GujaratNewsPoliticsRajkot

જેતપુર મગફળી કૌભાંડ મામલો : પરેશ ધાનાણી ગોડાઉન બહાર ધરણા પાર બેઠા

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અનેક ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં જેતપુરના પેઢલા ગામે જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરીને રાખવામાં આવેલી મગફળીમાં માટી અને પથ્થર હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.

આ મામલે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સરકાર તરફથી એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ મામલે જે પણ લોકો દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું કે પેઢલા ગામ પહોંચીને ધરણા પર બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે મગફળી કૌભાંડનું સત્ય લોકોની સામે આવવું જોઈએ.

ગુજરાતના લોકો માટે ધરણાઃ પરેશ ધાનાણી

પેઢલા ગામ ખાતે મીડિયાને સંબોધતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના લોકો માટે હું ધરણા કરી રહ્યો છું. 2002થી ક્રમશઃ ગુજરાતમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. પત્રકારોને પણ ગોડાઉનમાં તપાસ વખતે હાજર રહેવા નથી દેવાતા.

મગફળી કૌભાંડ બાબતે સીએમને અનેક વખત પત્રો લકી ચુક્યો છું. આ મામલે રાજ્યપાલને પણ રજુાત કરી હતી. મગફળીકાંડ મોટું કૌભાંડ છે. ગુજરાતની જનતા સત્ય જાણે છે. આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ. તમામ લોકો સામે સત્ય આવવું જોઈએ કે મગફળીકાંડ કરીને મલાઇ કોણ તારવી ગયું?”

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ધરણાને પગલે પોલીસે જેતપુરના પેઢલા ગામ ખાતે આવેલા જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ધરણામાં જેતપુરના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે. મગફળી કૌભાંડને લઈને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં કૌભાંડને ચૂંટણી મુદ્દો બનાવે તેવી શક્યતા છે.

મગફળીની બોરીઓમાંથી માટી અને કાંકરા મળ્યાં

જેતપુરના પેઢલા ગામે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને જયશ્રી ઇન્ટરનેશનલ નામના ગોડાઉનમાં સંગ્રહ કરી રાખી હતી. આ દરમિયાન આજે એટલે કે 31 જુલાઇએ ટેકાના ભાવેથી સરકારે ખરીદેલી મગફળી વેપારીઓને વેચવાની છેલ્લી તારીખ હતી, આથી જૂનાગઢ, કેશોદ, ગોંડલ, જેતપુર અને ઉપલેટા સહિતાના શહેરોના વેપારીઓ આ મગફળી ખરીદવા માટે પહોંચ્યા હતા. પરંતુ મગફળીની બોરીઓ ખોલતા જ તેમાં ધૂળ અને માટી નીકળી હતી.

કેવી રીતે થાય છે કૌભાંડ?

પહેલા સરકાર ખેડૂતો પાસેથી ઓછા ભાવે એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદે છે. બાદમાં તેને વિવિધ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરેલી આ મગફળી બાદમાં વેપારીઓને વેચવામાં આવે છે. આ આખી પ્રોસેસ દરમિયાન લેભાગુ તત્વો લાભ ઉઠાવવા માટે મગફળીની બોરીઓમાં ધૂળ અને માટી ભેળવી દે છે, અને તેટલી મગફળી બીજે ક્યાંક સગેવેગ કરી દે છે. ધૂળ અને કાંકરાને કારણે વેપારીઓ પણ આ મગફળી ખરીદતા નથી, અંતમાં સરકારને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.

અત્યાર સુધી કયા કયા કૌભાંડ બહાર આવી ચુક્યા છે?

ગોંડલઃ 2 ફેબ્રુઆરી, 28 કરોડની મગફળી બળીને ખાક

રાજકોટઃ 14માર્ચ, 17 કરોડના બારદાન બળીને ખાક

શાપરઃ 6 મે, 4 કરોડથી પણ વધુની મગફળી બળીને ખાક

જેતપુરઃ 31 જુલાઈ, મગફળીની ખરીદીનું કૌભાંડ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker