પાટણ: પાટણમાં ચાણસ્મા હાઇવે વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરે હતી ત્યારે તેમના ડીસા તાલુકાના જેનાલ ગામના વેવાઇ ભાન ભુલીને મહિલા સાથે છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો અને તે પછી એક વખત ફોન પર તેની સાથે શારીરીક સંબંધ નહી રાખે તો આખા પરિવારને બદનામ કરી દિકરીના સાસરીમાં વાત કરી તેનું સગુ તોડાવી દેવાની ધમકી આપતાં આ મામલે પાટણ ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ થતાં કોર્ટે તપાસ કરીને રીપોર્ટ કરવા પોલીસને હુકમ કર્યો છે.
શું છે ઘટના?
આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ ખાતે ચાણસ્મા હાઇવે પર સોસાયટીમાં રહી ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા ઠાકોર યુવકના પત્ની ગત 25 મેના રોજ સવારે દશેક વાગ્યાના સુમારે એકલી હતી અને તેના પતિ કામે ગયેલ હતા ત્યારે સાંપ્રા ગામે વેવાઇ વરોટ ધરાવતા જેનાલ ગામનો શખ્સ પરિચયના લીધે આવેલ હતા.
આ વખતે તેણે મહિલાને કહ્યું કે ‘તમે રૂપાળા છો મને ગમો છો તમારા પતિ ઉંમરલાયક છે મારી સાથે પ્રેમ સબંધ રાખો’. આ સાંભળી મહિલાએ તમે વેવાઇ થાવ છો. આવું સારૂ ન લાગે.
તેમ કહેતાં શખ્સે શરીરે અડપલાં કરી આબરૂ લેવાનો પ્રયાસ કરતાં મહિલાએ તેના પતિને ફોન કરી જણાવી દેવાની ધમકી આપતાં જતો રહેલો. તે પછી 29 મેના રોજ મોબાઇલ ફોન પર તું મારી સાથે સબંધ નહી રાખે તો તને તારા પરિવારને બદનામ કરી દઇશ અને તમારી પરિણીત દિકરીના સાસરી પક્ષમાં વાત કરી સગું તોડાવી દેવાની ધમકી આપી હતી.
પાટણ ચીફ કોર્ટે તપાસનો હુકમ આપ્યો
આ ઘટના અંગે જે તે વખતે શહેર બી ડિવીઝન પોલીસ મથકે લેખિત અરજી આપવા છતાં તેમાં કોઇ કાર્યવાહી નહી થતાં છેવટે મહિલાએ તેમના વકીલ અશ્વિનભાઇ દેસાઇ મારફતે પાટણ ચિફ કોર્ટમાં ફરિયાદ રજૂ કરતાં કોર્ટે આ સબંધે પોલીસને તપાસ કરીને તેનો અહેવાલ 17 સપ્ટેમ્બર સુધી રજૂ કરવા હુકમ કર્યો હતો.