કેન્ટ પોલીસ સ્ટેશન હેઠળ લાલપુર વિસ્તારમાં 19 સપ્ટેમ્બરના રોજ એક મહિલાની લાશ મળવાનો કેસ પોલીસે સોલ્વ કરી દીધો છે. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે. એસએસપી આનંદ કુલકર્ણીએ જણાવ્યું કે, 18 સપ્ટેમ્બરના રોજ ઔરંગાબાદ નિવાસી મીરા જયસ્વાલની હત્યા તેના દીકરા અમિતે કરી હતી. અમિતે અતિશય નિર્મમતાથી તેની માને મારી નાખી હતી. આરોપીના 2 સાથીઓ ધીરજ અને શિવમે પણ તેનો સાથ આપ્યો. ત્રણેયે પહેલા મીરાને ઊંઘની ગોળી આપી, પછી વીજળીનો કરંટ અને છેલ્લે ચપ્પુના 16 ઘા કરીને તેની હત્યા કરી દીધી. 19 સપ્ટેમ્બરની રાતે તેમણે ડેડબોડી ફેંકી દીધું.
પોતાની દુકાનમાં માએ દીકરાને નોકરની જેમ રાખ્યો
એસએસપીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓની સર્વેલન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અમિતે જણાવ્યું કે પિતા અનિલકુમારે 2 વર્ષ પહેલા મમ્મીની સરમુખત્યારશાહીથી કંટાળીને ઘર છોડી દીધું હતું. માએ ઇલેક્ટ્રોનિકની દુકાન ખોલી હતી, જેમાં તે મને નોકરની જેમ રાખતી હતી.
જૂન 2018માં મારા લગ્ન ગોરખપુરની અંકિતા સાથે થયા હતા. માએ મારી પત્નીને થોડાક જ દિવસોમાં ઝઘડો કરીને તેના પિયર ભગાડી દીધી. પત્નીના ગયા પછી મારી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.
બે કારણોસર માને મારી
અમિતે જણાવ્યું કે તેણે 2 કારણોસર માને મારી છે. પહેલું- તે પોતાની જ દુકાનમાં નોકર જેવી જિંદગી જીવવા નહોતો માંગતો. બીજું- પત્નીને ભગાડવાનો બદલો લેવો હતો.
સૌથી પહેલા ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્લાન બનાવ્યો પરંતુ હિંમત ન થઈ એટલે દુકાનના અકાઉન્ટન્ટ ધીરજ અને અન્ય એક દોસ્ત શિવમને પણ સાથે રાખ્યા. પ્લાન પ્રમાણે, 17 સપ્ટેમ્બરે સૌથી પહેલા માને ઊંઘની 15 ગોળીઓ આપી.

અમિત માનો મોબાઈલ લઈને સોનભદ્ર રોબર્ટ્સ ગંજ અને મિર્ઝાપુર તે જ દિવસે ચાલ્યો ગયો. જેથી પોલીસને તેમના સંબંધીઓ પર શંકા જાય. બીજા દિવસે 18 સપ્ટેમ્બરની સાંજે અમિત પાછો આવી ગયો. 18મીની રાતે અમિતે માને ફરીથી આપી ઊંઘની 20 ગોળીઓ આપી.
5 વખત આપ્યા વીજળીના કરંટ
એસએસપી આનંદ કુલકર્ણીએ જણાવ્યું કે માના સૂઈ ગયા પછી અમિત અને ધીરજે તેમને 5 વખત વીજળીના કરંટ આપ્યા. ચીસ પાડવા પર અમિતે માને પેટ અને પીઠ પર ચપ્પુના 6 ઘા માર્યા. પછી દોસ્ત ધીરજે 10 ઘા માર્યા. રાતે જ રૂમમાં ફેલાયેલા લોહીને સાફ કરીને લાશને પોલિથિનમાં નાખીને મૂકી રાખી.
આરોપીએ જણાવ્યું કે દિવસે તિજોરીની ડુપ્લિકેટ ચાવી બનાવનારાનો બોલાવીને ચાવી બનાવડાવી. 1,15,000 રૂપિયા મળ્યા. બજારમાંથી એક મોટું બોક્સ ખરીદીને લાવ્યા. લાશને 19 સપ્ટેમ્બરની રાતે બોક્સમાં મૂકીને અમે ત્રણેયે તેને ઠેકાણે લગાવી દીધી. બોક્સ લઇને પાછા ઘરે આવી ગયા. પલંગ પણ કચરામાં ફેંકી દીધો. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરનું ફોર્મેટ તોડી નાખ્યું હતું.