અમદાવાદઃ નરોડામાં કોસ્મેટિકના વેપારી કૃણાલ ત્રિવેદીએ પત્ની કવિતા અને દીકરી શ્રીન સાથે આપઘાત કરવાની ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઇ છે. આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી.ગઈકાલે કૃણાલની સુસાઈડ નોટ સામે આવતા કાળી વિદ્યા જવાબદાર હોવાની ચર્ચા ચાલી હતી. પરંતુ પોલીસ તપાસ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કૃણાલની તકલીફો પાછળ તેની પૂર્વ પ્રેમિકાની આત્મા હોવાનું સામે આવ્યું છે. તેમજ આજે સામે આવેલી કૃણાલની પત્ની કવિતાની સુસાઈડ નોટમાં પણ પૂર્વ પ્રેમિકાની આત્મા હેરાન કરતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આમ આ સામૂહિક આત્મહત્યા કેસમાં હજુ પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
કૃણાલ ન કરી શક્યો પ્રેમિકા સાથે લગ્ન
આ મામલે કૃણાલના સંબંધીઓએ પોલીસને જણાવ્યા મુજબ, લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવાની આશંકા હતી.
એક કરોડમાં ઘર વેંચ્યું
કવિતા સુસાઈડ નોટમાં લખે છે કે, મા-બાપુ,પ્રણામ-બાપુ-મા આજ સુધીની તકલીફો માટે મને માફ કરી દેજો. મા અમે એક કરોડમાં મકાન વેચી દીધું, તમામને પૈસા ચૂકવ્યા બાદ જે પૈસા બચ્યા તે મેં અને કૃણાલે વહેંચી લીધા. હું મારા પુરા પૈસા તમને આપીને જઈ રહી છું. આજ સુધી મેં જે કંઈ બચાવ્યું તે મારા અને શ્રીન માટે બચાવ્યું હતું. આજે હું શ્રીનનો હિસ્સો તમને આપવા માગું છું.
ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી
આત્માના હેરાન કરવા અંગે કવિતા આગળ લખે છે કે, ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી. આથી ખૂબ વિચાર્યા બાદ આ પગલું ભરી રહ્યા છીએ. તમે ક્યારેય એવું ના વિચારતા કે શું માણસને આટલી તકલીફ આવી શકે છે, કે દર બે-ચાર દિવસમાં એક નવી વાત સાંભળવા મળે છે અને તે અમને શાંતિથી જીવવા દેવા માગતી નથી. દુનિયા આ વાતને સમજશે નહીં અને ઉલટા પાગલ કહેશે. આથી અમે બધા સાથે જઈ રહ્યા છીએ, કૃણાલ તરથી કોઈ જબરદસ્તી નથી. મેં ખૂબ જ વિચાર્યા બાદ આ નિર્ણય કર્યો છે કે, કારણ કે કૃણાલ વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. આ દુનિયા અમને મા-દીકરીને જીવવા દેશે નહીં. હું જલ્દીમાં છું, ભૂલો માફ કરશો.
મારી સાસુ આ તમામ વાતો જાણે છે
કવિતાએ પોતાની સુસાઈડ નોટમાં આગળ લખે છે કે, શ્રીનને હું સાથે લઈ જઈ રહી છું. આ પૈસાથી આ ઘર સારું બનાવી લેજો, અને જે કંઈ દાન-પૂણ્ય કરવું હોય તે કરી લેજો. તેમાંથી સાત બાળકોને જે કંઈ મારા તરફ લાગે તે તમે આપી દેજો. આ પૈસામાંથી 10,000 સરિતા અને 10,000 નીતુને આપી દેજો, કારણ કે આ પૈસા મને આપ્યા હતા. મા આ પૈસાથી તારું થોડું કામ તો ચાલી જશે, કારણ કે હવે હું ઉપર બાધાઓથી પરેશાન થઈ ગઈ છું.
કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી
કવિતા પોતાની સુસાઈડ નોટના અંતિમ પેજ પર કૃણાલની પ્રેમિકા અંગે લખે છે કે,મારી સાસુ આ તમામ વાતો જાણે છે. કારણ કે તે જીવનની તમામ તકલીફોનું કારણ તે જ રહી, કારણ કે કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી અને તેણે આ લોકોને કહ્યું હતું અને કૃણાલ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતો હતો. પરંતુ તે યુવતીએ બાદમાં આત્મહત્યા કરી લીધી, અને તેના કારણે જ આ તમામ મુશ્કેલીઓ આવી રહી હતી. તે કૃણાલને લઈ જવા માટે વારંવાર પ્રયાસ કરી રહી હતી અને કોઈને કોઈ ખોટું કામ કરાવી રહી હતી. તેના કારણે પરેશાનીઓ વધી રહી હતી. હવે અસહનીય થઈ ગયું હતું કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી
આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી. પરંતુ આજે સુસાઈડ નોટ સામે આવતા એક નવો જ વળાંક આવ્યો છે. આ સુસાઈડ નોટમાં માતાને સંબોધીને મૃતક વેપારીએ લખ્યું છે કે, ‘મમ્મી મેં ઘણીવાર તમને કાળી વિદ્યા અંગે જણાવ્યું પણ તમે માન્યા નહીં’.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કૃણાલભાઇના બેન-બનેવી અને પરિવારના અન્ય સંબંધીઓ પણ રહે છે. તેમજ ઘરમાં તેમના વૃદ્ધ માતા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મમ્મી તમે મને ક્યારેય સમજી જ શક્યા નહીં
કૃણાલ ત્રિવેદીએ ત્રણ પેજની લખેલી સુસાઈડ મુજબ, મમ્મી તમે મને ક્યારેય સમજી જ શક્યા નહીં, આખી દુનિયાએ મને શરાબી કહ્યો પણ હું નશો કેમ કરતો હતો. જો તમે મને પહેલા દિવસે જ સમજી લીધો હોત તો આજે મારી જિંદગી કંઈક બીજી જ હોત. હું જીવનમાં ક્યારેય કોઈ ચીજથી ડર્યો નથી. કૃણાલની ડિક્શનરીમાં ક્યારેય આત્મહત્યા હતી નહીં. મેં ઘણીવાર કાળી શક્તિઓ અંગે જણાવ્યું હતું. પરંતુ તમે ક્યારેય પણ તે માન્યું નહીં, અને તેનું કારણ શરાબને ગણાવી.
મેં ક્યારેય શોખથી દારૂ પીધો નથી, મારી નબળાઈનો કાળી શક્તિએ ભરપૂર ઉપયોગ કર્યો
કૃણાલ આગળ લખે છે, ‘મેં ધંધામાં MP વાળાને રૂપિયા 14,55000 આપ્યા છે. હું કોઈનો કર્ઝદાર નથી. મેં ધંધામાં 6 લાખ રૂપિયા માલ પેટે આપ્યા છે. કોઈપણ તમારી પાસે હજાર રૂપિયા લેવાનું હક્કદાર નથી. જે આજ સુધીનો સંચય છે. મેં ક્યારેય શોખથી દારૂ પીધો નથી.
મારી આ નબળાઈનો કાળી વિદ્યાઓએ ભરપૂર ઉપયોગ કર્યો છે. હું ક્યારેય ઈચ્છતો નહોતો કે મારા સાસુ-સસરા અને તમારા પર કોઈ તકલીફ આવે. પરંતુ પરિસ્થિતિએ મને ક્યારેય ઉપર આવવા જ દીધો નહીં. હું ઘણીવાર પડ્યો અને ઉભો થયો પણ હાર્યો નહીં, પણ હવે આ બધી બાબતો દિવસેને દિવસે વધી રહી છે. મમ્મી તમે તો જાણો જ છો. ‘
કાળી શક્તિઓ સરળતાથી પીછો છોડતી નથી
સુસાઈડ નોટના અંતમાં કૃણાલભાઈએ લખ્યું કે,’ જીજ્ઞેશ ભાઈ આ હવે તમારી જવાબદારી છે. શેર અલવિદા કહી રહ્યો છે. જીજ્ઞેશ કુમાર, તુષાર ભાઈ તમે બધાએ કુણાલની આ સ્થિતિ જોઈ છે. પરંતુ કોઈ કંઈ કરી શકતું નહોતું. પરંતુ મા જેટલી કવિતા કરી શકતી એટલી કરતી હતી, તેને વિશ્વાસ હતો કે કુળદેવી, આઈ તેને બચાવીને બહાર કાઢી લેશે. પરંતુ કાળી શક્તિઓ સરળતાથી પીછો છોડતી નથી
કોઈ ફોન ઉપાડતું ન હોવાથી સંબંધીઓને ગઈ શંકા
આ પહેલા ગઈકાલે રાત્રે નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી, પત્ની કવિતા ત્રિવેદી અને તેમની 16 વર્ષની પુત્રી શ્રીન તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
છેલ્લા 24 કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી.
પત્ની અને દીકરીએ ઝેરી દવા પીધી તો વેપારીએ ખાધો ગળા ફાંસો
ત્યાર બાદ સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરૂમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ ઝેર પીધેલી હાલતમાં નીચે અને કૃણાલભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા