IndiaNewsPolitics

…તો 2019ની લોકસભા ચૂંટણી આઝાદ ભારતની અંતિમ ચૂંટણી હશે: પરેશ ધાનાણી

ખેતી બચાવો અભિયાન અંતર્ગત દરેક ગામડાની ખેતીની વાચા આપવા માટે ખેડૂતોના દેવા માફ કરો નહિતો ભાજપને સાફ કરોના નારા સાથે 18 તારીખે સવારે 9 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાના ઘેરાવની શરુઆત કરાશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. જે સંદર્ભે આજે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં ધારાસભ્યોની બેઠક મળી. બેઠક બાદ માધ્યમોને સંબોધતા વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાતમાં લોકોની સમસ્યા વધી રહી છે. અને વિધાનસભામાં ચર્ચા કરવાનો સમય ઘટતો જાય છે. ત્યારે બે દિવસના ટુંકા સત્રમાં નિષ્ફળ રહેલી સરકારને કેવી રીતે ઘેરવી તેની રણનીતી નક્કી કરવામાં આવી. ખેતી બચાવો અભિયાન અંતર્ગત દરેક ગામડાની ખેતીની વાચા આપવા માટે ખેડૂતોના દેવા માફ કરો નહિતો ભાજપને સાફ કરોના નારા સાથે 18 તારીખે સવારે 9 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાના ઘેરાવની શરુઆત કરાશે. આજે ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદા પ્રમાણે ભાવ મળતા નથી. ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાઈ જમીન વિહોણો થઈ ગયો છે. આજે ખેડૂતોને સત્ય સમજાયું છે. અને દેવા માફીની માંગ સાથે સરકાર સુધી ખેડૂતની વાત પહોંચાડવામાં આવશે. રાજ્યની 182 વિધાનસભામાંથી ખેડૂત સંગઠનો અને સામાન્ય નાગરીકો આ કાર્યક્રમમાં જોડાશે. પરેશ ધાનાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો આ કાર્યક્રમ સફળ નિવડશે.

રેલીને નથી મળી હજુ મંજુરી

રેલીની મંજૂરી ના મળી હોવા અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે અહીંસાના આંદોલન થકી દેશે અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ મેળવી હતી. આઝાદ દેશમાં લોકોને પોતાની સમસ્યા પ્રશ્નો અને વેદના રજૂ કરવા તેને વાચા આપવા માટેનો અધિકાર છે. કોંગ્રેસે કાયદાની મર્યાદામાં રહીને મંજૂરી માંગી છે. જો મંજૂરી મળશે તો કાયદાના દાયરામાં રહી ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવામા આવશે. અને જો તેમાં અવરોધ ઉભો કરવામાં આવશે તો સવિનય કાનુન ભંગની લડાઈથી સરકાર સામે સમસ્યાઓ આગળ ધરવામાં આવશે.

ખેડૂતોને મનાવવા કરાયો પાણી છોડવાનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવાની કરાયેલી જાહેરાત અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે રિમોટ કંટ્રોલથી ચાલતી પાણી વિનાની રુપાણી સરકાર ખેડૂતોને જ્યારે પાણી જોઈતુ હતું ત્યારે આપવામાં નિષ્ફળ ગઈ છે. લોકોને પીવાના પાણીની તકલીફ હતી ત્યારે તેને ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. આજે ખેડૂતોનો પાક નિષ્ફળતાના આરે છે પાક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યોં છે. અને ખેડૂતો પોષણક્ષમ ભાવ દેવું જેવા પ્રશ્નોથી સરકારથી નારાજ છે ત્યારે તેમને મનાવવા માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. મોડા મોડા પણ ખેતરમાં પાણી પહોંચશે તો આનંદ થશે.

ભાજપાની સરકારે કર્યુ રાજકીય રોટલા શેકવાનું કામ

આજે પણ લોકો ગરીબ અભણ હોવાના વિજય રુપાણીના નિવેદનની પ્રતિક્રિયા આપતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ 22 વર્ષની સરકારમાં માત્ર રાજકીય રોટલા શેકવાનું કામ કર્યું છે. આ સરકાર લોકોને પાયાની સુવિધા પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. સરકારમાં કાયદોની સુવિધા નિષ્ફળ ગઈ છે. ગુમ થયેલા બાળકો પોતાના ઘર સુધી પહોંચી શક્યા નથી. ત્યારે ભાજપ સરકારને રાજ કરવાનો કોઈ અધિકાર નથી. અને ભાજપ ગાદી છોડે એ સંકલ્પ સાથે ગુજરાત પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે.

પેટ્રોલ ડિઝલના વધતા ભાવ માટે સરકાર જવાબદાર

પેટ્રોલ ડિઝલના વધતા ભાવ અંગે સરકારને જવાબદાર ઠેરવી પરેશધાનાણીએ કહ્યું કે યુપીએ શાસનના છેલ્લા તબક્કામાં ડોલર અને ક્રુડનો ભાવ આસમાને હોવા છતાં દેશના વિકાસની ગતિ મનમોહન સરકારે ધીમી પડવા દીધી ન હતી. આજે યુપીએ સરકારની સરખામણીએ અડધાથી પણ ઓછો ક્રુડનો ભાવ હોવા છતાં પેટ્રોલ અને ડિઝલનો સૌથી ઉંચો ભાવ દેશના લોકો ભોગવી રહ્યાં છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકારના નારા સાથે નીકળેલી ભાજપ સરકાર વિદેશ નીતીમાં નિષ્ફળ રહી છે. આજે લોકો સવાલ કરી રહ્યાં છે કે ક્રુડ ઓઈલ સસ્તુ હોવા છતાં પેટ્રોલ ડિઝલ કેમ મોંઘા મળી રહ્યાં છે. પરેશ ધાનાણીએ કહ્યું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ હટાવો મોદી સરકારના સંકલ્પ સાથે સામાન્ય માણસ આવતી ચુંટણીમાં ભાજપને જડ મૂળથઈ ઉખેડી નાંખશે.

ખેડૂતોના દેવા માફ કરો નહીં તો, સરકારને સાફ કરો: પરેશ ધાનાણી

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્રમાં સત્તાધિશ પાર્ટી ભાજપને કેવી રીતે ઘેરવી તે મુદ્દે રણનીતિ બનાવવા માટે ધારાસભ્યોની બેઠક યોજી હતી.

આ બેઠકમાં વિધાનસભા સત્રમાં ખેડૂતોના દેવા માફી મુદ્દે વિધાનસભામાં ભાજપનો ઘેરાવ કરવાનું નક્કી થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ઘોરાવને પગલે અલગ-અલગ ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્રમાં મગફળી કાંડ મુદ્દે પણ હંગામો કરવામાં આવે તેવા અણસાર દેખાઈ રહ્યા છે.

આ બેઠક બાદ વિપક્ષ નેતા પરેશ ધનાણી નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોના હકની લડાઈ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા તેમની પડખે ઉભો છે, અમે ખેડૂતોના દેવા માફી મુદ્દે દેખાવો કરીશું. 18 સપ્ટેમ્બરે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

પરેશ ધાનાણીએ આ મુદ્દે સત્તાપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, ખેડૂતોના દેવા માફ કરો નહી તો, સરકારને સાફ કરો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અહિંસાના માર્ગે લોકોની વાચાને સરકાર સુધી પહોંચાડશે. તેમણે સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનોને પણ આગળ આવવા અપીલ કરી છે.

તેમણે સરકાર વિરુદ્ધ પ્રહાર કરતા કહ્યું કે, આ સત્તાપક્ષમાં રહેલી સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવામાં નિશ્ફળ નીવડી છે. ખેડૂતોને ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ નથી મળતા. અમે તમામ પદાધિકારીને અગલ-અલગ જવાબદારી સોંપી છે. સરકારને લોકોની સમસ્યા પગલે જાગૃત કરવા અનેક કાર્યક્રમો કરીશું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી અને વિપક્ષના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker