્યાના આરોપીઓ મુસ્તકિમ અને નૌશાદનું એન્કાઉન્ટર કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારથી યોગી આદિત્યનાથની સરકાર સત્તામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં 66 લોકોને એન્કાઉન્ટરથી ઉડાવી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ પી સિંઘે કહ્યું હતું કે, એન્કાઉન્ટર એ પોલીસની એક વ્યૂહરચનાનો એક ભાગ છે.
નૌશાદ અને મુસ્તકિમ જ્યાં છુપાયા હતા તે સરકારી ઈમારત પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે બંનેને ઠાર કરતા પહેલા 34 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસને એન્કાઉન્ટર સાઇટ પરથી ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. હરદુઆગંજ પોલીસની ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસના સહારે સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સફળ થયું હતું. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિનોદકુમારની ટીમે તે ઇમારતને કોર્ડન કરીને સૌ પ્રથમ સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો
અલીગઢ એસએસપી અજયકુમાર સહાનીએ જણાવ્યું હતું કે, અમને પણ ઉપરથી આદેશ હતા કે મીડિયાકર્મીને બોલાવવામાં આવે. એમાં કંઇ ખોટું નથી. આ ઉપરાંત પ્રત્યેક માહિતી મીડિયા સાથે શેર કરવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ દરેક કામમાં પારદર્શિતતા રાખે તે હેતુથી મીડિયાકર્મીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અમે કંઇ છુપાવવા માગતા નથી. જે લોકો ફોટા પાડવા કે વિડીયો રેકોર્ડ કરવા માગતા હોય તો તેઓ પોતાનું કામ કરી શકે છે.
આ બંને આરોપીઓએ કુલ છ લોકોના ઢીમ ઢાળી દીધા હતા. જોકે, તેમાંથી બે વ્યક્તિની હત્યા ઇતાહના ભૂતપૂર્વ કાઉન્સિલર સબીર અલીના કહેવાથી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો. સબીરઅલીની ગત ગુરુવારના રોજ ઘરપકડ કરવામાં આવી હતી. જોકે, બંને આરોપીઓએ અગાઉ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, આ એન્કાઉન્ટર નકલી છે, ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગત રવિવારે પણ પોલીસ બંનેને તેમના ઘરેથી ઉઠાવી ગઇ હતી.