મોરબીમાં શનિવારે પાસના કન્વીનર મનોજ પનારાની ભાજપનો ખેસ પહેરેલી તસવીરો વાયરલ થઇ હતી. તેમાં મનોજ પનારાએ મોરબી પીઆઈને એફઆઈઆર માટે અરજી કરી છે.
જે અંગે તેમણે પોતાનું નિવેદન આપતા કહ્યું હતુ કે, ‘મને જબરદસ્તીથી ખેસ પહેરાવ્યો હતો અને પછી તસવીર પાડવામાં આવી હતી. આ તસવીરને વાયરલ પણ કરવામાં આવી હતી. જેનાથી મારી આંદોલનકારી તરીકેની પ્રતિષ્ઠાને ઢેસ પહોંચી છે. મારા વ્યક્તિગત અને સામાજિક જીવનને નુકસાન કરવાનું કાવતરૂં ભાજપના કાર્યકર્તાઓએ કર્યું છે. હું ભાજપમાં જોડાયો નથી. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબી પીઆઈને અરજી આપી છે.’
નોંધનીય છે કે ભાજપના અનેક નેતાઓએ સોશિયલ મીડિયામાં આ તસવીરો પોસ્ટ કરીને મનોજ પનારાને ભાજપમાં જોડાવવા માટે અભિનંદન પાઠવ્યા હતાં. મનોજ પનારાની કેસરિયો ખેસ પહેરેલી તસવીરો પાસ અને ભાજપના વોટ્સએપ ગ્રુપોમાં પણ ફરી રહી હતી.
જાણો આખી ધટના
શનિવારે મોરબીમાં બીજેપી અને બીજા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં મનોજ પનારાની તસવીરો ફરતી થઈ હતી. આ તસવીરોમાં તે બીજેપીના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હોય તેવું બતાવવામાં આવ્યું છે. એક તસવીરમાં મનોજ પનારાએ બીજેપીનો ખેસ પણ પહેરી રાખ્યો છે. આ બનાવ બાદ અનેક બીજેપી કાર્યકરોએ આ પોસ્ટ મૂકીને મનોજ પનારાને બીજેપીમાં આવકાર્યો હતો. હાલ મોરબીમાં પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કહ્યુ કે, અમે પેટા ચૂંટણી માટે પ્રચાર માટે નીકળ્યા હતા તે દરમિયાન મનોજ પનારા પર અમારી સાથે પ્રચારમાં આવ્યા હતા. બીજેપીને સમર્થન કરતી કોઈ પણ વ્યક્તિ અમારી સાથે આવીને પ્રચાર કરી શકે છે.
મહત્વનું છે કે મનોજ પનારા પાસના મુખ્ય કન્વિનરોમાંનો એક છે. હાર્દિક પટેલના ઉપવાસ દરમિયાન મનોજ પનારાએ જ મીડિયાને સંબોધનની તેમજ હાર્દિક અને અન્ય લોકો સાથે વાતચીત દરમિયાન મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન મનોજ પનારાએ બીજેપી સરકાર સામે અનેક પ્રહાર કર્યા હતા. હાર્દિકના ઉપવાસ દરમિયાન તેણે સરકાર સામે આક્ષેપો કરવાનો એક પણ મોકો છોડ્યો ન હતો.
આ અંગે ખુલાસો કરતા મનોજ પનારાએ કહ્યુ છે કે, હું બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને બીજેપીના કાર્યકરો મળી ગયા હતા. આ દરમિયાન એક કાર્યકરે મને ખેસ પહેરાવી દીધો હતો જે મેં તેમને પરત આપી દીધો હતો. હું પાસનો કાર્યકર જ છું અને મારા સમાજ માટે આંદોલન કરતો રહીશ.