હાર્દિકના અમદાવાદમાં ઉપવાસ, સુરતમાં પાટીદારોના વિસ્તારોમાં પોલીસ ખડેપગે

સુરત: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ધ્યાનમાં રાખીને સુરતમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. શહેરના વરાછા, કાપોદરા, સરથાણા, પુણા, અમરોલી તેમજ કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

2015માં જ્યારે જીએમડીસીની ઘટના ઘટી હતી ત્યારે સુરતના આ જ વિસ્તારોમાં જોરદાર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વખતે પણ આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે પોલીસ અત્યારથી જ સાબદી બની ગઈ છે. હાલ અહીં એસઆરપીની ત્રણ કંપનીઓ, 260 પોલીસકર્મીઓ, એક ડીસીપી અને ત્રણ એસીપી, 10 પીઆઈ, 16 પીએસઆઈને આ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ આ વિસ્તારોમાં વોચ રાખી રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા લોકો પર પણ પોલીસની ખાસ નજર છે. જોકે, અત્યાર સુધી પોલીસે આ વિસ્તારમાંથી PAASના કોઈ કાર્યકર કે પદાધિકારીની અટકાયત નથી કરી.

બીજી તરફ, કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાની વરાછા પોલીસે શનિવારે અટકાયત કરી હતી. કાછડિયાના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા હતી કે તેઓ હાર્દિકને ટેકો આપવા અમદાવાદ જઈ રહ્યા છે. પોલીસે તેમને ચાર વાગ્યે જવાની મંજૂરી આપી હતી, પરંતુ રાત્રે નવ વાગ્યે તેમને ફરી પોલીસે બોલાવ્યા હતા. આખરે મધરાતે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

હાર્દિકનો સરકારને પડકાર, તાકાત હોય તો માત્ર 24 કલાક મારા ઘરેથી પોલીસ હટાવી દો

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર 24 કલાક પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે.

બીજેપીના નેતાઓને આવવા આહવાન

હાર્દિકે બીજેપી પર દમન કરવાનો આરોપ મુકતા આગળ કહ્યું કે, બીજેપી પાસે કોઈ અપેક્ષા હોય શકે નહીં, સરકાર પાસે અપેક્ષા હોય શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દારુ આવી શકે નહીં. હું બીજેપીના નેતાઓને પણ આવવા માટે આહવાન કરું છુ, કે તેઓ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે. અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકાર સ્વીકારી લે. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.

ઉપવાસ સ્થળે કોંગી નેતાઓને એન્ટ્રી પાટીદારોને NO ENTRY

આ આંદોલનમાં પાટીદારો કરતા પણ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોનું વધુ સમર્થન મળી રહ્યું હોય તેમ લાગે છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હાર્દિકને મળવા માટે આવી રહેલા પાટીદારોને અટકાવવામાં આવે છે. જ્યારે કોંગી નેતાઓ શશિકાંત પટેલ, બદરુદ્દીન શેખ સહિતના આગેવાનોને બેરોકટોક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને હાર્દિકને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

પોલીસ સરકારની ચાપલુસી બંધ કરેઃ રીબડીયા

હાર્દિકના સમર્થનમાં ઉતરેલા લોકોમાં મોટા ભાગના પાટીદારો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તેમજ તેને મળવા માટે પણ કોંગી સમર્થકો આવી રહ્યા છે. આ યાદીમાં આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. રીબડીયાએ હાર્દિકને મળીને સમર્થન આપતા જણાવ્યું કે, પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે,

પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે, આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે

ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિકનું સ્વાસ્થ્ય

ત્રીજા દિવસે સોલા સિવિલની તબીબ ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જેમાં તેનુ બ્લડ પ્રેશર અને સુગર નોર્મલ આવ્યા છે, જ્યારે હાર્દિકની શ્વાસની સ્થિતિ પણ નોર્મલ છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકની દર 8 અથવા 12 કલાકે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડૉક્ટરે તેને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. તેમજ હાર્દિકના ઉપવાસને લઇને કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલને મળશે અને રજૂઆત કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top