ત્રણ બાળકોને લઈને નોકરી કરવા જતી પોલીસ કોન્સ્ટેબલઃ ધન્ય છે આ જનેતાને…

માં, આ શબ્દમાં જ આમતો દુનિયા આખી આવી જાય. કારણ કે માં પોતાના બાળકો માટે એટલું બધું કરે છે જેને શબ્દો કે બુદ્ધીની ફૂટપટ્ટીથી માપી ન શકાય. પરિસ્થિતી ગમે તેટલી કપરી હોય, સાજી હોય કે માંદી હોય, ધનિક હોય કે નિર્ધન પણ માં પોતાના બાળકો માટે તનતોડ મહેનત કરે છે, કારણ કે તે માં છે.

આવી જ એક માં ની વાત કરવી છે. આ મહિલા સુરતમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ ૪ મહિનાના બાળકને પોલીસ સ્ટેશન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.

નોકરીયાત મહિલા માટે પરિવાર,બાળકો અને ફરજ વચ્ચે સંતુલન જાળવવુ મુશ્કેલ હોય છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ અપેક્ષાબેન આ ત્રણેય ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે. ખાખી પ્રત્યેનો પ્રેમ અને બાળકો પ્રત્યેનું કર્તવ્ય નિભાવવા માટે તેમજ ઘરે તેમની સારસંભાળ રાખનાર ન હોવાને કારણે તેઓ દરરોજ પોતાના બાળકોને લઈને પોલીસ સ્ટેશન આવે છે. તેમને 13 વર્ષ, 8 વર્ષ અને સાડા ચાર મહીનાના દીકરા છે. તેઓ પોલીસ મથકના દરેક કાર્યો પણ કરે છે અને બાળકોની સંભાળ પણ રાખે છે.

કોરોનાના બીજા ફેઝમાં પણ તેઓ ત્રણે બાળકોને પોલીસ સ્ટેશન લાવી બન્ને ફરજ અદા કરતા હતા. ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત પણ થયા હતા. પરંતુ 18 દિવસ બાદ ફરીથી ફરજ પર હાજર થઇ ગયા હતા. તેમના પતિ સિટી બસમાં ડ્રાઈવર છે. તેઓ તેમના પિતાની જેમ સારા પોલીસકર્મી બનવા માંગે છે. મહિલા કોન્સ્ટેબલ અપેક્ષા કોટવાલે કહ્યું કે, મારે માટે ફરજ પ્રથમ સ્થાને છે અને હું સારી પોલીસ કર્મી બનવા માંગુ છું પરંતુ સાથે સાથે બાળકોની સારસંભાળ પણ રાખવા તત્પર છું.

મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણે છે તેને અહીં જ પોલીસ સ્ટેશનમાં ભણાવું છું. પોલીસ ઈન્સ્પેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મને ખૂબ જ મદદ કરી છે એટલે જ બાળકોને પોલીસ સ્ટેશનમાં લાવવા શક્ય બન્યા છે.

કોરોના જેવા કપરા કાળમાં પણ એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ખાખીની ફરજ નિભાવવી અને સાથે જ એક માં ની પણ ફરજ નિભાવવી આ ખરેખર લાગે છે તેટલી સહેલી બાબત નથી. પણ સમયની જરૂરિયાતને જોતા એક સ્ત્રી એક સાથે સફળતાપૂર્વક બે ફરજો નિભાવી રહી છે.

Scroll to Top