કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદન પર પ્રહાર કર્યો છે જેમાં તેઓએ નાળામાંથી બહાર આવતા ગેસથી ચા બનાવનારા એક વ્યક્તિનો કિસ્સો સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે કરોડો લોકોને રોજગાર આપવાનો વાયદો કરનારા પીએમ મોદીની રાજગાર રણનીતિ હવે એ છે કે નાળામાં પાઈપ લગાવીને ગેસ કાઢો અને પકોડા બનાવો. કર્ણાટકના બીદરમાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ નરેન્દ્ર મોદીજીની દેશ માટે રોજગારની રણનીતિ છે. નાળામાં પાઇપ લગાવો અને પકોડા બનાવો.”
મોદી કહે છે તમે પકોડા બનાવો, અમે ગેસ નહીં આપીએ- રાહુલ
રાહુલ ગાંધીએ રોજગારનો મુદ્દો ઉઠાવતા પીએમ મોદી પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, મોદીજીની નાળામાંથી બહાર આવતા ગેસથી યુવાઓને રોજગારી આપવાની રણનીતિ ગણાવી રહ્યા છે. પીએમ મોદી કટાક્ષ કરતા તેઓએ કહ્યું કે બે કરોડ યુવાઓને રોજગાર આપવાનો વાયદો કરનારા હવે કહી રહ્યા છે કે તમે પકોડા બનાવો, અમે ગેસ નહીં આપીએ.
પીએમ મોદીએ શું આપ્યું હતું નિવેદન?
પીએમ મોદીએ 10 ઓગસ્ટના રોજ વિશ્વ બાયોફ્યૂલ દિવસના ઉપક્રમે આયોજીત એક કાર્યક્રમમાં ચાવાળાનો કિસ્સો સંભળાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું, “કોઈક શહેરમાં એક વ્યક્તિ ખુમચો લઈને ચા વેચતો હતો. ત્યાંથી એક ગંદુ નાળું પસાર થતું હતું. તેણે એક નાના વાસણને ઊંધું કરીને નાળા પર મૂકી દીધું અને ગટરમાંથી જે ગેસ બહાર આવતો હતો, તેનો સંગ્રહ કરીને તેનાથી ચા બનાવતો હતો.”
મોદી માત્ર 15-20 મોટા લોકોના જ વડાપ્રધાન- રાહુલ ગાંધી
વડાપ્રધાનના આ નિવેદન પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી અને તેને તેમના નવી રોજગાર રણનીતિ ગણાવી. રાહુલે આ ઉપરાંત એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદીના વિઝનમાં બધો ફાયદો 15-20 લોકોને છે. દેશના યુવાઓને પકોડા બનાવવાના છે. જો ગેસ જોઈએ તો નાળામાંથી પાઇપ કાઢી પકોડા બનાવો. રાહુલે આરોપ લગાવ્યો કે તેઓ હિન્દુસ્તાનના વડાપ્રધાન નથી પરંતુ માત્ર 15-20 સૌથી મોટા લોકોના વડાપ્રધાન છે