- દેશમાં કોરોના વેકસીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે હજુ લોકોના મનમાં વેક્સીનને લઈને ઘણા સવાલો છે.
દેશમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો પૂરજોરમાં ચાલી રહ્યો છે. જેમાં 60 વર્ષથી ઉપરના અને કોમોર્બિડ હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ડોક્ટરો સહિતનો મેડિકલ સ્ટાફ ઘણી મહેનત કરી રહ્યો છે. આ ડોક્ટરોને રસી આપવા ઉપરાંત તેનાથી કોઈ આડઅસર થાય તો તેની સારવાર કરવાની જવાબદારી તો નિભાવવી જ પડે છે, સાથે જ એવા લોકોનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જે વેક્સીનને લઈને ઘણા જ વિચિત્ર સવાલો લઈને આવે છે.
કોરોનાની વેક્સીનને લઈને લોકોના અજબ-ગજબ સવાલોનો ભોગ સૌથી પહેલા તો તેમના ફેમિલી ફિઝિશિયન બને છે. નાગપુરમાં અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આ ડોક્ટરોએ જણાવ્યું કે, હાલના દિવસોમાં વેક્સીનને લઈને પોતાના મન રહેલા સવાલોનો જવાબ મેળવવા ઘણા લોકોના ફોન આવી રહ્યા છે.
મોટાભાગના સવાલો તો લોકોના મનમાં ‘વોટ્સએપ નોલેજ યુનિવર્સિટી’ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફેલાઈ રહેલી અધકચરી અને ભ્રામક માહિતીઓના કારણે ઊભા થઈ રહ્યા છે. નાગપુરના માનેવાડામાં ક્લિનિક ચલાવતા ડો. નરેશ કુંબલેએ જણાવ્યું કે, વૃદ્ધો વેક્સીન લેવા માટે ઉત્સુક છે, પરંતુ તેમના મનમાં ઘણા પ્રશ્નો છે.
ઘણાનું માનવું છે કે, સોશિયલ મીડિયા પરના મેસેજો સાચા છે.’ તેમણે કહ્યું કે, ‘વેક્સીન લેવાથી કેન્સર તો નહીં થાય ને?, હાર્ટએટેક તો નહીં આવે ને?, આવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. જેઓ ગંભીર કોમોર્બિડિટીઝથી પીડાય છે તેમને કિડની ફેલ્યોરનો પણ ભય સતાવે છે. અન્ય એક ફેમિલી ફિઝિશિયન ડો. અનિલ કુલકર્ણીએ જણાવ્યું કે, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીનથી નપુંસક બની જવાનો ભય સતાવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, ‘મારા કેટલાક દર્દીઓએ એવું પણ પૂછ્યું હતું કે, રસી લીધા પછી દારુ પીવાનું અને સ્મોકિંગ કરવાનું છોડી દેવું પડશે. લોકો સોશિયલ મીડિયા પર આવું કંઈક વાંચીને પછી ડોક્ટરો પર સવાલોનો મારો ચલાવે છે. કાર્ડિયોલોજિસ્ટ ડો. પંકડ હર્કુટે જણાવ્યું કે, ‘હાઈપરટેન્શન અને કાર્ડિયોવેસ્કુલર ડિસીઝના દર્દીઓમાં વધુ ચિંતા જોવા મળી રહી છે.