સાહેબ માનો કે ન માનો… પરંતુ આપણા વડવાઓ વર્ષો પહેલા જે વાતો કહીને ગયા છે, તે વાતોને આજે આખી દુનિયા અપનાવી રહી છે. વડીલો પાસેથી આપે ઘણીવાર સાંભળ્યું હશે કે, આપણે ઓછું બોલવું જોઈએ અને વધારે સાંભળવું જોઈએ.
તેમની દરેક સલાહની જેમ, આ સલાહ પણ ખૂબ જ દમદાર છે. ઓછું બોલવું અને વધારે સાંભળવું તે આપના મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. હવે આપ વિચારી રહ્યા હશો કે, ઓછું બોલવું અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે? તો વાંચો નીચે આપેલી તમામ વિગતો…
ઓછું બોલવાના અને વધારે સાંભળવાના ફાયદા: ઓછું બોલવાથી અને વધારે સાંભળવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. આ તમારા જીવનમાં રહેલા સ્ટ્રેસને ઓછો કરે છે.
ઓછું બોલવા અને વધારે સાંભળવાના કારણે આપનું ધ્યાન બીજાની વાતો પર વધારે હોય છે. આનાથી આપને કંઈક નવું જાણવા મળી શકે છે અને જ્ઞાનમાં પણ વધારો થાય છે. આ જ્ઞાન આપને મુશ્કેલીના સમયમાં ખૂબ જ કામ આવે છે.
જે લોકો સતત બોલતા રહે છે તે લોકો અજ્ઞાનતાના કારણે કેટલીક ખોટી અને અર્થહીન વાતો બોલી જાય છે. આનાથી લોકો તેમને મૂર્ખ સમજવા લાગગે છે અથવા તો લોકો સામે તેમની ખરાબ છબી બની જાય છે. આ છબી બાદમાં તણાવનું કારણ બની શકે છે.
જે લોકો વધારે બોલે છે, તે લોકો ક્યારેક એવું બોલી જાય છે કે, જે હકીકતમાં ન બોલવાનું હોય. બાદમાં તેમને પસ્તાવો થાય છે. કેટલીય વાર એ લોકો એવા સીક્રેટ્સ ઉજાગર કરી દે છે કે, જે તેમના માટે સમસ્યાનું કારણ બની જાય છે.
જે લોકો માત્ર પોતાના જ વખાણ કર્યે રાખતા હોય છે, તેમનાથી લોકો કંટાળી જાય છે. આના કારણે તેમને મળવું અને તેમની સાથે વાત કરવાનું કેટલાક લોકો પસંદ નથી કરતા. કારણ કે, લોકોને એવા માણસ પાસે બેસવું પસંદ હોય છે કે, જે પોતે બોલે પણ ખરા અને બીજાને સાંભળે પણ ખરા.