કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રૂપાણી સરકારે કર્યો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકારના આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે.

મુખ્યમંત્રીએ આ વરિષ્ઠ સચિવઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આ પરમર્શ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે-જે સચિવોને સંભવિત થર્ડ વેવના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે, થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહથી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમ બાઉન્ડ પુરી કરવાની છે.

Scroll to Top